Columns

પ્રેમની જીત થઈ

વર્ગમાં છોકરાઓએ પ્રોફેસરનું નામ જ્વાળામુખી પાડ્યું હતું. આવું નામ એટલે પડ્યું હતું કે બધા જ તેમનાથી ડરતા હતા. મોટી મોટી લાલ લાલ આંખો, હંમેશા ગુસ્સામાં રહેતો ચહેરો, આ રૂપ જોતાં જ બધાં જ વિદ્યાર્થીઓનાં રુંવાડાં ઊભાં થઈ જતાં. ઉપરથી પ્રોફેસર સાહેબ ખૂબ જ કડક, હાથમાં સોટી રાખે અને રોજ સોટીથી કોઈ ને કોઈ વિદ્યાર્થીને તો ધોઈ જ નાખે.  ક્લાસમાં ભાવિન નામનો છોકરો ખૂબ જ ડરપોક હતો. તેને સવાલનો જવાબ આવડતો હોય તો પણ તે પ્રોફેસર સાહેબના ડરથી જવાબ આપી શકતો નહીં અને એટલે તેને રોજ માર પડતો.સાહેબને જોઈને જ બધાની જીભ લથડવા માંડતી અને કોઈ જવાબ આપી શકતું નહીં તેથી સાહેબ બધાને સજા કરતા.

 એક વખત વર્ગના બીજા છોકરા અનુજે હિંમત કરીને કહ્યું, ‘સર, તમે ગુસ્સે થશો તેનો અમને ડર છે. તમે શાંતિથી અને પ્રેમથી પૂછો તો અમને બધા જ જવાબ આવડશે.’આ વાત સાંભળીને પ્રોફેસર સાહેબનો ગુસ્સાનો જ્વાળામુખી ફાટ્યો અને તેમણે અનુજને ખૂબ માર માર્યો. બધા છોકરાઓ ડરી ગયા. તેઓ બધા જવાબ બરાબર યાદ કરીને ભણીને આવતા પણ સાહેબની સામે ડરી જઈને જવાબ આપવામાં ભૂલ કરી દેતા અને તેમને સજા થતી.

પ્રોફેસરે પરીક્ષા રાખી હતી. એક છોકરા ધીરજે એક યુક્તિ કરી. બધા શાંતિથી સ્વસ્થ મળે પોતપોતાની સીટ પર બેસી ગયા. સાહેબે ચેપ્ટર વાંચવાનો આદેશ કર્યો. પહેલો છોકરો ઊભો થયો. ફટાફટ ચેપ્ટર વાંચી ગયો. બીજો ઊભો થયો તે પણ સરસ વાંચી ગયો. સાહેબને બહુ નવાઈ લાગી. ત્રીજો, ચોથો, પાંચમો આમ અડધો ક્લાસ ફટાફટ આગળ ચેપ્ટર વાંચતો જ ગયો. પ્રોફેસર સાહેબને નવાઈ લાગી. તેમણે પરીક્ષા આગળ ચલાવી પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું.તેમણે જોયું તો દરેક છોકરાઓ બ્લેકબોર્ડની ઉપરની દીવાલ તરફ નજર રાખીને જ બોલતા હતા.

તેમને થયું કે નક્કી આ દીવાલ ઉપર છોકરાઓએ ચેપ્ટરના જવાબો લખી રાખ્યા હશે. આજે તેમની ખેર નથી. આમ વિચારીને,તેમણે ગુસ્સાથી પાછું વાળીને નજર ઉપરની દીવાલ પર નાખી અને જોતાંની સાથે જ તેઓ દંગ રહી ગયા. દિવાલ પર લખાણ ન હતું પણ પ્રોફેસર સાહેબનું પોતાનું પેઇન્ટિંગ હતું! પણ આ પેઇન્ટિંગ તેમના મૂળ રૂપથી એકદમ જુદું જ હતું. શાંત ચહેરો હતો, આંખોમાં પ્રેમ અને હોઠો પર હાસ્ય હતું.  પ્રોફેસર સાહેબ સમજી ગયા. તેમણે પ્રેમથી પૂછ્યું, આ ચિત્ર કોણે દોર્યું છે? ધીરજ ઊભો થયો અને કહ્યું, ‘સર, આ ચિત્ર મેં દોર્યું છે.’પ્રોફેસર સાહેબે તેને પાસે બોલાવી સોટીના બે ટુકડા કરીને તેના હાથમાં આપી દીધા અને બોલ્યા કે હવે તમને આ પેઇન્ટિંગ જેવા સાહેબ જ ભણાવવા આવશે. તેમનો ગુસ્સો હંમેશા માટે ગાયબ થઈ ગયો અને વિદ્યાર્થીઓનો પ્રેમ જીતી ગયો.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top