વર્તમાનમાં ચર્ચાઈ રહેલું રાજકીય વાવાઝોડું ક્યારેય શમવાનું લાગતું નથી. આ બધાનું મૂળ છે સંવિધાનનો અયોગ્ય તથા મર્યાદાનો લાભ લઇને થઈ રહેલો કારભાર છે. EVM ની ધાંધલ કરતાં વધારે નુકસાનકારક તો ચૂંટણી પંચનો સદંતર એકપક્ષી તથા બિનપારદર્શી વર્તાવ રહ્યો છે અને તે જ મુખ્ય કારણથી સત્તાની જાળવણી અથવા છીનવી લેવાનો કાર્યક્રમ અવિરતપણે ચાલી રહ્યો છે. બીજું અને અગત્યનું કારણ પ્રત્યેક સ્વાયત્ત સંસ્થાઓની કોઈ સ્વતંત્રતા કે સ્વાયત્તતા અદૃશ્ય થઈ રહી તે છે. ત્રીજું અને મહત્ત્વનું અંગ કહી શકાય તે સનદી અધિકારીઓ તથા ન્યાયાલયના ન્યાયાધીશો કે જેઓ બધા સંવિધાનની કસમ લઈને હોદ્દા ગ્રહણ કરે છે તેઓ જ સંવિધાનની પ્રણાલીનું સતત ઉપેક્ષા કરતા આવ્યા તે છે.
લગભગ ૯૫ ટકા લોકો કે જેમાં ભણેલા, સમર્થ તથા જાણકાર વ્યક્તિઓનો સમાવેશ હોવા છતાં તેઓ રાજકીય પ્રક્રિયાને સમજીને યોગ્ય એવો પ્રતિભાવ આપતાં હોય તેવું દેખાતું નથી. આ બધામાં મારે શું અને મારું શું થી કોઈ બહાર નીકળતું નથી તેવી વૃત્તિ પણ આજની પરિસ્થતિ માટે જવાબદાર છે. બાકી તો રામ ભરોસે રામ રાજ્ય સ્થાપિત છે અને રહેવાનું છે. રામ નામ જપના ઔર પરાયા માલ અપના જેવા હાલ ભારતનાં બધાં લોકોમાં પેસી જશે એવાં એંધાણ દેખાય છે. આને અંધાધૂંધી કહેવું કે રાજકીય દાવાનળ અથવા સુનામી પણ જે કંઈ હોય તે આપણે જ ભોગવવું પડશે અને કદાચ આપણે જ સુધારવું પડશે પણ તે એટલું સહેલું નથી.
મુંબઈ – શિવદત્ત પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ચાંદલો સ્વીકારો અને જરૂરિયાતમંદ સંસ્થાને આપી દો
આજકાલ ધનિક લોકોમાં લગ્નપ્રસંગે ‘‘ચાંદલો કે ભેટ-સોગાદો અસ્વીકાર્ય’’ નો એક સારો વિચાર પ્રસર્યો છે. પરંતુ ઘણું ખરું નજીકનાં સગાં-સંબંધી કે મિત્રો ગમે તે સગાઇ કાઢીને ચાંદલાનું કવર આપવાનો પ્રયત્ન કરે છે અને મીઠી રકઝક પણ ચાલે છે. આજે પાર્ટીપ્લોટોમાં યોજાતા ભવ્ય લગ્ન રીસેપ્શનમાં જમવાની ડીશ સહેજે ૧૦૦૦-૧૫૦૦ સુધીની થઇ જાય છે અને ઘરની ૪-૫ વ્યક્તિને લાગે છે કે રૂ. ૫૦૦-૧૦૦૦ ની ગીફ્ટ કે કવર તો આપવું જોઇએ અને આમાં ખોટું પણ નથી. આની સાથે એક એવો વિચાર સમાજમાં પ્રસ્થાપિત થવો જોઇએ, જેમને ત્યાં પ્રસંગ હોય તેમણે લગ્ન પ્રસંગે આવતો ચાંદલો લઇ લેવો અને પોતાની શુદ્ધ ભાવના હોવાથી આ રકમ પોતે ના વાપરતા અન્ય ચેરીટેબલ સંસ્થા જેમકે વૃધ્ધાશ્ર્રમ, અંધશાળા, બહેરાં મૂંગાની શાળા કે અન્ય જરૂરિયાતમંદ લોકો સુધી આ રકમ પહોંચાડવી જોઇએ. પુણ્યનું કામ તો થશે જ.
બીજાની અગવડમાં પોતે સહાય કરવા નિમિત્ત બન્યાનો સંતોષ પણ મળશે. આમંત્રણ પત્રિકામાં જ જણાવી દેવું કે તમારા તરફથી મળેલા ચાંદલાની રકમ અમુક-તમુક ચેરીટી માટે વપરાશે. આનાથી ભેટ લાવનારની લાગણી પણ જળવાશે. ઓશિયાળાપણું દૂર થશે અને લેનારમાં લઘુતાગ્રંથી ના આવશે અને આપનારમાં ગુરુતાગ્રંથી ના આવશે. આ રકમથી જેમને લાભ થશે તેઓ ફક્ત સમાજના ઋણી રહેશે. કોઇ વ્યક્તિના નહીં. આવું ઉમદા ઉદાહરણ જો કોઇ બતાવશે તો સમાજમાં એક સારો ચીલો ચોક્કસ પડશે.
સુરત – પી. એમ. કંસારા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.