આજના મોબાઈલ, ટી.વી. તથા કોમ્પ્યુટર યુગમાં સૌથી વધારે જો નુકસાન થતું હોય તો તે આંખ છે. આંખમાંથી પાણી નીકળવું, દેખાવું, ચશ્માના નંબર આવી જવા, આંખને સ્ટ્રેઇન પહોંચવું , આંખ ભારે થઈ જવી, આંખ સૂકી થઈ જવી, માથાનો દુખાવો આ પ્રકારની ફરિયાદ ખૂબ જ સામાન્ય થઈ ગઈ છે. આ બધી ફરિયાદોમાં રાહત આપવા માટે જો આપણે થોડીક આંખની કાળજી લઈશું,આંખના સ્નાયુઓને જો થોડી કસરત આપીશું તો આંખને આપણે તંદુરસ્ત રાખી શકીશું. આ પ્રકારની કસરત દિવસમાં ગમે ત્યારે અને કોઈપણ જગ્યાએ આપ કરી શકશો.
૧) ૨૦-૨૦-૨૦ . જે લોકો કોમ્પ્યુટરના સ્ક્રીનની સામે સતત નજર રાખતા હોય છે તેઓ માટે આ કસરત ખૂબ જ ઉપયોગી છે. દર ૨૦ મિનિટે ૨૦ ફૂટ દૂર રાખેલી કોઈ પણ વસ્તુ ઉપર ૨૦ સેકન્ડ માટે નજર સ્થિર કરો. આનાથી માથાનો દુખાવો, ઝાખું દેખાવું તથા આંખ પર આવતો ભાર પણ ઓછો થઈ જશે. ૨) એક જગ્યાએ ખૂબ જ અનુકૂળતા સાધી બેસી જાઓ, ગરદનના સ્નાયુઓને ઢીલા કરી દો અને આંખ બંધ કરી દો. હવે બંને પંજા તથા હથેળીને ઝડપથી એક બીજા ઉપર ઘસી , ઘર્ષણને કારણે ગરમી ઉત્પન્ન થશે ત્યારે બંને હાથને બંધ આંખની ઉપર ધીમેથી ઢાંકો .
પંજામાં ઉત્પન્ન થયેલ ગરમી ઉપર ધ્યાન કેન્દ્રિત કરો એ ગરમીને આંખથી મહેસુસ કરો જેનાથી તમારા આંખના સ્નાયુઓને રાહત મળશે. ૩) કોઈ પણ હાથના અંગૂઠાને આંખની સમાન ઊંચાઈએ દૂર લઈ જાઓ. હવે ધીમે ધીમે અંગૂઠાને આંખની નજીક લાવો. આ સમયે તમારી નજરને અંગુઠા ઉપર જ સ્થિર રાખવાની છે. જ્યારે આંખને ભાર લાગે કે બે અંગૂઠા દેખાવા લાગે ત્યાં સુધી અંગૂઠાને આંખની નજીક લાવવાનો છે . નજરને અંગુઠા ઉપર સ્થિર રાખીને ફરી પાછા અંગુઠાને શક્ય તેટલા દૂર લઈ જાઓ.આ કસરત ૧૦ વખત કરવાની છે .
એક દિવસમાં આપ ત્રણ ચાર વખત પણ કરી શકો છો. ૪) હવે માથું ફેરવ્યા વગર, આંખના ડોળાને જ ફેરવવાનો છે. ઊંચે જુઓ, નીચે જુઓ, ડાબી બાજુ જુઓ, જમણી બાજુ જુઓ. આ કસરત ચારથી પાંચ વખત કરો. હવે આંખના ડોળાને ડાબી બાજુથી જમણી બાજુ ગોળ ગોળ ફેરવો ત્યાર બાદ જમણી બાજુથી ડાબી બાજુ ગોળ ગોળ ફેરવો. ૫) ફિગર ઓફ 8 , હવે આંખના ડોળાને અંગ્રેજીના નંબર 8 ના આકારમાં ફેરવવાનો છે . આ તમામ કસરત જો તમે નિયમિત રીતે કરશો તો આંખની ઘણી તકલીફોમાં રાહત મળશે. આંખના ડોક્ટર પાસે નિયમિત રીતે આંખની તપાસ કરાવતા રહો તથા વિટામીન એ યુક્ત ખોરાક લેતા રહો.
અમેરિકા – ડૉ ચંદ્રેશ જરદોશ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.