ગુજરાત રાજયનાં મહત્તમ શહેરોમાં વિવિધ સરકારી કચેરીઓમાં ડુપ્લીકેટ અધિકારીઓ બનીને અને નકલી આઇ.ડી. પ્રૂફ રજૂ કરી હજારો લોકો સાથે લાખ્ખો રૂપિયાની છેતરપિંડીની અસંખ્ય ઘટનાઓ બની રહી છે. હાલમાં જ અમદાવાદ શહેરમાં નકલી આઇએએસ બનીને નોકરી ઇચ્છુક યુવાનને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં કલાર્ક તરીકે નોકરી આપવાનું કહીને 3 લાખ પડાવ્યા હતા.
આવા નકલી અધિકારીઓ એમનો પ્રભાવ પાડવા માટે ભાડાની કાર લઇ તેના પર લાઇટ લગાવી તેમજ ગાડી પર ભારત સરકારનું ડુપ્લીકેટ બોર્ડ લગાવે છે. જનતાએ આવા નકલી ઇન્કમટેક્ષ અધિકારી, ફુડ ચેકીંગ અધિકારી, જીએસટી અધિકારી કે મહાનગરપાલિકાના અધિકારીઓથી સચેત સાવધાન અને હોંશિયાર રહેવાની જરૂર છે અને જો દુર્ભાગ્ય આવા ફ્રોડ અધિકારીઓ સાથે મુલાકાત થઇ જાય તો સમયસૂચકતા રાખીને સંબંધિત કચેરી કે વિભાગમાં તાત્કાલિક ફોન કરી સાચી હકીકત મેળવો જેથી મોટી દુર્ઘટનાઓથી બચી શકાય. જાણકારી અને સાવચેતી જ બચાવનું રામબાણ છે.
સુરત – રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
બુલડોઝર અન્યાયની વણથંભી કૂચ પર સુપ્રિમ કોર્ટની રોક
બહુ ગવાયેલ બુલડોઝરથી લોકોનાં મકાનો તોડી પાડવાની ઉત્તરપ્રદેશથી શરૂ થયેલ વણથંભી કૂચ સુપ્રિમ કોર્ટે અટકાવી દીધી છે. ઉ.પ્ર.નો આ ચેપ ઉત્તરાંચલ, મધ્યપ્રદેશ અને ગુજરાતને પણ લાગ્યો હતો. સુપ્રિમ કોર્ટે ચુકાદામાં કહ્યું છે કે સરકાર ન્યાયતંત્રનું કામ હાથ પર લઇ શકે નહીં. તેનાથી કાયદા શાસનનો ભંગ થાય છે અને સત્તાનો દુરુપયોગ છે. માત્ર આરોપ મુકાયેલ અને દોષિત ન ઠરાવાયેલ વ્યકિતનું મકાન તોડી શકાય નહીં.
કદાચ તેને સજા થાય અથવા તે ગેરકાયદેસર મકાન હોય તો પણ યોગ્ય પ્રક્રિયા અનુસર્યા સિવાય મકાન તોડી પાડી શકાય નહીં. વધુમાં સુપ્રિમ કોર્ટે ઠરાવેલ છે કે આ રીતે મકાન તોડી પાડનાર અધિકારીઓ જવાબદાર ઠરાવી તેમની સામે પગલાં લેવાવાં જોઇએ. સાથે સાથે જેમનાં મકાનો તોડી પાડી પરિવાર સાથે રસ્તા પર લાવી મૂકયા છે તેમના આવાસની વ્યવસ્થા કર્યા બાદ જ મકાન તોડવાની કાર્યવાહી થવી જોઇએ. અલ્હાબાદ હાઇકોર્ટે ઉપર મુજબ એક ચુકાદામાં ઠરાવેલ છે.
પાલનપુર – અશ્વિનકુમાર ન. કારીઆ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.