સુરતઃ શહેરના સચિન પાલી ગામમાં ત્રણ બાળકોના શંકાસ્પદ મોતનો મામલો સામે આવ્યો છે. શુક્રવારે ત્રણેય બાળકીએ છેલ્લે આઈસ્ક્રીમ ખાધો હતો. ત્યાર બાદ ત્રણેય બાળકીની તબિયત બગડી હતી. પહેલાં ખાનગી અને ત્યાર બાદ સિવિલ હોસ્પિટલમાં બાળકીઓને લઈ જવામાં આવી હતી પરંતુ ત્રણેયને બચાવી શકાઈ નહોતી. અચાનક બાળકીઓના મોતથી પરિવારજનો પર આભ તુટી પડ્યું હતું. ત્રણેય બાળકીઓના મોતનું સાચું કારણ જાણવા પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સચિનના પાલી ગામમાં રહેતી ત્રણેય બાળકીઓએ શુક્રવારે આઈસ્ક્રીમ ખાધો હતો. ત્યાર બાદ ઠંડી વધારે હોઈ તાપણું કરવા બેઠાં હતાં. ત્યાર બાદ ત્રણેયની તબિયત બગડી હતી. તાપણાનો ધુમાડો લાગતા કે પછી અન્ય કોઈ કારણસર તબિયત બગડી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ તપાસ ચાલી રહી છે. પીએમ રિપોર્ટ આવે ત્યાર બાદ જ ત્રણેય બાળકીઓના મોતનું સાચું કારણ જાણવા મળશે.
મૃતક બાળકીઓના નામઃ દુર્ગા કુમારી મહંતો (12), અમિતા મહંતો (14) અને અનિતાકુમાર મહંતો (8).