ભારતનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. ૨૦૧૪માં પહેલી વાર સત્તામાં આવ્યા પછી તેમણે તરત જ બુલેટ ટ્રેન દોડાવવાનાં ચક્રો ગતિમાન કરી દીધાં હતાં. ૨૦૧૫માં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો ત્યારે એવી જાહેરાત કરવામાં આવી હતી કે મુંબઈ અને અમદાવાદ વચ્ચે પહેલી બુલેટ ટ્રેન ૨૦૨૨ સુધીમાં દોડતી થઈ જાશે. આજે ૨૦૨૪ની સાલ ચાલી રહી છે, પણ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ૫૦ ટકા કામ પણ પૂરું થયું નથી. ગુજરાતમાં તો કામગીરી ઠીક ઠીક ઝડપે ચાલી રહી હતી, પણ મહારાષ્ટ્રમાં જમીન સંપાદનના કાર્યમાં જ અસહ્ય વિલંબ થયો હતો.
કોઈ પણ પ્રોજેક્ટનો ટાઈમ પિરીયડ વધી જાય ત્યારે તેનો ખર્ચો પણ વધી જાય છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે પ્રારંભમાં ૧.૦૮ લાખ કરોડ રૂપિયાનું બજેટ ધારવામાં આવતું હતું; પણ વિલંબ અને યોજનામાં ફેરફારને કારણે બજેટ હવે બે લાખ કરોડ રૂપિયા ઉપર પહોંચી જવાની સંભાવના છે. આટલા રૂપિયાનો ખર્ચો કર્યા પછી પણ બુલેટ ટ્રેન ક્યારે શરૂ થશે તે કહેવા કોઈ તૈયાર નથી. ૨૦૨૭માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી છે ત્યારે તમાચો મારીને ગાલ લાલ રાખવા ૨૦૨૬ સુધીમાં માત્ર બીલીમોરા અને સુરત વચ્ચે બુલેટ ટ્રેન શરૂ કરવાની સરકારની ગણતરી છે, પણ તે બાબતમાં પણ ચોક્કસ કંઈ કહી શકાય તેવું નથી.
એક બાજુ બુલેટ ટ્રેનનો આખો પ્રોજેક્ટ વિલંબમાં પડી ગયો છે તો બીજી બાજુ આ પ્રોજેક્ટની જવાબદારી સ્વીકારનારી જાપાની કંપની પણ તેમાંથી હટી જવાની પેરવીમાં છે. જાપાની કંપનીનું માનવું છે કે ભારત સરકારે જમીન સંપાદનની કિંમત ઘટાડવા માટે ટ્રેકમાં ફેરફાર કર્યા છે. જાપાન સરકારે ટ્રેકના એલિવેટેડ સેક્શનને વધુ વિસ્તૃત ન કરવાની માંગ કરી હતી પરંતુ ભારત સરકારે તેની વાત સાંભળી ન હતી. પહેલાં મૂળ યોજના મુજબ માત્ર ૨૮ ટકા ટ્રેક એલિવેટેડ બનાવવાનો હતો પરંતુ ફેરફાર બાદ ૯૦ ટકા ટ્રેક એલિવેટેડ કરવામાં આવ્યો હતો. જમીન સંપાદનના કાર્યમાં પડી રહેલી મુશ્કેલીને કારણે એલિવેટેડ ટ્રેકનું પ્રમાણ વધારવું પડ્યું હતું; પણ તેને કારણે પ્રોજેક્ટની કોસ્ટ વધી જતાં જપાની કંપની તેમાંથી ખસી જવાની તૈયારીમાં છે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટના વિવિધ ભાગો માટે વૈશ્વિક ટેન્ડર તૈયાર કરવા માટે સપ્ટેમ્બરના મધ્યમાં અધિકૃત અધિકારી દ્વારા આંતરિક સૂચના જારી કરવામાં આવી હતી, પરંતુ ટેન્ડર હાલ અટકાવી દેવામાં આવ્યા છે. તેનું કારણ એ છે કે જાપાનમાં સરકાર બદલાઈ ગઈ છે. નવી સરકારને જવાબ આપવા માટે સમય આપવામાં આવી રહ્યો છે. ટ્રેનોની આયાતને લઈને જાપાન સરકાર સાથે હજુ પણ વાતચીત ચાલી રહી છે, પરંતુ છેલ્લા ૬ મહિનામાં તેમાં ઘણી મંદી જોવા મળી રહી છે. તેની પાછળ ટ્રેન સંબંધિત ખર્ચને કારણ માનવામાં આવી રહ્યું છે. ટ્રેનની કિંમત અને તેની જાળવણીને લઈને કોઈ સહમતિ નથી. સપ્ટેમ્બરમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને ઘણા રેલવે અધિકારીઓ પણ આ અંગે ચર્ચા કરવા જાપાન ગયા હતા પરંતુ વાત આગળ વધી ન હતી.
