નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિની જીત થઈ છે. ભાજપ, શિવસેના (એકનાથ શિંદે) અને અજીત પવારના ગઠબંધને મહારાષ્ટ્રમાં બહુમતી મેળવી છે. જોકે, આ મહાયુતિના વિજય બાદથી જ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી કોણ તે અંગે ચર્ચા ઉઠી છે. ભાજપને બહુમતી મળી હોઈ શું ભાજપના મુખ્યમંત્રી હશે કે પછી એકનાથ શિંદેને મુખ્યમંત્રી તરીકે જાળવી રાખવામાં આવશે તે મામલે છેલ્લાં કેટલાંક દિવસોથી જોરશોરમાં ચર્ચા ચાલી રહી છે. દરમિયાન આજે એકનાથ શિંદેએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. તેમણે દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારની હાજરીમાં રાજ્યપાલને રાજીનામું પત્ર સોંપ્યું છે.
મહારાષ્ટ્રમાં ભાજપની આગેવાની હેઠળની મહાયુતિએ વિધાનસભા ચૂંટણીમાં જંગી જીત મેળવી છે. રાજ્યના નવા મુખ્યમંત્રી કોણ હશે? આ અંગે મંથન હજુ પણ ચાલુ છે. દરમિયાન આજે તા. 26 નવેમ્બર 2024ના રોજ સવારે રાજભવન પહોંચીને એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું. આ દરમિયાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર પણ હાજર હતા. શિંદેએ પોતાનું રાજીનામું રાજ્યપાલને સોંપ્યું હતું.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોના ત્રણ દિવસ સુધી સીએમ પદ પર સસ્પેન્સ યથાવત છે. માનવામાં આવે છે કે મહાયુતિની સૌથી મોટી પાર્ટી હોવાના કારણે ભાજપ પોતાનો મુખ્યમંત્રી ઈચ્છે છે. પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસનું નામ આગળ ચાલી રહ્યું છે. અજિત પવાર પણ ફડણવીસના નામ પર સહમત થયા છે.
જોકે, શિવસેના એકનાથ શિંદેને ફરીથી સીએમ બનાવવા માંગે છે. શિવસેનાની દલીલ છે કે શિંદે સરકારની નીતિઓને કારણે જ મહાયુતિ ચૂંટણીમાં આવું પ્રદર્શન કરી શકી છે. શિવસેનાના પ્રવક્તા નરેશ મ્સ્કે મહારાષ્ટ્રમાં બિહાર મોડલ લાગુ કરવાની વાત કરી છે. મ્હસ્કેએ કહ્યું કે અમે માનીએ છીએ કે શિંદે મુખ્ય પ્રધાન હોવા જોઈએ, જેમ બિહારમાં ભાજપે સંખ્યાઓ પર ધ્યાન ન આપ્યું અને તેમ છતાં જેડીયુના નેતા નીતિશ કુમારને મુખ્ય પ્રધાન બનાવ્યા.
તમને જણાવી દઈએ કે એમવીએમાં કોંગ્રેસ, શરદ પવારની એનસીપી, શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) સામેલ છે. વિધાનસભાની ચૂંટણીમાં આ કેમ્પને મોટો ફટકો પડ્યો છે. 288 સભ્યોની વિધાનસભામાં ગઠબંધન માત્ર 46 બેઠકો જ જીતી શક્યું. તેની સામે ભાજપના નેતૃત્વમાં મહાયુતિ ગઠબંધન 230 બેઠકો જીતવામાં સફળ રહ્યું છે. મહાગઠબંધનમાં ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપી સામેલ છે.