વર્તમાન ગુજરાતની હાલત જોતાં થતું હતું કે આ સુશાસન નથી કે કુશાસન પણ નથી.આ છે અશાસન. યાને કે રણીધણી વગરનું જાહેર જીવન. ના કોઈ પૂછનાર ના કોઈ કહેનાર. સુશાસન હોય તો તેનો પ્રજાને અનુભવ થાય,સત્તાધીશો ઈરાદાપૂર્વક પ્રજાને હેરાન કરે, ત્રાસ આપે તે કુશાસન કહેવાય પણ નેતાઓને કાંઈ ખબર જ ના પડતી હોય,જેને જેમ ફાવે એમ નિર્ણયો કરતું હોય.તમે સારું કરો, ખોટું કરો, કોઈ બોલનાર,રોકનાર ના હોય ત્યારે અશાસન કહેવાય. કવિ હરીન્દ્ર દવેએ કાવ્ય લખ્યું હતું “માધવ ક્યાંય નથી મધુવનમાં.”બસ આ જ લયમાં મનમાં વાક્ય બન્યું છે કે શાસન ક્યાંય નથી ગુજરાતમાં!
તમે ગુજરાતના કોઇ પણ મહાનગરમાં,જાહેર જગ્યા પર ટેબલ ખુરસી લઇ બેસી જાવ અને બજારમાં ફરવાની,વાહન પાર્ક કરવાની,કોઇ પણ બાબતની દસ રૂપિયા ફી ઉઘરાવા માંડો. મહિના વરસ દિવસ સુધી તમને કોઈ પૂછે તો કહેજો. જાહેર રસ્તા પર મંડપ બાંધી રાજકીય, સામાજિક, ધાર્મિક કાર્યક્રમ યોજી દો કોઈ પૂછે તો કહેજો.હોસ્પિટલોની ફી થી માંડીને સ્કૂલ કોલેજોની ફી માં,રસ્તા પર ફટાકડા ફોડવાથી માંડી મોડી રાત્રે કાન ફાડી નાંખતાં ડી. જે. વગાડવા..કોઈ બાબતમાં કોઈ તમને પૂછશે નહીં.અધિકારીઓ મનમાં આવે તેવા પરિપત્રો કરી દે છે નેતાઓને પણ ખબર નથી હોતી.
હજુ હમણાંનો દાખલો જ લો.ગુજરાતમાં ૨૦૦૫ પહેલાં ફિક્સ પગારમાં લાગેલા કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજનાની સરકારે જાહેરાત કરી. જાહેરાત કર્યા બાદ કેટલાય દિવસ સુધી તેનો પરિપત્ર ન થયો.દિવાળી પછી ફરી પાછા કર્મચારી મંડળે કાન પકડવો પડ્યો ત્યારે જાહેરાતનો સત્તાવાર પરિપત્ર થયો અને હજુ તેના અમલીકરણની નિયમાવલી આપવાની તો બાકી જ છે. આ એ જ ગુજરાત છે અને એ જ ભાજપની સરકાર છે જે તાતા નેનોને એક જ કલાકમાં જમીન ફાળવણી કરી શકતી હતી, પરિપત્ર કરી શકતી હતી.
જો ગુજરાતના સરકારના વહીવટી શાસનનું તટસ્થ રીતે મૂલ્યાંકન થાય તો સ્પષ્ટ થાય કે શ્રીમતી આનંદીબહેનના રાજીનામા પછી શાસન સતત કથળતું ગયું છે. છેલ્લા સમયમાં ઘણી વખત એવું બન્યું છે કે અધિકારીઓએ કોઈ નિયમો બનાવ્યા હોય,પ્રજા હેરાન થઇ હોય અને પછી કોઈ નેતાઓનું ધ્યાન દોરે કે ફરિયાદ કરે તો ખુદ નેતાને જ ખબર ના હોય કે આવો કોઈ નિયમ બન્યો છે. સરકારે જાહેર કરેલા ઘણા નિયમો પાછા ખેંચવા પડ્યા તે આનું જ ઉદાહરણ છે.
