નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં ચૂંટણીના પરિણામોના ત્રણ દિવસ પછી પણ રાજ્યના નવા મુખ્યમંત્રી કોણ બનશે તે અંગે સસ્પેન્સ યથાવત છે. આજે મંગળવારે રાજભવન પહોંચી એકનાથ શિંદેએ સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે પરંતુ આ દરમિયાન તેમની પાર્ટી શિવસેનાના સાંસદોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે સમય માંગ્યો છે. આ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે નવા મુખ્યમંત્રીની પસંદગી માટે નવી ફોર્મ્યુલા આપી છે.
શિવસેનાના સાંસદોએ PM મોદી પાસે કેમ માંગ્યો સમય?
સીએમ શિંદે ફરી કમાન સંભાળશે કે કેમ તે હજુ નક્કી નથી. દેવેન્દ્ર ફડણવીસ દિલ્હી ગયા બાદ તેઓ સીએમ બનશે તેવી ચર્ચા તેજ બની હતી પરંતુ હવે તેઓ મુંબઈ પાછા ફર્યા છે. દરમિયાન સીએમ પદને લઈને મુંબઈમાં કેટલાય રાઉન્ડની બેઠકો થઈ પરંતુ આ મામલો દિલ્હીમાં ફાઈનલ થશે તે નક્કી છે.
શિવસેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી એકનાથ શિંદેના સાંસદોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે સમય માંગ્યો છે. શિવસેના (શિંદે જૂથ)ના સાંસદો પીએમ મોદીને એકનાથ શિંદેને ફરીથી મુખ્યમંત્રી બનાવવાની વિનંતી કરવા જઈ રહ્યા છે.
RSS ચીફે સીએમ પદને લઈને આપી આ ફોર્મ્યુલા!
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ માટે ટકરાવ અને બેઠકોનો દોર ચાલુ છે. આ દરમિયાન સૂત્રો પાસેથી મોટા સમાચાર આવી રહ્યા છે કે RSS વડા મોહન ભાગવતે દિલ્હીમાં બીજેપી હાઈકમાન્ડ સાથે બેઠક કરી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સંઘ પ્રમુખે દેવેન્દ્ર ફડણવીસને સીએમ બનાવવાની ભલામણ કરી છે. ભલે પોસ્ટ માટે સમય મર્યાદા નક્કી કરાય.
શું અઢી વર્ષ માટે સીએમની થીયરી રહેશે?
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ માટે એક સીએમ અને 2 ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા ચાલુ રહી શકે છે. આ સાથે જ અઢી વર્ષ માટે સીએમ પદની થિયરી પણ સામે આવી રહી છે. એકનાથ શિંદે પહેલા અઢી વર્ષ માટે મુખ્યમંત્રી બની શકે છે. આ સાથે જ દેવેન્દ્ર ફડણવીસને આગામી અઢી વર્ષમાં કમાન મળી શકે છે.