Vadodara

અકોટામાં દબાણ હટાવવા ગયેલી ટીમ સાથે લોકોનું ઘર્ષણ

વડોદરા પાલિકાની દબાણ શાખા વિદ્યુત વિભાગની ટીમ અને સ્થાનિક પોલીસને સાથે રાખી અકોટા વિસ્તારમાં ગેરકાયદે દબાણો દૂર કરવા પહોંચી

પાલિકાની દબાણ શાખાની ટીમ અને પોલીસ સાથે સ્થાનિક ધંધાદારીઓનું ઘર્ષણ



વડોદરા શહેરમાં પાલિકાની દબાણ શાખાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે સવારથીજ આકોટા ગામ સહિત આસપાસના વિસ્તારોમાં ગેરકાયદે દબાણો દૂર કરવા પહોંચી હતી. અકોટા બ્રિજથી તાજ વિવેન્ટા હોટલ અને અકોટા ગાર્ડન , બાગ સુધી રોડની બંને બાજુએ ફૂટપાથ પર ગેરકાયદે લારી ગલ્લા પથારા અને શેડ, ફેબ્રિકેશન સહિત ખાણીપીણીની લારીઓ પર પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું હતું પાલિકાની કામગીરી દરમિયાન વિસ્તારમાં અફરાતફરી અને દોડધામ મચી હતી. દબાણ શાખાની ટીમ ત્રાટકી પડતા લારી ગલ્લા ધારકોએ પોતાનો સામાન નજીકના બગીચામાં સંતાડી દીધો હતો . પાલિકાની દબાણ શાખાની ટીમ આ સામાન કબજે કરવા બગીચામાં ગઈ હતી. ત્યારે દબાણ શાખાની ટીમ અને પોલીસ સાથે સ્થાનિકોનું ઘર્ષણ જોવા મળ્યું હતું જોકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવાથી માહોલ શાંત રહ્યો હતો.


અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં બિલાડીના ટોપની જેમ પ્રત્યેક રોડ રસ્તા સહિત ગલી કુચીમા ઠેર ઠેર કાચા પાકા ગેરકાયદે દબાણો બનાવીને લોકો પોત પોતાના વેપાર ધંધા બિન્દાસથી કરી રહ્યા છે. જગ્યાનું કોઈ ભાડું નહીં, ઉપરાંત આજુબાજુમાં ચા પાણી અને ખાણીપીણીની લારીઓ હોવાથી ગેરકાયદે જગ્યામાં ચાલતા વેપાર ધંધામાં પૂરેપૂરો નફો. ક્યારેક કોઈક પાલિકા ટીમ દબાણ હટાવવા આવે ત્યારે યેનકેન સમજાવીને તેમને પાછા કાઢવા જેવી રીત રસમો અપનાવીને ગેરકાયદે દબાણ કરીને વેપાર ધંધો કરનારા ફુલ્યા ફાલ્યા છે. કોઈપણ વેપાર ધંધા માટે લારી ગલ્લા પથારાવાળાઓ સામે અવારનવાર પાલિકા તંત્ર લાલ આંખ કરે છે પરંતુ સૌ કોઈ ગેરકાયદે દબાણ કરનારા જાણે છે કે પાલિકા તંત્રની દબાણ શાખા કાયમી ધોરણે કંઈ ચેકિંગ રાખી શકે તેમ નથી.


દરમિયાન અકોટા બ્રિજથી પશ્ચિમ વિસ્તારમાં હોટલ તાજ વિવાન્ટા, અકોટા ગામ અને ગાર્ડન સહિતના વિસ્તારમાં રોડની બંને બાજુએ ગેરકાયદે દબાણનો રાફડો ફાટ્યો છે. આ વિસ્તારમાં મોટેભાગે ફેબ્રિકેશનના વેપાર ધંધા માટે ગેરકાયદે લારી ગલ્લા શેડ સહિત ખાણીપીણીની અનેક લારીઓ ખડકાઈ ગઈ હતી. કેટલાય ફેબ્રિકેશનના ગેરકાયદે શેડ રાખીને વેપાર ધંધો કરનારાઓ પૈકીના કેટલાકે લંગરીયા નાખીને ગેરકાયદે વીજ કનેક્શનો પણ મેળવ્યાની શક્યતા હોય કે પછી આજુબાજુમાંથી પણ ગેરકાયદે વીજ કનેક્શન મેળવીને વેપાર ધંધા કરતા હોવાનું કહેવાય છે.



દરમિયાન આજે સવારથીજ સ્થાનિક પોલીસ કર્મીઓ, વિદ્યુત વિભાગના કાફલાને સાથે રાખીને, પાલિકા તંત્રની દબાણ શાખાની ટીમ બુલડોઝર સાથે ત્રાટકી હતી. દરમિયાન દબાણ શાખાએ ગેરકાયદે દબાણોનો સફાયો કરીને બે થી ત્રણ ટ્રક જેટલો માલ સામાન સહિત અન્ય લારી ગ્લલા મળી બે ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો હતો.

Most Popular

To Top