સુરતઃ શહેરની સિટી બસમાં સુરત મનપાના વિપક્ષના નેતાઓએ સ્ટીંગ ઓપરેશન હાથ ધરી ચાલતા મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. બસમાં ચાલતા ટિકિટ સ્કેમના પુરાવા બહાર આવતા શાસકો બેકફૂટ પર આવી ગયા છે.
ભૂતકાળમાં અનેકવાર જોવા મળ્યું છે કે સિટીલિંકનો સ્ટાફ મુસાફરો પાસેથી પૈસા લઈને ટિકિટ આપતો નથી. આ સ્કેમનો પર્દાફાશ કરવા આમ આદમી પાર્ટીના નેતા સહિતના કોર્પોરેટર્સે બસમાં મુસાફરી કરી કન્ડક્ટરોને રંગેહાથ પકડ્યા છે. આ અંગે પાલિકાના ટ્રાન્સપોર્ટ ચેરમેન જાણે કે લાચારીની મુદ્રામાં આવી ગયા હોય તેમ કહ્યું કે, હું આ બાબતે પાલિકા કમિશનરને રજૂઆત કરીશ.
આપના કાર્યકરોએ પુણાગામ થી અમેઝીયા સુધી H351 નંબરની બસમાં મુસાફરી કરી હતી, જેમાં ગેરરીતી સામે આવી હતી. કંડક્ટર મુસાફરો પાસે પૈસા લેતો પર તેમને ટિકિટ આપતો ન હતો. પૈસા પોતાના ગજવામાં મુકતો હતો. આ અંગે પૂછપરછ કરતા મુસાફરોએ જણાવ્યું હતું કે આ તો રોજનું છે.
ટિકિટના 10 ને બદલે અડધા એટલે કે 5 રૂપિયા લઈને વગર ટિકિટે મુસાફરી કરવા દેવામાં આવતી હતી. એટલું જ નહીં શાળાએ જતા નાના બાળકો પાસેથી પણ રોજના 10 રૂપિયા લઈને ટિકિટ આપવામાં આવતી નોહતી. આ બાબતે કારણ પૂછવા પર જવાબ મળતો કે મશીન બગડેલું છે અથવા અન્ય કોઈ પ્રોબ્લેમ છે.
સુરતમાં સિટી બસમાં ટિકિટ કૌભાંડ મામલે SMC ટ્રાન્સપોર્ટ ચેરમેન દ્વારા કાર્યવાહી કરવાની ફરી વાત કરતાં કહ્યું કે, અમે એજન્સીથી ત્રાહિમામ થયા છીએ. આકાર નામની એજન્સી મનમાની કરી રહી છે. ગયા મહિને બસ એજન્સીને 92 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
ડ્રાઈવર અને કંડકટર કોઈ પણ ગુનામાં પકડાય તો બ્લેકલિસ્ટ કરવામાં આવે છે. છેલ્લા એક વર્ષમાં 500 કંડકટર અને 250 જેટલા ડ્રાઈવર ને બ્લેકલિસ્ટ કર્યા હતા. જયારે બસ એજન્સી ને કોન્ટ્રાકટ આપ્યો તે એક મોટો સવાલ છે. એજન્સી SMC પર હાવી થઈ રહી છે. હું આ બાબતે હું પાલિકા કમિશનરને રજૂઆત કરીશ.
એજન્સીઓ શોષણ કરતી હોવાના લીધે કૌભાંડ થઈ રહ્યું છેઃ આપ
ટ્રાન્સપોર્ટ કમિટી સભ્ય અને ‘આપ’ કોર્પોરેટર શોભનાબેન કેવડિયાએ કહ્યું કે, એજન્સીઓ જ લાલિયાવાડી ચલાવે છે. જો ડ્રાઇવર – કંડક્ટરોને પૂરતો અને સમયસર પગાર ચૂકવે તો આવી ઘાલમેલ કરવાની નોબત ના આવે. એજન્સીઓ ડ્રાઇવર કંડક્ટરો નું શોષણ કરે છે એનું આ પરિણામ છે.