બીજેપી, એનસીપી અજિત પવાર જૂથ અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના શિવસેના જૂથના ગઠબંધનને મળેલા અદ્ભુત જનાદેશ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં વ્યાપક જીત કરતાં વધુ છે. તે માત્ર જીતની ફોર્મ્યુલા – રોકડ દાન, જાતિનાં સંયોજનો અને ધાર્મિક અપીલ -વિશે જ નથી, જેને ભાજપે હરિયાણામાં સફળતા પછી અપનાવી છે. તેના બદલે તે એ સમજવાની વાત છે કે, લોકસભાની ચૂંટણીથી લઈને વિધાનસભાની ચૂંટણી સુધી માત્ર ચાર-પાંચ મહિનામાં મતદારોનો મૂડ નાટકીય રીતે બદલાઈ શકે છે.
ભાજપ દ્વારા સંચાલિત મહાયુતિએ દર્શાવ્યું હતું કે, મતદારોના વિવિધ વિભાગોને આકર્ષિત કરવા અને લોકોની સામે જમીની મુદ્દાઓને સમજવા માટે એકજૂટ નેતૃત્વની સંપૂર્ણ યોગ્ય રણનીતિના સંયોજનથી એક જબરદસ્ત જીત મેળવી શકાય છે. ધાર્મિક, પ્રાદેશિક, જાતિ અને વર્ગની ભાવનાઓને પોતાની તરફેણમાં ફરીથી કામમાં લાવી શકાય છે, જેનાથી વિરોધીઓને ખતમ કરી શકાય છે અને શરદ પવાર અથવા ઉદ્ધવ ઠાકરે જેવા સ્થાપિત દિગ્ગજોના વારસાને અપ્રસ્તુત બનાવી શકાય છે.
એટલા માટે મહારાષ્ટ્રની જીત એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલયમાં ત્રીજી મુદત પછી આકાર લઈ રહેલી રાજકીય ગતિશીલતામાં ભાજપના વર્ચસ્વને પુનઃસ્થાપિત કરવા વિશે છે. તે નિઃશંકપણે નવી દિલ્હીમાં તેમની સરકારને વધુ સ્થિર કરવામાં મદદ કરશે. હરિયાણા બાદ તરત મહારાષ્ટ્રની જીતે એ બતાવી દીધું છે કે ભાજપ તેની અસફળતામાંથી પાઠ શીખવામાં ખૂબ જ સારી છે. અમિત શાહ અને તેમની ચૂંટણી વ્યૂહરચનાકારોની ટીમ અથવા દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે જેવા અનુભવી નેતાઓએ બતાવ્યું છે કે નક્કર પાયાનાં કામ અને બેઠકો અને ઉમેદવારોની કાર્યક્ષમ પસંદગી સિવાય બીજી કોઈ જીતની જાદુઈ ફોર્મ્યુલા નથી.
તેઓએ ભાજપની સ્થિતિસ્થાપકતા દર્શાવી. તેઓએ રાજ્યમાં એક સફળ કોર્સમાં સુધાર કર્યો, જ્યાં થોડા મહિના પહેલાં જ ભાજપને અપમાનનો સામનો કરવો પડ્યો હતો. 2019માં 28 લોકસભા સીટોમાંથી પાર્ટી આ વર્ષે માત્ર 13 સીટો જીતવામાં સફળ રહી હતી. તેનાથી ભાજપની કુલ સંખ્યા ઘટી ગઈ છે. ઉત્તર પ્રદેશમાં સીટોના નુકસાનની સાથે મહારાષ્ટ્રમાં પણ નુકસાનીનો ફાળો ઓછો ન હતો. ઉત્તર પ્રદેશ બાદ મહારાષ્ટ્રમાં સૌથી વધુ સાંસદો- 48 છે.
ભાજપ માટે જે ચીજો કારગત રહી તે હતી- રાજ્ય સરકાર દ્વારા મહિલાઓ, આદિવાસીઓ અને અન્ય વર્ગો માટેનાં કલ્યાણકારી પગલાં, ઉમેદવારો પર વધુ ધ્યાન અને આરએસએસ મશીનરી દ્વારા હાથ ધરવામાં આવેલા જમીની સ્તરના અભિયાન. ‘લડકી બહન યોજના’, જેના હેઠળ રાજ્ય સરકારે મહિલાઓને દર મહિને ₹1,500ની રોકડ ટ્રાન્સફર કરી હતી, તે ગેમ ચેન્જર સાબિત થઈ હતી. જ્યારે વિપક્ષે, જેમણે શરૂઆતમાં આ યોજનાની ટીકા કરી હતી, ત્યાર બાદ તેણે આ રકમ બમણી કરવાનું વચન આપ્યું હતું, ત્યારે ભાજપે સત્તા પર આવવા પર તેને વધારીને ₹2,100 કરવાનું વચન આપ્યું હતું.
બીજેપીએ અન્ય એક મહત્ત્વપૂર્ણ પરિબળને મજબૂત કરવાનું કામ કર્યું: અન્ય પછાત જાતિઓના નેતાઓએ ઓબીસીમાં વિવિધ જાતિ જૂથો સુધી પહોંચવા માટે 300થી વધુ બેઠકો કરી. મોદીના નિર્દેશન હેઠળ તેઓએ તેમને સમજાવ્યું કે, તેમના અધિકારોનું રક્ષણ કરવામાં આવશે અને આ કોંગ્રેસ દ્વારા ફેલાવવામાં આવેલી એક જૂઠી અને નકલી વાર્તા હતી કે તેમની અનામત છીનવી લેવા માટે બંધારણમાં ફેરફાર કરવામાં આવશે. ક્વોટા લાગુ કરવામાં વિલંબથી નારાજ મરાઠા સમુદાયને પણ ખાતરી આપવામાં આવી હતી કે ભાજપ તેના શ્રેષ્ઠ પ્રયાસો કરશે.
