અમદાવાદ : સામાન્ય નાગરિકોને દિલ્હી પોલીસ સીબીઆઈ જેવી એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓના નામે વાતચીત કરીને તેમના નામે મોકલવામાં આવેલ પાર્સલમાંથી ડ્રગ્સ મળી આવ્યું છે, તેમ કહી તમારી વિરુદ્ધ કોર્ટમાંથી એરેસ્ટ વોરંટ હોવાની તેમજ વિડીયોકોલ દ્વારા ડિજિટલ એરેસ્ટ કરી લેવાની ધમકી આપી પૈસા પડાવતી ગેંગના પાંચ સાગરિતોની સાયબર ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ ધરપકડ કરી લીધી છે. સાયબર ક્રાઈમ બ્રાંચે બેંક ખાતા ખોલવામાં મદદ કરનાર યસ બેન્કના કર્મચારીઓની પણ ધરપકડ કરી છે.
સાયબર ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ડૉ લવીના સિન્હાના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી તપાસમાં આરોપી જીગર લકદીરભાઈ જોશી રહે, પાટણ, જતીન મહેશકુમાર ચોખાવાલા રહે શુકન બંગલો, ડીસા, દીપક ઉર્ફે દીપુ ભેરુલાલ સોની રહે, પાટણ હાઈવે, ડીસા, માવજીભાઈ અજબાજી પટેલ રહે, કુંડા ડીસા અને અનિલ ઉર્ફે ભુટા સિયારામ મંડા રહે રાજસ્થાનની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. આ આરોપીઓમાંથી ચાર યસ બેંકમાં કામ કરે છે.
આ અંગે મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરમાં રહેતા સિનિયર સિટીઝન દ્વારા 16 નવેમ્બરના રોજ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ આપવામાં આવી હતી કે અજાણ્યા વ્યક્તિએ વોટસઅપ ઉપર કોલ કરી દિલ્હી પોલીસની ઓળખ આપીને ફરિયાદીને તેમના આધારકાર્ડનો ઉપયોગ કરી એક પાર્સલ મોકલવામાં આવ્યું હતું. જેમાં 16 પાસપોર્ટ, 58 એટીએમ કાર્ડ, 140 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું. તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ થયેલી છે, અને કોર્ટે તેમની વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું છે. જો તપાસમાં સહયોગ નહીં આપો તો ધરપકડ કરવામાં આવશે, તેવી ધમકી આપીને દિલ્હી પોલીસના નામે ડિજિટલ એરેસ્ટ કરી તેમનું નિવેદન મેળવવાના નામે ફરિયાદી પાસેથી બેંક બેલેન્સની માહિતી મેળવીને ફરિયાદી જે પૈસા ભરશે તે વેરીફાઈ કરી પરત મળી જશે તેમ કહી બનાવટી સહી સિક્કાવાળા પત્રોનો ફોટો મોકલીને વિશ્વાસ કેળવી કુલ 1.15 કરોડ બળજબરીથી મેળવી લઈ છેતરપિંડી કરી હતી.
આરોપીઓની પૂછપરછ કરતા પકડાયેલા આરોપીઓમાં જીગર જોશી બીકોમ સુધીનો અભ્યાસ કરેલો છે. જતીન ચોખાવાલા બીકોમ સુધીનો અભ્યાસ કરેલો છે અને યસ બેન્કમાં ડીસા બ્રાન્ચમાં પર્સનલ બેન્કર તરીકે નોકરી કરે છે. આ ઉપરાંત દીપક સોની યસ બેન્કની ડીસા બ્રાન્ચમાં પર્સનલ બેન્કર તરીકે નોકરી કરે છે. જ્યારે માવજીભાઈ પટેલ યસ બેન્કની ડીસા બ્રાન્ચમાં ડેપ્યુટી મેનેજર છે, તેમજ આરોપી અનિલકુમાર મંડા યસ બેન્ક રાજસ્થાનની મેરતા બ્રાન્ચમાં પર્સનલ બેન્કર તરીકે કામ કરે છે. તમામ વિરુદ્ધ સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.