Columns

ઇતિહાસનું મૂલ્યાંકન વર્તમાનથી કરવું અયોગ્ય છે

વહેતાં પાણીમાં બીજાની વહારે જનારને સમાજ શૌર્ય શિરપાવ આપે છે. પરંતુ એ જ વ્યકિત નદીના પ્રવાહમાં તણાઈ જાય તો મુરખ જાણવામાં આવે છે. એન્ડ ઇઝ વેલ એવરીથીંગ ઇઝ વેલની આપણી મનોવૃત્તિ ઇતિહાસને પણ વર્તમાનના અનુકૂલનની ફૂટપટ્ટીથી માપતો રહ્યો છે અને આ જ તો અયોગ્ય છે. આ વાત સ્વતંત્રતા અને મહાત્મા ગાંધીના યોગદાન સંબંધે પણ તપાસવા જેવી છે. છેલ્લાં ૮-૧૨ વર્ષમાં ગાંધી વર્સિસ ગોડસે, વિર સાવરકર, હરિલાલ, રીટર્ન ફ્રોમ સાઉથ આફ્રિકા અને હવે ફ્રિડમ ઓફ મિડ નાઇટ પ્રકારની ફિલ્મો દ્વારા દર્શકો વચ્ચે પ્રતિપાદિત કરવાનો ભરપૂર રાજકીય પ્રયત્ન થઇ રહ્યો છે કે ‘પાકિસ્તાન ગાંધીની વિચારસરણી અને જીદનું ફરજંદ છે. મોહનદાસની ભૂલોનાં પરિણામે આજે હિંદુ-મુસલમાન તેવું વૈમનસ્ય વિકસ્યું છે.’

ભારતના ઇતિહાસની પૃષ્ઠભૂમિથી મહાત્મા ગાંધી વિષયે ઊભા થતાં નેરેટીવ્સ (વ્યર્થ ખ્યાલ)ને તપાસીએ તો વર્ષ ૧૫૨૬માં પાણીપતના યુદ્ધમાં ઇબ્રાહીમ લોધીને હરાવી આજના ઉઝબેકીસ્તાનના તૈમુર રાજવંશના રાજા બાબરે મરાઠા, રાજપુતો અને દક્ષિણનાં રાજયો વચ્ચે મુઘલ વંશની સ્થાપના કરી. એટલું જ નહીં પણ વિજ્ઞાન, સમાજરચના, અર્થવ્યવસ્થા, સંશોધન વિચારના પુરાવા સમાન ૩૦૦૦ થી વધુ હસ્ત લિખિત ગ્રંથો ઝૂંટવી લેવામાં આવ્યા, બાળી નાખવામાં આવ્યા. સાંસ્કૃતિક વિરાસતના દસ્તાવેજ જેવા નાના મોટા ૧૪૦૦૦ સ્મૃતિ મંદિરો ખંડિત કરવામાં આવ્યાં, તોડી પાડવામાં આવ્યાં.

વેદ, ઉપનિષદ અને રામાયણ મહાભારતની પરંપરા સાથે જીવતા હિંદુ સમાજ ઉપર આ પ્રથમ પ્રહાર હતો, જેના ઘાવ મોગલ વંશની ૪૦૦ વર્ષની ગુલામીએ રૂઝાવા દીધા ન હતા. તે પછી વર્ષ ૧૭૫૭ થી ૧૯૪૭ સુધી અંગ્રેજોએ પોતાના આર્થિક લાભ ખાતર દેશમાં ભાગલા પાડો અને રાજય કરોની નીતિ અપનાવતા દેશ દારુણ ગરીબી, નિરક્ષરતા અને વર્ગભેદના વમળમાં રહ્યાનું ઇતિહાસ કબૂલે છે. અહીં એ હકીકત તો બિલકુલ સ્પષ્ટ છે કે ગાંધીજીના અસ્તિત્વ પહેલાં જ હિંદુ અને મુસલમાન તેવી સમાજવ્યવસ્થામાં દેશ વૈચારિક રીતે વિભાજીત થઇ ગએલો.

અંગ્રેજ પત્રકાર લુઈ ફિશર પોતાની નોંધમાં લખે છે ‘‘હિંદના ભાગલાની બાબતમાં મુસલમાન નેતાઓને જ વધારે રસ હતો. ગાંધીએ ઝીન્હાને કહ્યું, આપણે બંને હિંદુસ્તાન માટે સ્વરાજ માગીએ ત્યારે જીન્હાએ સ્પષ્ટ કહ્,યું અમે મોગલ વંશજ છીએ. અમારા માટે પાકિસ્તાન એ જ સ્વતંત્રતા છે.’ ‘લુઇ ફિશરના પ્રશ્નના જવાબમાં ગાંધીજી સ્પષ્ટ કહે છે. ‘‘ક્રિપ્સ યોજના એ હિંદુ મુસલમાન વચ્ચે અળગાપણું વધાર્યું છે. પ્રત્યક્ષ વ્યવહારમાં પણ અંગ્રેજ હકૂમતે બે કોમને વહેંચી નાખી છે.  પરંતુ દરેક મુસલમાન જો પોતાના કુટુંબનો ઇતિહાસ તપાસતાં ભૂતકાળમાં પૂરો ઊંડો ઊતરશે તો તેને કોઇ હિંદુ પૂર્વજનું નામ મળ્યા વિના રહેશે નહીં. દરેક મુસલમાન ઇસ્લામમાં ગયેલો હિંદુ જ છે.

