ફાધર વાલેસે આધુનિક યુવાનને ઉદ્દેશીને ખૂબ સરસ, અદ્ભુત વિચાર રજૂ કરેલો છે, જે અહીં પ્રસ્તુત છે. હજારો યુવાનો માટે રાહબર બનશે. માતા-પિતા તેમજ યુવાન પુત્ર ત્રણેને માટે એક આશાવંત જિંદગીનું સોનેરી કિરણ સમાન બની રહે તેમ છે. મોટા ભાગના પિતા એવું ઈચ્છતા હોય છે કે, પોતાનો પુત્ર એક શિસ્તબદ્ધ જીવન જીવે. પોતે જેવું જીવન જીવ્યા એમ. પરંતુ આ સ્વતંત્રતાનો જમાનો હોવાથી દીકરાને તે પસંદ નહીં પડે. બીજા કેટલાક પિતા આનાથી ઉલ્ટું પણ વિચારે છે, કે અનુકૂળ વાતાવરણ, પૂરતી સગવડ અને પછી એ યુવાન દીકરાને જે રીતે કરવું હોય (જીવન જીવવું હોય.. ) એ રીતે કરવા દો.
કોઈ દબાણ કે શિક્ષા નહીં. મોટા ભાગનાં કુટુંબોમાં આ બે જ વિકલ્પ વિશે વિચારવામાં આવે છે. તેથી એકપક્ષીય વ્યવહાર થતો હોય છે. પરિણામે કોઈને કોઈને રીબાવું પડે છે. પરંતુ હવે ત્રીજો વિકલ્પ ફાધર વાલેસના મતે ઘણો જ આશાસ્પદ નિવડે તેવો છે. તે જોઈએ. મારો દીકરો મને અયોગ્ય લાગે તેવું કરવા બેઠો છે. હું તેને બળજબરીથી નહીં રોકું પણ એમ ને એમ ચલાવી પણ નહીં લઉં. એને માત્ર મારી શુભચિંતક લાગણીની જાણ કરું.
‘જો દીકરા, તારો રસ્તો તારે જ પસંદ કરવાનો છે. હું એમાં વચ્ચે નહીં આવીશ. તારી સ્વતંત્રતા પ્રમાણે કરજે. પરંતુ તું જે માર્ગ પસંદ કરીને જવા માગે છે તેનાથી મને દુ:ખ થશે જ અને તારો એ માર્ગ તને પણ સુખ આપનારો નહીં જ હશે.’’ આમ વહાલા દીકરાને આજ્ઞાંકિતપણા અને સ્વચ્છંદિતાની વચ્ચે રહેલી ‘‘જવાબદારી’’ની અત્યંત પાતળી રેખા દોરી બતાવી. (દીકરો પણ પિતાને ખૂબ ચાહે તો છે જ.) વાસ્તવમાં બળથી કરાવવાનું નહીં તેમજ બેદરકારીથી કરવા દેવાનું પણ નહીં. હાથ ઝાલવાનો ખરો, પણ ખેંચવાનો નહીં.
ચીખલી – રમેશ મોદી.– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.