Columns

બાંગ્લા દેશનાં હિન્દુઓ માટે વટલાઈ જવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી

બાંગ્લા દેશમાં લગભગ ૧ કરોડ ૩૦ લાખ હિંદુઓ રહે છે. શેખ હસીનાને સત્તા પરથી હટાવ્યા બાદ બાંગ્લા દેશનાં આ હિન્દુઓ ખૂબ જ ડરી ગયાં છે. બાંગ્લા દેશમાં હિન્દુઓ પર હુમલા થઈ રહ્યા છે. હિન્દુ મંદિરોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. આવી સ્થિતિમાં સવાલ એ ઊઠી રહ્યો છે કે હવે બાંગ્લા દેશમાં હિન્દુઓનું ભવિષ્ય શું છે? બાંગ્લા દેશમાં હિન્દુઓ હંમેશા કટ્ટરપંથીઓનાં નિશાન પર રહ્યાં છે. જમાત-એ-ઈસ્લામી પાર્ટીના ઘણા નેતાઓ વિરુદ્ધ હિંદુઓને હેરાન કરવાના કેસ નોંધાયેલા છે. હવે આ પાર્ટી બાંગ્લા દેશની નવી સરકારનો ભાગ બની ગઈ છે.

જમાત-એ-ઈસ્લામીનું નામ જ સૂચવે છે કે તે એક કટ્ટરવાદી પક્ષ છે અને તેનું નિશાન હંમેશા બાંગ્લા દેશમાં રહેતાં હિન્દુઓ રહ્યાં છે. માનવાધિકાર સંગઠન એમ્નેસ્ટી ઈન્ટરનેશનલનો રિપોર્ટ પણ આ વાતની પુષ્ટિ કરે છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જમાત-એ-ઇસ્લામી અને છાત્ર શિબિર બાંગ્લા દેશમાં હિન્દુઓને સતત નિશાન બનાવી રહ્યાં છે. બાંગ્લા દેશી NGOના અનુમાન મુજબ, બાંગ્લા દેશમાં ૨૦૧૩ થી ૨૦૨૨ સુધીમાં હિંદુઓ પર ૩,૬૦૦ થી વધુ હુમલા થયા છે. આમાંના મોટા ભાગના હુમલાઓમાં જમાત-એ-ઇસ્લામીએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

આવી સ્થિતિમાં હિન્દુ સમુદાયની ચિંતામાં વધુ વધારો થયો છે. ૧૯૫૧ માં હાથ ધરવામાં આવેલી સત્તાવાર વસ્તી ગણતરી અનુસાર, અહીંની કુલ વસ્તીના ૨૨ ટકા હિંદુઓ હતાં. ૧૯૯૧માં આ વસતી ઘટીને ૧૫ ટકા થઈ ગઈ હતી. ૨૦૧૧ની વસતી ગણતરીમાં આ સંખ્યા ઘટીને માત્ર ૮.૫ ટકા રહી હતી. તે જ સમયે, અહીં મુસ્લિમ વસતી સતત વધી રહી છે. ૧૯૫૧માં મુસ્લિમોની સંખ્યા કુલ વસતીના ૭૬ ટકા હતી જે હવે વધીને ૯૧ ટકા થઈ ગઈ છે. આ હોવા છતાં, હિન્દુઓ બાંગ્લા દેશમાં સૌથી મોટો ધાર્મિક લઘુમતી સમુદાય છે. બાંગ્લા દેશમાં બળવા પછી જે રીતે લઘુમતી હિંદુઓ, બૌદ્ધો વગેરે પરના હુમલા વધ્યા છે, તેથી તેમની સુરક્ષા ફરી જોખમમાં મૂકાઈ ગઈ છે. બાંગ્લા દેશની ઘટનાઓ ભારત સરકાર મૂક પ્રેક્ષક બનીને જોઈ રહી છે.

બાંગ્લા દેશમાં લાંબા સમયથી હિન્દુઓ પર અત્યાચારો ચાલી રહ્યા છે. બાંગ્લા દેશથી હિંદુઓ પર અત્યાચારની આવી ઘટનાઓ સામે આવી છે, જે સાંભળીને ભયાનક લાગે છે. હિન્દુ યુવતીઓ પર બળાત્કારના અસંખ્ય કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. હિંદુ અમેરિકન ઓર્ગેનાઈઝેશનના અહેવાલ મુજબ ૧૯૬૪ થી ૨૦૧૩ વચ્ચે ધાર્મિક અત્યાચારને કારણે ૧ કરોડથી વધુ હિંદુઓ બાંગ્લા દેશથી ભાગી ગયાં હતાં. આ રિપોર્ટમાં ચોંકાવનારી વાત એ પણ સામે આવી છે કે દર વર્ષે બે લાખથી વધુ હિન્દુઓ બાંગ્લા દેશ છોડીને જાય છે. તે જ સમયે ૨૦૧૧ની વસતી ગણતરીમાં જાણવા મળ્યું હતું કે ૨૦૦૦ અને ૨૦૧૦ વચ્ચે બાંગ્લા દેશની વસતીમાંથી ૧૦ લાખ હિંદુઓ ગાયબ થઈ ગયાં હતાં અને આ મુદ્દો ક્યાંય ઉઠાવવામાં આવ્યો ન હતો.