આથી કોઇ જુદી પ્રજા કે જુદું રાષ્ટ્ર પેદા ન થઇ શકે. હિંદુસ્તાન એ સહિયારી સંસ્કૃતિ છે.’’ ચંપારણ સત્યાગ્રહ સમયે પણ ગાંધીજીએ કહ્યું ‘‘મારે મન દેશના સીમાડાઓ અર્થહીન છે. મારા હિંદમાં ગરીબ માણસનું આર્થિક સ્વાવલંબન સ્વરાજય છે.’’ આવા સ્પષ્ટ અભિપ્રાય છતાં પણ દેશના સીમાડાઓ તૂટયા અને વિઘટન થયું ત્યારે બંને કોમનાં અસંખ્ય સ્ત્રીઓ,બાળકો અને યુવકો કપાયાં. કોંગ્રેસ અને ગાંધી લગભગ લાચાર સ્થિતિમાં રહ્યા અને બ્રીટીશ પાર્લમેંટે માઉન્ટ બેટનની સહારે કરોડો નાગરિકોને રઝળાવ્યાં.

ઇતિહાસ નોંધે છે કે બીજું વિશ્વયુદ્ધ અને છેક આંદામાન સુધી પહોંચી ગયેલ. જાપાનનું લશ્કરી શાસન, સુભાષબાબુનું સ્થળાંતર અને જર્મનીથી ઊભી થએલી નવી ગુલામ શાસન વ્યવસ્થા, ૨૬૮ રજવાડાંઓની સ્વાયત્ત સત્તાની કપટ નીતિ, મોગલ સામ્રાજય તરફ વળવાની મુસ્લિમ લીગની રાજનીતિ અત્યંત ગરીબ, રોગિષ્ઠ અને અશિક્ષિત ભારતની પૃષ્ઠભૂમિ, બ્રિટન સરકારની અમાનવીય શોષણ નીતિ બહુ મોટા ખેડૂત વર્ગમાં પ્રચલિત થઇ રહેલ અને અંગ્રેજો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવતી અફીણની ખેતી, કોંગ્રેસના સદસ્યોની સત્તા, લાલસા તેમજ જીન્હાએ છુપાવી રાખેલ.

કેન્સરની બીમારી વચ્ચે ઉગ્ર બનતી અલગ પાકિસ્તાનની માગણી, બે વખત નિષ્ફળ ગએલ ગોળમેજી પરિષદ જેવા રાજકીય, આર્થિક, સામાજિક સીમાવર્તી ભય સ્થાનોનાં વમળ જેવી અરાજકતા છતાં પણ નોંધારો છોડવા માટે બ્રીટીશ પાર્લમેંટ પણ ઠરાવ કરી ચૂકી હતી ત્યારે બ્રિટનના અખબાર મોર્નિંગ પોસ્ટના તંત્રીલેખમાં નોંધ્યું છે કે ‘‘ભારતની સ્વતંત્રતાનું શ્વેત પત્ર ખરેખર તો ભાગીદારીનું કરારનામું નથી પણ ભાગી છૂટવાની સમજૂતી છે.’’ વર્ધા આશ્રમમાં જુનું ૧૯૪૨માં ગાંધીજી સાથે એક સપ્તાહ રહેનાર પત્રકાર લુઇ ફીશર દિલ્હીના વાઇસરોય લોર્ડ લીનથીગોને ટાંકી નોંધે છે કે ‘‘ગાંધી એ હિંદુસ્તાનની મોટામાં મોટી વસ્તુ છે. આમ છતાં તેમની પાસે અખંડ ભારતને છોડવા સિવાય કોઇ ઉપાય નથી રહેવાનો.’’

આજે આઝાદીના અમૃત કાળે પાકિસ્તાન, અમેરિકા અને યુરોપ માટેનું સ્ટ્રેટેજીક મૂલ્ય ગુમાવી બેઠું છે. પાકિસ્તાન જીયાહુલ હક દ્વારા વિકસાવેલ ટેરેરીસ્ટ થિયરીમાં ફસાઇ ગયું છે. આઇ.એસ.આઇ. અને લશ્કરના કરપ્શન વચ્ચે આમ આદમી વધુ ને વધુ ગરીબ થતો જાય છે અને યુધ્ધના તેવર સમેટાતાં હવે કાશ્મીરની હવાઇ અપેક્ષા વિના પાકિસ્તાન દિશાહીન બન્યું છે ત્યારે સ્વાભાવિક છે કે દેશના ઉગ્ર રાષ્ટ્રવાદી રાજકર્તાઓને અખંડ ભારતનું સ્વપ્ન ગળચટું લાગે અને કોઇ એકના માથે ઠીકરું ફોડવાનું સહેલું લાગે પણ ઐતિહાસિક સ્થિતિને વર્તમાન સંદર્ભે મૂલવી મહાત્મા ગાંધી જેવા જનનાયક પ્રત્યે નવી પેઢીમાં તિરસ્કાર રોપવો અયોગ્ય છે. ઇતિહાસ આ વાલીગણને કદી માફ નહીં કરે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top