Charchapatra

શિયાળામાં સંભળાતી ટ્રેનની વિસલ

સુરતમાં નવરાત્રીથી વાતાવરણમાં ઠંડક પ્રસરવા લાગતી. વાતાવરણમાં ઝાકળ દેખાય. દિવાળી આવતા ગુલાબી ઠંડી ચાલુ થઈ જતી હતી. દિવાળી પછી સુરતમાં શિયાળાનો પ્રારંભ થાય એટલે રાત્રે અને સવારે સુરતથી પસાર થતી ટ્રેનનો અવાજ સંભળાવા લાગે સાથે ટ્રેનના વિસલનો અવાજ પણ સંભળાવા માંડે, તે સમયે સુરતની વસ્તી ઘણી ઓછી હતી અને કોંક્રીટના બહુમાળી મકાનો બહુ ઓછા હતા અને સુરતમાં પ્રદુષણ ઘણું ઓછું હતું. ટ્રેનના વિસલનો અવાજ સંભળાવા માંડે એટલે શિયાળા જેવું વાતાવરણ લાગવા માંડે. આજે સુરતનો ખૂબ વિકાસ થયો છે પરિણામે શહેરમાં પ્રદૂષણમાં વધારો થયો છે.

આજે દિવાળીને એક મહિનો પૂરો થવા આવ્યો છતાં સુરતના કોટ વિસ્તારમાં  ટ્રેનના વિસલનો અવાજ સંભળાતો નથી. પહેલાના સમયમાં કોટ વિસ્તારમાં મધરાત્રે એટલો જોરમાં સંભળાતો હતો કે આપણે રેલવે સ્ટેશન નજીક રહેતા હોય. વર્ષો પહેલા રાત્રે ઓટલા પરિષદમાં ટ્રેનના અવાજની ચર્ચા થતી હતી જેમાં અમારા  એક મિત્ર ત્યાં સુધી દાવો કરતા કે હું રાત્રે ગેલેરીમાં સુઈ જાઉં ત્યાંરે મને મળસ્કે સ્ટેશન પરનો ચાય ગરમ..ચાય ગરમ..નો પણ અવાજ સંભળાય છે. (હા.. હા…) ત્યારે રમૂજી વાતાવરણ થઈ જતું. હવા એટલી પાતળી થઈ જતી કે રાત્રે ઓટલા પરિષદનો અવાજ આખી શેરીમાં સંભળાતો હતો. આજે  સુરતમાં પ્રદુષણના કારણે શિયાળો જામતો નથી.
સુરત.    -કિરીટ મેઘાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top