બાંગ્લા દેશમાં લઘુમતીઓ પર અત્યાચાર નવી વાત નથી. કટ્ટરવાદીઓના અત્યાચારોથી નમસુદ્રોને બચાવવા માટે હરિચંદ ઠાકુરે ૧૯મી સદીના મધ્યમાં ફરીદપુરમાં માતુઆ સંપ્રદાયની સ્થાપના કરી હતી. ગુરુચંદ ઠાકુરના પૌત્ર પ્રમથ રંજન બિસ્વાસ કટ્ટરવાદીઓના અત્યાચારોથી બચવા માટે ૧૯૪૮માં બંગાળના બાણગાંવ આવ્યા હતા. તેમણે બંગાળમાં માતુઆ ધર્મ મહાસંઘનું આયોજન કર્યું હતું.

બંગાળમાં તેના દોઢ કરોડ અનુયાયીઓ સાથે માતુઆ ધર્મ મહાસંઘ હજુ પણ શરણાર્થીઓ માટે લડી રહ્યું છે. વિભાજન સમયે જોગેન્દ્રનાથ મંડલ કટ્ટરવાદીઓના અત્યાચારને રોકવા માટે જ પાકિસ્તાન સરકાર સાથે જોડાયા હતા. પાકિસ્તાનના કાયદા અને શ્રમમંત્રી બન્યા પછી પણ તેઓ અત્યાચારને રોકી શક્યા ન હતા ત્યારે તેમણે રાજીનામું આપી દીધું હતું. પાકિસ્તાનના તત્કાલીન વડા પ્રધાન લિયાકત અલી ખાનને મોકલવામાં આવેલા. તેમના રાજીનામાના પત્રમાં મંડલે લખ્યું હતું કે પૂર્વ પાકિસ્તાનમાં મુસ્લિમ કટ્ટરપંથીઓ દ્વારા હિંદુઓ પર વધી રહેલા હુમલાઓને કારણે તેમના માટે મંત્રી તરીકે ચાલુ રહેવું શક્ય નથી.

દેશના ભાગલા પછી ૫૦ લાખ હિંદુઓને સ્થળાંતર કરવાની ફરજ પડી તે પછી પણ હિંદુઓનું સ્થળાંતર અટક્યું ન હતું. બાંગ્લા દેશી સાહિત્યકાર સલામ આઝાદે તેમના પુસ્તક હિંદુઓ બાંગ્લા દેશથી કેમ ભાગી રહ્યાં છે? માં લખ્યું છે કે કટ્ટરવાદી મુસ્લિમ સંગઠનોના અત્યાચારોથી કંટાળીને ૧૯૭૪ થી ૧૯૯૧ વચ્ચે રોજના સરેરાશ ૪૭૫ હિન્દુઓને કાયમ માટે બાંગ્લા દેશ છોડી જવાની ફરજ પડી હતી. જો તેઓએ સ્થળાંતર ન કર્યું હોત તો આજે બાંગ્લા દેશમાં હિન્દુ નાગરિકોની વસ્તી ૩.૨૫ કરોડ હોત. સાંપ્રદાયિક અત્યાચાર, નોકરીઓમાં ભેદભાવ અને સંપત્તિના કબજાને કારણે લઘુમતીઓને ક્યાંય સુખ અને સલામતી જોવા મળતાં નથી. બાંગ્લા દેશનાં હિંદુઓ પાસે માત્ર ત્રણ જ વિકલ્પ બચ્યા છે; કાં તો આત્મહત્યા કરો અથવા ઇસ્લામ સ્વીકારો અથવા સ્થળાંતર કરો.

