વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના આગામી મહિનામાં યોજાનારા પદવીદાન સમારોહમાં વિવિધ ડિગ્રી માટે અરજી કરનાર કુલ ૩૬,૭૯૮ વિદ્યાર્થીઓ પૈકી ૨૪,૫૯૯ વિદ્યાર્થીઓએ બેરોજગાર હોવાનું જાહેર થયું છે. વિકાસનું મોડલ ગણાતા સુરત શહેર સહિત દ.ગુ.માં અભ્યાસપૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીઓને નોકરી મેળવવાના ફાંફા પડતા હોવાની ચોંકાવનારી બાબત પણ સામે આવી છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આગામી ફેબ્રુઆરીમાં યોજાનારા 52માં પદવીદાન સમારોહમાં વિવિધ અભ્યાસક્રમમાં ડિગ્રી લેવા માટે ૩૬,૭૯૮ વિદ્યાર્થીઓ અરજી કરી છે. આ વિદ્યાર્થીઓ હાલ શું કરી રહ્યા છે, તેની માહિતી મેળવવા માટે યુનિવર્સિટી તરફથી ઓનલાઇન ફોર્મ ભરાવવામાં આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા દર્શાવવામાં આવેલી વિગતો જોવા જઇએ તો ૨૪,૫૯૯ વિદ્યાર્થી પાસે રોજગાર ન હોવાની વિગતો જણાવી છે. જયારે માત્ર ૨૨૮૭ વિદ્યાર્થીઓને રોજગાર મળ્યો હોવાનું જણાવ્યું છે. જ્યારે ૯,૯૧૨ વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યાં છે.
વધુમાં જોવા જઇએ યુનિવર્સિટી સમક્ષ જે ૨૨૮૭ વિદ્યાર્થીઓએ રોજગારી હોવાની કબુલાત કરી છે, તે પૈકી ૧૬૬૦ વિદ્યાર્થી નોકરી કરી રહ્યા છે. ૪૨૭ વિદ્યાર્થીઓ ફેમિલી બિઝનેસમાં, તો ૨૦૦ વિદ્યાર્થીઓએ પોતાનો વ્યવસાય શરૂ કર્યો છે. સામાન્ય રીતે જોવા જઇએ તો ઉચ્ચ શૈક્ષણિક સંસ્થામાંથી અભ્યાસ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓને નોકરી નહીં મળતા હોવાની ફરિયાદ કેન્દ્ર અને રાજ્ય સરકારને વારંવાર કરવામાં આવી રહી હોવાથી સંબંધિત વિભાગો તરફથી પણ યુનિવર્સિટી પાસે રોજગાર સંદર્ભે માહિતી માંગવામાં આવી રહી છે.