હમણાં થોડા દિવસ પર હરીશ ચૌઘરીએ એમના ચર્ચાપત્રમાં ધર્મ પરિવર્તનને કારણે એમના જ વડીલો, ઘરના એક દુ:ખદ પ્રસંગમાં સહભાગી થવાથી પણ દૂર રહ્યા એ અંગે એમની વ્યથા ઠાલવતુ ચર્ચાપત્ર લખ્યુ એ ચર્ચાપત્ર વાંચતા વિચાર આવે છે કે ૧. ધર્મ પરિવર્તન કરવાથી શું માણસ લાગણીહીન બની જાય છે? ૨. ધર્મો શું માણસને માણસથી દૂર કરવા સર્જાયેલ છે? આદિવાસીઓના ધર્મપરિવર્તન સંદર્ભે જમણેરી રાજનેતાઓ અને હિંદુઘર્મના ઠેકેદારો દ્વારા ઘણી વખત પ્રશ્રો ઉઠાવાયા છે.
પરંતુ અહીં સવાલ એ પેદા થાય છે કે મહદ્અંશે આદિવાસીઓમાં ધર્મપરિવર્તનના કિસ્સા કેમ વઘતા જાય છે? આપણે ભુતકાળમાં નજર કરીએ તો વર્ષોથી ગરીબીમાં સબળતા આ જ આદિવાસીઓના આર્થિક ઉત્થાન અને એમની સામાજીક સ્વીકાર્યતા માટે કેટલા હિંદુ નેતાઓ કે આપણી ઘર્મસંસ્થાઓએ પ્રયત્નો કરી એમને હિંદુઓમાં સર્વસ્વીકાર્ય બનાવ્યા? આપણા જ સમાજના લોકો અને સમાજની આગળ પડતી વ્યક્તિઓ અને ધર્મના ઠેકેદારોની ઉદાસીનતાને કારણે વટાળ પ્રવૃત્તિને વેગ મળ્યો. માણસ માત્ર સારા જીવનની આશા રાખે છે.
વર્ષોથી અવગણના પામેલ આ આદિવાસીઓ માટે તો બે ટંકનુ ભોજન અને શરીર ઢાંકવા કપડા મળી રહે એ જ એમને માટે તો વૈભવ છે. જેની કોઇ વ્યવસ્થા કરવામાં મદદરૂપ થતુ હોય તો એમને માટે ધર્મ ગૌણ બની રહે છે. જેને ઇશારે એ દોરવાતા રહે એ સ્વાભાવિક છે. વિચારવાનુ એ છે કે માણસ ધર્મપરિવર્તન કરવા કેમ ખેંચાય છે? અલબત્ એનો અર્થ એ નથી જ કે ધર્મ પરિવર્તન કરી માણસ માણસાઇ ભુલી જઇ લાગણીહીન બની લોહીને તાંતણે બંઘાયેલ પોતાની વ્યક્તિને જ અવગણે. સંવેદના મરી પરવારે એવુ કોઇ ઘર્મ શીખવતો નથી
સુરત – હિતેન્દ્ર ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
૨૦૨૪- લોકસભા, વિધાનસભા ચૂંટણીઓ, ભાજપ અને આરએસએસ
લોકસભામાં ભાજપ ૪૦૦ પારને બદલે ચૂંટણી પહેલા બનેલા ગઠબંધનનાં સાથી પક્ષોની સાથે સાદી બહુમતીથી ત્રીજી વાર સરકાર બનાવી શક્યો. જો ભૂલ નહીં થતી હોય તો શરૂઆતનાં તબક્કાઓ બાદ ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ વિવાદાસ્પદ નિવેદન કરી બેઠા કે “ભાજપ સ્વબળે જીતી શકે છે, તેને RSSના સાથની જરૂર નથી.” પરિણામે પાછલા તબક્કાઓમાં RSS ઓછું સક્રિય બન્યું.
જો આ નિવેદન પ્રથમ તબકા પહેલા કરતે તો પરિણામ વિશે વિચારતા પણ વધારે ભયજનક કલ્પનાઓ દેખાય છે. પણ બીજેપી અને આરએસએસ પોતાની વચ્ચે થયેલા મનમુટાવને દૂર કરવામાં જલ્દી સફળ થયા અને તેનું પરિણામ હરિયાણામાં દેખાયું. મહારાષ્ટ્રમાં યોગી-મોદીના નારા તથા મહિલાઓ માટે ની મદદની નીતિઓ એ પણ ભાગ ભજવ્યો, પણ RSSનું ફક્ત ભાજપી ઉમેદવારો માટે જ નહીં પણ સાથી પક્ષોનાં ઉમેદવારો માટે પણ, ઘરઘર સંપર્કનું અભિયાન જરૂર કામ કરી ગયું.
સુરત – પિયુષ મહેતા. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.