સલામ આઝાદે તેમની કૃતિ શર્મનાકમાં લખ્યું છે કે અલ્પસંખ્યક સમુદાયના પિતાની સામે પુત્રી પર બળાત્કાર કરવામાં આવ્યો હતો અને માતા અને પુત્રીને બાજુમાં રાખવામાં આવ્યા હતા. સાત વર્ષની બાળકીથી માંડીને સાઠ વર્ષની મહિલા સુધી બળાત્કારીઓની બર્બરતામાંથી મુક્તિ મળી નથી. બાંગ્લા દેશમાંથી હિંદુઓનો નાશ કરવા અને ત્યાં ઉગ્રવાદી ઇસ્લામિક અને તાલિબાન શાસન સ્થાપિત કરવાના ઉદ્દેશ સાથે હિંદુઓ પર સર્વાંગી અત્યાચારો આચરવામાં આવ્યા હતા. જ્યારે સલામ આઝાદે બાંગ્લા દેશમાં મુસ્લિમ કટ્ટરપંથીઓ દ્વારા લઘુમતીઓ પર થતા અત્યાચારનો પ્રશ્ન ઉઠાવ્યો ત્યારે તેમની સામે મોતનો ફતવો બહાર પાડ્યો હતો. તેમને દેશમાંથી દેશનિકાલ કરવો પડ્યો હતો. શેખ હસીનાની સરકાર બન્યા બાદ જ તેઓ પોતાના દેશમાં પરત ફરી શક્યાં હતાં. હસીનાના શાસનમાં પણ તસ્લીમા નસરીન પોતાના દેશ પરત ફરી શકી નહોતી.

ત્રણ દાયકા પહેલાં તસ્લીમા નસરીનની નવલકથા લજ્જા પ્રકાશિત થઈ ત્યારે કટ્ટરવાદીઓએ તેમના મૃત્યુનો ફતવો બહાર પાડ્યો હતો. આજે પણ તસ્લીમા ૧૯૭૧માં બનેલા પોતાના દેશની સુખાકારીની કામના કરે છે. ૧૯૭૧ માં બાંગ્લા દેશના સ્વતંત્ર રાષ્ટ્રનો ઉદ્ભવ એ પાકિસ્તાની સેના દ્વારા અકથ્ય અત્યાચારોનું પરિણામ હતું. બાંગ્લા દેશ મુક્તિ યુદ્ધે સાબિત કર્યું કે ધર્મના આધારે રાષ્ટ્ર-રાજ્ય બનાવવાનો સિદ્ધાંત અર્થહીન છે. મૌલાના અબુલ કલામ આઝાદે ૧૯૧૨માં ઉર્દૂ સાપ્તાહિક અલ હિલાલ પ્રકાશિત કર્યું હતું. તેમના દ્વારા તેમણે મુસ્લિમોને બિન-ઈસ્લામિક પરંપરાઓ છોડી દેવા કહ્યું હતું. તેમણે લખ્યું કે જો ધર્મના કારણે યુદ્ધો થઈ રહ્યાં છે તો તેનો અર્થ એ છે કે ધર્મનાં અનુયાયીઓથી તેને સમજવામાં ભૂલ થઈ છે. દુનિયામાં એવી કોઈ જગ્યા નથી કે જ્યાં લઘુમતીઓ જોવા ન મળે. ક્યાંક તમને ધાર્મિક લઘુમતી જોવા મળશે, ક્યાંક ભાષાકીય, તો ક્યાંક વંશીય. સવાલ એ છે કે બાંગ્લા દેશના લઘુમતીઓએ ક્યાં જવું જોઈએ?

બંગાળી લેખક કપિલ કૃષ્ણ ઠાકુરની નવલકથા ઉજાનતલીર ઉપર કથાના એક ગીતનો હિન્દી અર્થ છે – શું તમે સાંભળ્યું છે કે સ્વતંત્ર દેશમાં ધાર્મિક કટ્ટરતાને કારણે લોકો સ્થળાંતર કરે છે? બાંગ્લા દેશમાં એક સમયે ૨૦ ટકાથી વધુ હિંદુઓ હતાં. આજે તેમની સંખ્યા ઘટીને સાત ટકા થઈ ગઈ છે. બાંગ્લા દેશની નવી સરકારમાં કટ્ટરવાદી દળોની ભાગીદારી જોઈને ત્યાંનાં હિંદુઓનું ભાવિ વધુ અંધકારમય દેખાવા લાગ્યું છે. બાંગ્લા દેશના કટ્ટરપંથીઓ તેમના મુક્તિ યુદ્ધમાંથી શીખ્યાં હોત કે જો કોઈ દેશની બહુમતી તેની લઘુમતીઓ સાથે સમાન રીતે વર્તે નહીં, તો તેનું અસ્તિત્વ જોખમમાં છે. જો બાંગ્લા દેશની બહુમતી આ બોધપાઠ શીખી ગઈ હોત તો રવીન્દ્રનાથ ટાગોરના શબ્દોમાં કહીએ તો આમાર સોનાર બાંગ્લા આજે કોમવાદની આગમાં સળગતું ન હોત..
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top