Columns

સધિયારો સાચા પ્રેમનો

સોહનના પગ આજે ઘરે જતાં ઉપડતા ન હતા. તેના મનમાં પ્રશ્ન હતો કે મને નોકરીમાંથી પાણીચું મળી ગયું છે તે ઘરે જઈ અને હું બધાને કેવી રીતે કહીશ. આમ પણ સોહનના પગારમાં માંડ માંડ બે છેડા ભેગા થતા હતા. મોંઘવારી, મોંઘું ભણતર, ઘરની વધતી જતી જરૂરિયાતો, બે છેડા માંડ ભેગા થતા હોય ત્યાં બચતનો તો કોઈ પ્રશ્ન જ ન હતો અને હવે તેની ઉંમર પણ થઈ ગઈ હતી. ૪૨ વર્ષ એટલે જલ્દીથી નવી નોકરી મળવાની શક્યતા પણ બહુ ઓછી હતી.

નિરાશાથી ઘેરાયેલા સોહનને ઘરે જવાનું મન થતું ન હતું. સોહન કમને ઘરે પહોંચ્યો અને ચૂપચાપ સોફા ઉપર બેસી ગયો. કંઈ જ બોલ્યો નહીં. પત્ની સીમા હસીને ચા લાવી.તે પત્ની સામે જોઈ રહ્યો. ન હસી શક્યો, ન કંઈ બોલી શક્યો. મનમાં અને મનમાં તે પોતાને પરિવારનો, પત્નીનો, બાળકોનો, માતા-પિતાનો ગુનેગાર માનવા લાગ્યો હતો કે લગ્ન થયાં ત્યારે સીમા નોકરી કરતી હતી પણ મા બાપને રાજી રાખવા તેણે પત્નીની નોકરી છોડાવી અને કહ્યું, ‘હું કમાઉં છું.. તું ઘર સંભાળ.’પત્ની સીમાએ ચૂપચાપ પતિની વાત માની લીધી અને ઘરસંસારમાં મન પરોવી લીધું પણ આજે સોહનને થતું હતું કે જો સીમાની નોકરી ચાલુ હોત તો ઘરખર્ચની સાથે સાથે થોડી બચત પણ હોત. સોહનને પોતાની ભૂલ માટે પસ્તાવો થતો હતો , તે વિચારી રહ્યો હતો કે સીમાને અને ઘરમાં બધાને નોકરી છૂટી જવાની વાત કહેવી કઈ રીતે?

તેને મનમાં ડર પણ હતો કે સીમા રડશે, સંભળાવશે કે બચત છે નથી… પુરા પૈસા કમાવવાની ત્રેવડ નથી તો મારી નોકરી શું કામ છોડાવી? પણ વાત છુપાવી તો શક્ય જ ન હતી એટલે વાત તો કરવી જ પડશે. તેણે ધીમેથી સીમાને પોતાની પાસે બેસાડીને વાત કરી; નોકરી છૂટી જવાની વાત કરી, વાત કરતાં કરતાં તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે વિચાર્યું હતું એમાંનું સીમા કંઈ જ ન બોલી. સીમાએ પ્રેમથી તેનો હાથ પકડ્યો અને સધિયારો આપતાં કહ્યું, ‘વાંધો નહીં, હિંમત રાખો. નોકરી છૂટી ગઈ છે તો બીજી મળશે. નસીબ તો નથી ફૂટી ગયું ને? અને હજી આપણે બે સાથે છીએ, મારી પાસે થોડી બચત છે અને મારી પાસે ડિગ્રી પણ છે. તમે ચિંતા છોડો, થોડો આરામ કરો. હું નોકરી શરૂ કરી દઈશ. આપણી પાસે બચત છે તેમાંથી પણ થોડો સમય નીકળી જશે અને જો તમને નવી નોકરી ન મળે તો એ બચતમાંથી તમે કોઈ નાનો ધંધો શરૂ કરી શકો છો.’  સીમાના શબ્દો સાંભળીને સોહનના મુખ પર સ્મિત આવ્યું. પત્ની સીમાએ મેણું મારવાને બદલે કે ઝઘડો કરવાને બદલે પ્રેમથી સાચો સધિયારો આપ્યો અને નિરાશ પતિના મનમાં ફરી આશાનાં કિરણો ઉગાડ્યાં.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top