SURAT

સુરતના આ વિસ્તારમાં બનશે દુબઈ જેવું આલિશાન ‘ભારત બજાર’

સુરત : મોટી અપેક્ષાઓ સાથે સુરતમાં સાકાર કરાયેલા ડ્રીમ સિટીનો પ્રોજેકટ નિષ્ફળ રહ્યો છે. ત્યારે હવે આ પ્રોજેકટમાં પ્રાણ ફૂંકવા માટે ડ્રીમ સિટીના મોડેલને રિવાઈઝ્ડ કરી અમદાવાદની ગિફ્ટ સિટીની તર્જ પર લઇ જવા કવાયત ચાલી રહી છે.

જેના માટે નવું મોડેલ તૈયાર કરવા કન્સલ્ટન્સી નિમવા માટે ટેન્ડરો પણ બહાર પાડી દેવાયા છે. આ ઉપરાંત તાજેતરમાં કેન્દ્ર સરકારના નીતિ આયોગની મદદથી લોન્ચ કરાયેલા સુરત ઇકોનોમિક ડેવલોપમેન્ટ પ્લાનમાં ડ્રીમ સિટી ખાતે ‘મુકત બજાર’નો કોન્સેપ્ટ સફળ રહે તેવું પોટેન્શિયલ હોવાનું જણાવાયું હોય સુરતના ડ્રીમ સિટીમાં નવા આયોજનો સાકાર થાય તેવી શકયતા જણાઇ રહી છે.

  • ડ્રીમ સિટીનો હવે અમદાવાદની ગિફ્ટ સિટી જેમ વિકાસ કરાશે
  • માત્ર હીરાના જ એકમોને બદલે અન્ય ઉદ્યોગોનો પણ સમાવેશ કરાશે, હોટલો-રિસોર્ટ પણ બને તેવી સંભાવના
  • યુનિફોર્મ પોલિસીથી વર્ટિકલ હાઇટ પર બાંધકામો, રસ્તાની બંને બાજુ ગ્રીનરી સહીતના આયોજનો પણ કરાશે
  • આ માટે કન્સલ્ટન્સી નિમવા માટે ટેન્ડરો બહાર પાડી દેવામાં આવ્યા

મળતી વિગતો મુજબ સુરતના ડ્રીમ સિટીમાં જગ્યાઓનું ઓકશન થયા બાદ તે ખાલી ના પડી રહે અને તેના પર ઝડપથી વર્ટિકલ વિકાસ થાય તેના પર ભાર મુકવામાં આવી રહ્યો છે. તેથી રિવાઇઝ મોડેલ બનાવવા ધમધમાટ ચાલુ થયો છે. રિવાઇઝ મોડેલમાં અમદાવાદના ગિફ્ટ સિટીની જેમ પ્લોટનું ઓકશનથી માંડીને બાંધકામોની યુનિફોર્મ પોલિસી, રસ્તાઓની બંને બાજુ યુનિફોર્મ ગ્રીનરી અને મેક્સિમમ વર્ટિકલ હાઇટ સુધી બાંધકામ સહિતના મુદ્દાઓ આવરી લેવાશે.

દુબઇ અને ગોન્ઝાઉની તર્જ પર ડ્રીમ સિટીમાં ‘ભારત બજાર’ બનશે
સુરત ઇકોનોમિક ડેવલોપમેન્ટ પ્લાનમાં ડ્રીમ સિટીમાં દુબઇના બી ટુ સી અને ચીનના ગ્રોન્ઝાઉના બી ટુ બી કોન્સેપ્ટનુ કોલોબ્રેશન કરી ‘ભારત બજાર’ સાકાર કરવાનું આયોજન કરાયું છે. જેમાં સુરતના જાણીતા ડાયમંડ અને ટેક્સટાઇલ માર્કેટને સીધું નેશનલ અને ઇન્ટરનેશનલ માર્કેટ બજાર મળી રહે તે માટેનું સુચન નીતિ આયોગ દ્વારા કરવામાં આવ્યું છે.

સુરત શહેર ડાયમંડ અને ટેક્સટાઇલના ઉદ્યોગો માટે ખુબ જાણીતું છે. સુરત શહેરમાં તૈયાર થયેલા હીરાની માંગ વિશ્વભરમાં છે. આ સાથે સુરત શહેરમાં બનાવવામાં આવેલુ કાપડ વિશ્વભરમાં ઓળખાઇ છે. મોટાથી લઇ નાની વ્યક્તિ સીધુ બજાર એટલે કે વેપારીથી વેપારી અને વેપારીથી ગ્રાહકોને સીધું માર્કેટ મળી રહે તે માટે ખજોદ ખાતે સાકાર થઇ રહેલા ડ્રીમ સિટીમાં જેમ્સ એન્ડ જવેલર્સ અને ટેક્સટાઇલ એન્ડ એપરેલની થીમ પર ‘‘ભારત બજાર’’ કાર્યરત કરવાનું સૂચન નીતિ આયોગ દ્વારા સુરત શહેરના ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનમાં કરવામાં આવ્યું છે.

જેને પગલે ભારત બજારના મુદે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. કલાત્મક ગામડું અને કલાત્મક મ્યુઝીયમ તેમજ મોલ પણ ભારત બજારનો એક ભાગ હોવાનું મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલે જણાવ્યું હતું.

જો ડ્રીમ સિટીનો ગિફ્ટ સિટીની જેમ વિકાસ કરાય તો દારૂની છુટ મળી શકે
સરકાર દ્વારા ડ્રીમ સિટીનો વિકાસ ગિફ્ટ સિટીની જેમ કરવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધી એવો કોન્સેપ્ટ હતો કે ડ્રીમ સિટીનું આખું નામ ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કન્ટાઈલ સિટી તરીકે તેનો વિકાસ કરવાનો હતો પરંતુ હવે ગિફ્ટ સિટીની જેમ તેનો વિકાસ કરવાનો હોવાથી ડાયમંડની સાથે સાથે અન્ય ઉદ્યોગોને પણ ગિફ્ટ સિટીની જેમ તેમાં સ્થાન અપાશે.

સાથે સાથે હોટલોથી માંડીને રિસોર્ટથી માંડીને અન્ય અનેક આયોજનો પણ કરવામાં આવશે. આ જ રીતે સરકારે જેમ ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપી છે તેમ ડ્રીમ સિટીમાં પણ દારૂની છુટ ગિફ્ટ સિટીના નિયમો જેવા જ નિયમો સાથે મળી શકે તેવી સંભાવના છે.

Most Popular

To Top