૨૦૨૨માં નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે એક રોલિંગ સ્ટોક ટેન્ડર બહાર પાડ્યું હતું, જે અંતર્ગત ૨૪ બુલેટ ટ્રેનની આયાત કરવાની હતી, જેની કિંમત ૧૧,૦૦૦ કરોડ રૂપિયા હતી. ૨૦૧૮માં ૧૦ કોચની બુલેટ ટ્રેનની કિંમત ૩૮૯ કરોડ રૂપિયા હતી. ૨૦૨૩ સુધીમાં તેની અંદાજિત કિંમત વધીને ૪૬૦ કરોડ રૂપિયા થઈ ગઈ હતી. સરકાર આ પ્રોજેક્ટ માટે નવું વૈશ્વિક ટેન્ડર બહાર પાડવા તૈયાર થઈ ગઈ છે, પણ તેવું કરવું જાપાનને બાયપાસ કરવાનું ગણી શકાય. તેનાથી જાપાન સાથેના સંબંધો બગડી શકે છે.
ભારત સરકાર બુલેટ ટ્રેનના કોચ યુરોપથી ખરીદવા માગે છે, પણ તેથી જાપાન નારાજ થઈ જાય તેમ છે. સરકારનો એક વર્ગ પ્રોજેક્ટને ઝડપથી પૂર્ણ કરવા માટે યુરોપમાંથી કેટલાંક ઘટકો ખરીદવા જાપાનને સમજાવવા માંગે છે. જાપાનની સંમતિ પણ જરૂરી છે કારણ કે જાપાન રાહત દરે પ્રોજેક્ટ માટે ભંડોળ પૂરું પાડે છે. સરકાર બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ પર ૧.૦૮ લાખ કરોડ રૂપિયાના ફાળવેલ બજેટ સામે ૬૦,૩૭૨ કરોડ રૂપિયાનો ખર્ચ કરી ચૂકી છે. આ ખર્ચનો મોટો ભાગ બુલેટ ટ્રેન માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા પાછળ ખર્ચવામાં આવ્યો છે. હવે ટ્રેનની રેક ખરીદવા માટે અને સિગ્નલિંગ સિસ્ટમ્સ ઇન્સ્ટોલ કરવા માટેના ખર્ચ માટે બહુ ઓછા રૂપિયા બચ્યા છે. મતલબ કે પ્રોજેક્ટની કિંમતમાં વધુ વધારો થવાની સંભાવના છે.
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે સુરતને બીલીમોરા સાથે જોડતા પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો ઓગસ્ટ ૨૦૨૬ સુધીમાં કાર્યરત થઈ જશે. સુરતથી બીલીમોરા વચ્ચેની બુલેટ ટ્રેનમાં કોણ બેસશે? વૈષ્ણવે કામમાં વિલંબ માટે ઉદ્ધવ ઠાકરેની અગાઉની મહા વિકાસ અઘાડી સરકારને જવાબદાર ઠેરવી હતી. તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં ૨૮૪ કિલોમીટર લાંબી બુલેટ ટ્રેન કોરિડોર વાયડક્ટ તૈયાર છે. સરકાર બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં કેટલો ખર્ચ વધશે અને આખો પ્રોજેક્ટ ક્યારે પૂરો થશે, તેના કોઈ આંકડા આપવા તૈયાર નથી.
