મહારાષ્ટ્રના ગોંદીયામાં શુક્રવારે બપોરે બસ અકસ્માતમાં 12 મુસાફરોના મોત થયા હતા. જ્યારે 18થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. જેમાંથી 10ની હાલત નાજુક હોવાનું કહેવાય છે. મહારાષ્ટ્ર રાજ્ય પરિવહન નિગમની શિવશાહી બસ (MH 09 EM 1273) ભંડારાથી ગોંદીયા જઈ રહી હતી. ગોંદિયા પહેલા 30 કિમી દૂર ખજરી ગામ પાસે આ અકસ્માત થયો હતો.
લોકોના જણાવ્યા અનુસાર આ ઘટના બપોરે 12.30 વાગ્યાની આસપાસ બની હતી. બાઇક ચાલકને બચાવવાનો પ્રયાસ કરતી વખતે ડ્રાઇવરે બસ પરથી કાબુ ગુમાવી દીધો હતો અને બસ રોડની બાજુની રેલિંગ સાથે અથડાઇને પલટી ગઇ હતી. અકસ્માત બાદ ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઘટનાની માહિતી મળતાની સાથે જ મહારાષ્ટ્રના કાર્યવાહક સીએમ એકનાથ શિંદેએ મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. જણાવી દઈએ કે મહારાષ્ટ્ર રાજ્ય પરિવહનની આ બસનો ગોંદિયા પહેલા 30 કિમી દૂર ખજરી ગામ પાસે અકસ્માત થયો હતો.