National

સંસદમાં પ્રિયંકાનો પ્રથમ દિવસ: હાથમાં બંધારણની નકલ સાથે શપથ લીધા, રાહુલે ગેટ પર રોકી ફોટો લીધો

પ્રિયંકા ગાંધી કેરળના વાયનાડથી ચૂંટણી જીત્યા બાદ ગુરુવારે પહેલીવાર લોકસભા પહોંચ્યા હતા. તેમણે સાંસદ તરીકેના શપથ લીધા હતા. પ્રિયંકાએ હિન્દીમાં શપથ લીધા હતા. આ દરમિયાન રાહુલની જેમ તેમના હાથમાં પણ બંધારણની કોપી હતી. પ્રિયંકા કેરળની પ્રખ્યાત ‘કસાવુ’ સાડી પહેરીને સંસદ પહોંચ્યા હતા. રાહુલ અને સોનિયા સાથે પ્રિયંકાના પતિ રોબર્ટ વાડ્રા પણ સંસદમાં હાજર હતા. શપથ બાદ પ્રિયંકાએ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેના આશીર્વાદ લીધા હતા.

પહેલીવાર ગાંધી પરિવારના ત્રણ સભ્યો સંસદમાં હાજર છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ યુપીના રાયબરેલીથી અને પ્રિયંકા કેરળના વાયનાડથી સાંસદ છે. જ્યારે સોનિયા રાજસ્થાનથી રાજ્યસભાના સભ્ય છે. પ્રિયંકાના શપથ ગ્રહણ પ્રસંગે તેમની માતા અને પક્ષના સંસદીય દળના વડા સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા, પુત્ર રેહાન રાજીવ વાડ્રા, પુત્રી મિરાયા વાડ્રા, કોંગ્રેસના રાજ્યસભાના સભ્ય રાજીવ શુક્લા અને અન્ય કેટલાક લોકો હાજર રહ્યા હતા. પાર્ટીના નેતાઓ ગૃહની પ્રેક્ષક ગેલેરીમાં હાજર હતા.

પ્રિયંકા જ્યારે સંસદમાં પહોંચ્યા ત્યારે કોંગ્રેસના નેતાઓએ તેમનું બહાર સ્વાગત કર્યું હતું. ગૃહમાં પ્રવેશતા પહેલા ભાઈ રાહુલે તેમને રોક્યા હતા અને કહ્યું- “સ્ટોપ સ્ટોપ સ્ટોપ… લેટ મી ઓલસો ટેક યોર ફોટો…

આ પછી રાહુલ ગાંધીએ ખિસ્સામાંથી ફોન કાઢ્યો અને ત્યાં હાજર તમામ સાંસદો સાથે પ્રિયંકા ગાંધીનો ફોટો લીધો હતો. તમને જણાવી દઈએ કે પ્રિયંકા ગાંધીએ હિન્દીમાં શપથ લીધા હતા અને આ દરમિયાન તેમના હાથમાં બંધારણની કોપી હતી. જ્યારે તેઓ શપથ લેવા ઉભા થયા ત્યારે કોંગ્રેસના સાંસદોએ ‘જોડો-જોડો, ભારત જોડો’ના નારા લગાવ્યા હતા.

શપથ લીધા બાદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને હાથ જોડીને શુભેચ્છા પાઠવી હતી. તેમણે આગળની હરોળમાં બેઠેલા વિપક્ષી નેતાઓને હાથ જોડીને અભિવાદન કર્યું અને ગૃહમાં વિપક્ષના નેતા અને તેમના ભાઈ રાહુલ ગાંધીએ પણ હાથ જોડી પ્રિયંકાના અભિવાદનનો સ્વીકાર કર્યો. શપથ બાદ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રિયંકાને ગળે લગાવીને અભિનંદન પાઠવ્યા હતા.

Most Popular

To Top