આ મામલા સાથે જોડાયેલા ત્રણ લોકોએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે નવી દિલ્હી હવે યુરોપમાં બુલેટ ટ્રેનના વૈકલ્પિક સપ્લાયર્સ શોધી રહી છે. બુલેટ ટ્રેન ચલાવવા માટે તમામ ટેક્નિકલ સપોર્ટ અને ટેક્નોલોજી પૂરી પાડતું જાપાન ઇચ્છે છે કે ટ્રેન સેટ અને સિગ્નલિંગ સિસ્ટમ્સ માત્ર જાપાની સપ્લાયર્સ પાસેથી જ ખરીદવામાં આવે. આ ૫૦૮ કિલોમીટરની રેલવે લાઇનમાંથી ૩૫૧ કિલોમીટર ગુજરાતમાં અને બાકીની ૧૫૭ કિલોમીટર મહારાષ્ટ્રમાં છે. બુલેટ ટ્રેનના ૧.૦૮ લાખ કરોડ રૂપિયાના ખર્ચ પૈકી કેન્દ્રે NHSRCLને રૂ. ૧૦,૦૦૦ કરોડ ચૂકવવાના છે, જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્રે પ્રત્યેક રૂ. ૫,૦૦૦ કરોડ ચૂકવવાના છે.
બાકીની રકમ ૮૦.૦૮ હજાર કરોડની રકમ જાપાન દ્વારા ૦.૧ ટકાના વ્યાજે લોન દ્વારા આપવામાં આવશે. હવે જો બુલેટ ટ્રેનનો ખર્ચ બમણો થઈ જાય તો દરેકે ચૂકવવાની રકમ પણ બમણી થઈ જાય. કદાચ કેન્દ્ર, ગુજરાત અને મહારાષ્ટ્ર સરકાર બમણી રકમ ચૂકવવા તૈયાર થઈ જાય, પણ જાપાનની કંપની તે માટે તૈયાર થાય તેવી સંભાવના બહુ ઓછી છે. જો બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો ખર્ચ બમણો થઈ જાય તો તેની ઉપરનું વ્યાજ પણ બમણું થઈ જાય. તેમાં વળી જો તેને અપેક્ષા જેટલો ટ્રાફિક ન મળે તો તેમાં ભારે નુકસાન જાય તેમ છે. સરવાળે આખો પ્રોજેક્ટ ધોળા હાથી જેવો પુરવાર થવાની સંભાવના છે.
કેન્દ્ર સરકાર હવે આ પ્રોજેક્ટમાં એટલી આગળ વધી ગઈ છે કે આખો પ્રોજેક્ટ પડતો મૂકવાનું હવે શક્ય નથી. મૂળ અંદાજિત ખર્ચ ૧.૦૮ લાખ કરોડની સામે સરકાર ૬૦,૩૭૨ કરોડ રૂપિયાનો ખર્ચ તો કરી ચૂકી છે, માટે પ્રોજેક્ટ પૂરો કરવા સિવાય કોઈ વિકલપ નથી. જો આ પ્રોજેક્ટ સફળ થાય તો ભારતમાં ૩૫ બુલેટ ટ્રેન ચલાવવાની યોજના છે, જેમાં પ્રત્યેકમાં ૧૦ કોચ હશે, જે દરરોજ ૭૦ ટ્રીપ કરશે. ભારતમાં પહેલી વાર બુલેટ ટ્રેનમાં બેલાસ્ટલેસ ટ્રેકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પરંપરાગત બેલાસ્ટ ટ્રેકમાં સ્લીપર નીચે પથ્થરો પર પાટા નખાય છે, જ્યારે બેલાસ્ટલેસ ટ્રેકના કિસ્સામાં બેડ રિઇનફોર્સ્ડ કોંક્રીટનો બનેલો હોય છે.
જેની જાડાઈ લગભગ ૩૦૦ મિલિમીટર અને પહોળાઈ ૨,૪૨૦ મિલિમીટર છે. તે અલગ-અલગ અપ અને ડાઉન ટ્રેક લાઇન માટે ઇન-સીટુ બનાવવામાં આવ્યું છે. ૩૨૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ટ્રેન ચલાવવા માટે યોગ્ય ગોઠવણી (બંને આડી અને ઊભી) પ્રાપ્ત કરવા માટે સંદર્ભ પિન ઇન્સ્ટોલ કરવામાં આવે છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુલેટ ટ્રેન દ્વારા ભારતને જાપાન અને યુરોપના દેશોની હરોળમાં લાવવા માગતા હતા, પણ તેમણે પછેડી કરતાં પગ વધુ પહોળા કરી લીધા છે. ભારતમાં જ્યારે લોકો પેસેન્જર અને લોકલ ટ્રેનોમાં ઘેટાંબકરાંની જેમ મુસાફરી કરતાં હોય ત્યારે બુલેટ ટ્રેનનું સપનું શેખચલ્લીના ખ્વાબ જેવું હતું. દરેકને મરજી મુજબ સપનાં જોવાનો અધિકાર છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.