Vadodara

વીએમસીની રીવ્યુ બેઠકમાં શીતલ મિસ્ત્રીની ગેરહાજરીથી અધિકારીઓને મોકળાશ મળી



વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીએ ખંડેરાવ માર્કેટ ખાતે દર મંગળવારે મળતી રીવ્યુ બેઠક મળી હતી. આ બેઠક મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ, ડેપ્યુટી કમિશનર અર્પિત સાગર , ભાવનાબા ઝાલા તથા દરેક વિભાગના કમિશનર ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સ્થાયી અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રીની ગેરહાજરીથી અધિકારીઓ મોકળાશના વાતાવરણ વચ્ચે ચર્ચા કરી શક્યા હતા.

આજે યોજાયેલી બેઠક દિવાળી બાદની બીજી રિવ્યુ બેઠક હતી. આ બેઠકમાં અધિકારીઓને પીવાના પાણી, રોડ રસ્તા અને ડ્રેનેજને લઈને સૂચનો આપવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષ દરમિયાન 11 રિવ્યુ બેઠકો મળી હતી. જેમાં વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ શીતલ મિસ્ત્રી હાજર રહેતા હતા. ત્યારે શીતલ મિસ્ત્રીના નાની નાની વાતમાં હસ્તક્ષેપને કારણે અધિકારીઓ મુકતમને ચર્ચા કરવામાં ખચકાટ અનુભવતા હતા. આ દરમિયાન અધિકારીઓ પ્રોજેક્ટ બાબતે મ્યુનિસિપલ કમિશનર સાથે વાત કરતા પણ ખચકાતા હતા અને કામો બાબતે સંકલન કરી શકતા ન હતા. જોકે આજની બેઠકમાં અધ્યક્ષ શીતલ મિસ્ત્રી ગેરહાજર રહ્યા હતા. જેને લઈને અધિકારીઓએ ખુલ્લા મને કમિશનર સાથે વાતચીત કરીને કામો માટે ચર્ચા કરી હતી.

Most Popular

To Top