નવી દિલ્હીઃ અમેરિકામાં ભારતના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિરુદ્ધ અરેસ્ટ વોરન્ટ જારી થયું હોવાના સમાચાર બાદ હવે આ મામલે ભારત સરકોરનું નિવેદન બહાર આવ્યું છે.
ભારત સરકારે આજે શુક્રવારે કહ્યું હતું કે તેને લાંચના આરોપમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સામે જારી કરાયેલ ધરપકડ વોરંટ અંગે યુએસ સત્તાવાળાઓ તરફથી કોઈ વિનંતી મળી નથી. ભારત સરકારની આ ટિપ્પણી અમેરિકી ન્યાય વિભાગ દ્વારા ગૌતમ અદાણી વિરુદ્ધ આરોપના અહેવાલ વચ્ચે આવી છે.
વિદેશ મંત્રાલય (MEA) એ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે યુનાઇટેડ સ્ટેટ્સમાં અદાણી સંબંધિત સંસ્થાઓ સાથે સંબંધિત કાનૂની કાર્યવાહીમાં સરકારની કોઈ ભૂમિકા નથી. એમઈએના પ્રવક્તાએ પ્રેસ બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે, આ એક કાનૂની મામલો છે જેમાં ખાનગી કંપનીઓ અને વ્યક્તિઓ અને યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ સામેલ છે. તેમણે વધુમાં કહ્યું કે આવા કેસોમાં સ્થાપિત પ્રક્રિયાઓ અને કાનૂની માર્ગો અનુસરવામાં આવશે.
શું છે સમગ્ર મામલો?
ન્યૂયોર્કની ફેડરલ કોર્ટમાં સુનાવણી દરમિયાન ગૌતમ અદાણીની કંપની પર યુએસમાં રોકાણકારોને છેતરવાનો અને સોલર એનર્જી કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને મોટી લાંચ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આરોપ છે કે 2020 થી 2024 ની વચ્ચે અદાણી ગ્રીન અને એઝ્યુર પાવર ગ્લોબલને આ સોલાર પ્રોજેક્ટ મેળવવા માટે ખોટા માર્ગ દ્વારા ભારતીય અધિકારીઓને 265 મિલિયન ડોલર (લગભગ રૂ. 2236 કરોડ)ની લાંચ આપવામાં આવી હતી.
એટલું જ નહીં લાંચનો મામલો અમેરિકન કંપની એટલે કે એઝ્યુર પાવર ગ્લોબલથી છુપાવવામાં આવ્યો હતો. આ કોન્ટ્રાક્ટ દ્વારા 20 વર્ષમાં બે અબજ ડોલરથી વધુનો નફો થવાનો અંદાજ હતો અને તેનો લાભ લેવા માટે ખોટા દાવા કરીને લોન અને બોન્ડ ઉભા કરવામાં આવ્યા હતા.
જો કે, આ આરોપો પછી તરત જ નિવેદન જારી કરીને અદાણી જૂથે અમેરિકન તપાસ એજન્સીના આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે આરોપો પાયાવિહોણા છે, જૂથ દરેક નિર્ણય કાયદાના દાયરામાં રહે છે.