ઉત્તર મહારાષ્ટ્રના આંદોલનકારી ડુંગળીના ખેડૂતો અને વિદર્ભના કપાસ અને સોયાબીનના ખેડૂતોને મહાયુતિ સત્તા પર પાછા ફર્યા બાદ આગામી સિઝનમાં રાહતની ખાતરી આપવામાં આવી હતી. લોન માફીના વચને નારાજ ખેડૂતોને – જેમણે લોકસભાની ચૂંટણીમાં પાર્ટીને મત આપ્યો ન હતો – પાછા બીજેપીમાં લાવી દીધા. જો કે, ભાજપે શિંદે અને અજિત પવાર સાથેની ગોઠવણમાં ખલેલ પહોંચાડવાની યોજના બનાવી ન હતી, તેમ છતાં પક્ષે સંકેત આપ્યો હતો કે તે મુખ્ય પ્રધાનપદના પ્રશ્નને ખુલ્લો રાખવાના વિરોધી નથી. આનાથી ભાજપાને વિદર્ભમાં મદદ મળી, જ્યાં ફડણવીસની લોકપ્રિયતા સામે કોઈ પડકાર નથી.
બીજેપીએ ઘણા બળવાખોર નેતાઓને શાંત કર્યા અને તેમને હરીફાઈમાંથી પાછા ખેંચવા માટે દબાણ કર્યું. મહા વિકાસ અઘાડી (એમવીએ)એ સહન કરવું પડ્યું અને તે પણ આત્મસંતુષ્ટ બની ગયો, જે દર્શાવે છે કે તેમાં વ્યૂહરચના અને એકજૂટતાનો અભાવ છે. તે દર્શાવે છે કે તે એક ઢીલોપોચો વિપક્ષી મોરચો છે, ભલે જમીન પરના મુદ્દાઓ એક સમયે તેની તરફેણમાં હોય. એમવીએની સ્થિતિ મજબૂત હોવા છતાં તે માત્ર ચારથી પાંચ મહિનામાં વિખેરાઈ ગઈ. એમવીએના આંતરિક લોકો આશ્ચર્ય વ્યક્ત કરવાથી ચૂક્યા નહીં કે શા માટે તેમનું ગઠબંધન એવી ચૂંટણી હારી ગયું કે જે તે સરળતાથી જીતી શક્યું હોત.
મહાયુતિએ કુલ 288 વિધાનસભા બેઠકોમાંથી 234 બેઠકો મેળવી, જે રાજ્યમાં ભાજપનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન દર્શાવે છે. ભાજપને 132 બેઠકો મળી, જે 288 સભ્યોની વિધાનસભામાં લગભગ બહુમતી છે. મહાયુતિની સંખ્યા એમવીએ કરતાં લગભગ પાંચ ગણી હતી, જે તેના તમામ ભાગીદારો માટે 50 બેઠકો સુધી મર્યાદિત હતી. શિવસેના (54 બેઠકો) અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (41 બેઠકો)એ મહાયુતિની જીતમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. કોંગ્રેસ, શિવસેના, ઉદ્ધવ ઠાકરે જૂથ અને શરદ પવારની એનસીપીના જોડાણે રાજ્યભરમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. એ જ રીતે, મહારાષ્ટ્રમાં મોદીનું અભિયાન નોંધપાત્ર હોવા છતાં તે ‘કાર્પેટ બોમ્બિંગ’ ન હતું.
મોદીની રેલીઓ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની સાથે ઇચ્છિત પ્રભાવ માટે શ્રેષ્ઠ બનાવવામાં આવી હતી. તે ફડણવીસ, શિંદે અને અજિત પવાર પર છોડી દેવામાં આવ્યું હતું કે તેઓ તેમના વિસ્તારોમાં તેમના ચૂંટણી પ્રચારને મહત્તમ કરે. વિરોધ પક્ષના નેતાઓમાં ઊંડી નિરાશા વ્યાપી હતી. તેમાં તેઓને એનડીએની જીતના વિશાળ માર્જિન પર ચિંતા વ્યક્ત કરવાના તેમના મુદ્દા પર પાછા ફરતા જોયા, ખાસ કરીને રાજ્યમાં લોકસભા ચૂંટણીમાં તેના નબળા પ્રદર્શનને ધ્યાનમાં રાખીને. તેઓએ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ)ની વિશ્વસનીયતા અને ચૂંટણી પંચની ભૂમિકા પર પણ સવાલો ઉઠાવ્યા હતા.
અલબત્ત, કોંગ્રેસને એક સંદેશ મળી ગયો. તેના સર્વોચ્ચ નેતા રાહુલ ગાંધી ફરીથી તેના મતદારોને પ્રભાવિત કરવામાં નિષ્ફળ ગયા. તેમની પસંદગીના વિષયો કેન્દ્ર સ્થાને હતા, પરંતુ મતદારોને પસંદ ન પડ્યા. રાહુલ ગાંધી અને ઉદ્ધવ ઠાકરેએ ધારાવી માટેના અદાણી પ્રોજેક્ટ પર તેમના અભિયાનને વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું. તેઓને ખ્યાલ ન હતો કે આ એક મોટા રાજ્યની 288 બેઠકો ધરાવતી વિધાનસભાની ચૂંટણી છે. તેઓ એ સમજવામાં નિષ્ફળ ગયા કે રાજ્યનાં મતદારો મહારાષ્ટ્ર માટે મોદીની ભવ્ય યોજનાઓ પ્રત્યે વધુ સંવેદનશીલ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.