આ અશાસનની આ નિશાની છે કે પાર્કિંગથી પાણી સુધી બધું જ વેચાય છે અને મનભાવન ભાવે વેચાય છે અને વેચનારામાં ભાજપવાળા, કોંગ્રેસવાળા એવા ભેદ પણ નથી. બધા જ વેચી રહ્યા છે.ઘણી વાર તો એવું લાગે કે આપણા રાજકીય પક્ષોએ વેચવા માટે દેશ વહેંચી તો નથી લીધો ને? પણ મૂળ મુદ્દો એ કે આનો ઉકેલ શું? આપણે વારંવાર કહીએ છીએ કે દેશનો વિકાસ વ્યક્તિથી નહિ વ્યવસ્થાથી થાય છે અને આપણે ત્યાં વ્યવસ્થાઓનો વિકાસ જ નથી થતો. આપણા સામાન્ય જ્ઞાનનાં પુસ્તકોમાં શોધ અને શોધકનાં નામ આવે છે.
આપણે વસ્તુઓ અને દવાઓના શોધકોની વાતો કરીએ છીએ તો ક્યારેક આ સામાજિક વ્યવસ્થાઓ આ આધુનિક વ્યવસ્થાઓના શોધકની પણ વાત કરવી જોઈએ.આ ન્યાયવ્યવસ્થા,આ શિક્ષણવ્યવસ્થા,આ વહીવટીય વ્યવસ્થા,આ રાજકીય વ્યવસ્થાઓ કોણે શોધી? ભારતમાં આજની વ્યવસ્થામાં મૂળ ભારતની હોય એવી વ્યવસ્થાઓ કેટલી? ભારતની તો જવા દો, આપણા આદરણીય મહાત્મા ગાંધીના સપનાની કઈ વ્યવસ્થા આજે ચાલે છે? લોકશાહી એટલે કાયદો અને વ્યવસ્થા એવું આપણે માનતા હોઈએ તો આપણે એવી આશા રાખવી પડે કે આપણે ચૂંટેલી સરકારનું રોજિંદુ તંત્ર જ એવું હોવું જોઈએ કે આવી લૂંટ માટે તત્કાલ કાયદાનો અમલ થવો જોઈએ.એમાંય જો આ સરકાર જોરદાર હોય તો તેની પાસે કાયદાના શાસનની વધુ અપેક્ષા રાખવાની હોય પણ આપણા અનુભવમાં એવું દેખાય છે કે
આપણા જાહેર જીવનના નેતાઓની નિસ્બત પૂરી થઇ ગઈ છે.એમને જાતે સમજ જ નથી પડતી કે આ લૂંટ છે.ગેરકાયદેસર છે અને તેને રોકી શકાય એમ છે. પ્રજા બધે જ બૂમો પાડે છે પણ લોકશાહીમાં આપણો અસંતોષ મતદાનમાં પ્રતિબિમ્બિત થવો જોઈએ. જો આપણને એવું લાગતું હોય કે આ અનિયંત્રિત આર્થિક લૂંટ અટકવી જોઈએ તો આવનારી ચૂંટણીમાં આપણા મતવિસ્તારના ઉમેદવારને પૂછવું જોઈએ કે આ માટે તમે શું કરશો? બાકી દિલ્લી મ્યુનિસિપાલિટીની ચૂંટણીનાં પરિણામો અને ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રીના ફળાહારના સમાચારનો ઘૂઘરો મિડિયા આપણને પકડાવી દે અને આપણે વગાડ્યા કરીએ તો પછી આ સ્થિતિ બદલાવાની નથી.હા, એક રસ્તો છે આ લૂંટમાં આપણે પણ ગોઠવાઈ જવું.પાણીથી મળીને આંસુ સુધીનું વેચી શકાય છે તમને વેચતાં આવડે તો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે