National

બંધારણના આમુખમાંથી સમાજવાદી, બિનસાંપ્રદાયિક શબ્દોને હટાવવાની અરજીઓ સુપ્રીમ કોર્ટે ફગાવી

નવી દિલ્હી: એક નોંધપાત્ર ચુકાદામાં સુપ્રીમ કોર્ટે આજે ૧૯૭૬ના બંધારણીય સુધારા દ્વારા બંધારણના આમુખમાં સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને અખંડિતા શબ્દો ઉમેરવામાં આવ્યા તે બાબતને પડકારતી અરજીઓ ફગાવી દીધી હતી. આ અરજીઓ ફગાવતા સુપ્રીમ કોર્ટે નિરીક્ષણ કર્યું હતું કે બંધારણમાં સુધારો કરવાની સંસદની સત્તા બંધારણના આમુખ સુધી પણ વિસ્તરે છે.

સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને અખંડિતા શબ્દો બંધારણના આમુખમાં ૧૯૭૬માં ઇન્દિરા ગાંધી સરકાર દ્વારા ૪૨મા બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યા હતા. આ બાબતને પડકારતી અરજીઓ રાજ્યસભાના ભૂતપૂર્વ સભ્ય સુબ્રહ્મણિયન સ્વામી અને એડવોકેટ અશ્વિની ઉપાધ્યાય દ્વારા કરવામાં આવી હતી. જે અરજીઓ પર ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ સંજય કુમારની બેન્ચે ૨૨મી નવેમ્બરે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. આજે આ અરજીઓ અદાલતે વિવિધ ભૂમિકાઓ પર ફગાવી દીધી હતી જેમાં આ અરજી કરવામાં થયેલા ૪૪ વર્ષના વિલંબની બાબતનો પણ સમાવેશ થતો હતો.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સમાજવાદી અને બિનસાંપ્રદાયિક જેવા શબ્દો આમુખનો અખંડ ભાગ બની ગયા છે અને તેના કારણે આ અરજીઓ પ્રશ્નને પાત્ર બને છે. બેન્ચ વતી ચુકાદો લખતા ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું હતુ઼ કે ૪૪ જેટલા વર્ષ પછી આ બંધારણીય સુધારાને પડકારવાની બાબતમાં અમને કોઇ વાજબીપણુ જણાતુ નથી. અદાલતે કહ્યું હતુ કે સંજોગો એવા નથી કે આ બાબતનું વિગતવાર પરીક્ષણ કરવાની અદાલતને જરૂર જણાય. જસ્ટિસ સંજય કુમારનો પણ સમાવેશ ધરાવતી આ બેન્ચે તેના સાત પાનાના ચુકાદામાં કહ્યું હતું કે બિનસાંપ્રદાયિકતાનો ખયાલ એ બંધારણના સમાનતાના અધિકારના વિચારને અનુરૂપ છે જે બંધારણના તાણાવાણામાં ગુંથાયેલ છે. આ આદેશમાં એવું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું કે બંધારણની કલમ ૩૬૮ એ તેના સુધારાની પરવાનગી આપે છે. સુધારો કરવાની સત્તા નિર્વિવાદ રીતે સંસદ પાસે છે. આ સુધારા કરવાની સત્તા બંધારણના આમુખ સુધી લંબાય છે એમ તેણે ભારપૂર્વક જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે ૧૯૭૬માં તે સમયની ઇન્દિરા ગાંધી સરકારે બંધારણીય સુધારો કર્યો હતો. બંધારણના આમુખમાં ભારતને એક સાર્વભૌમ, લોકશાહી પ્રજાસત્તાક દેશ તરીકે વર્ણવવામાં આવ્યો હતો તેને સ્થાને સુધારો કરીને તેને સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી પ્રજાસત્તાક દેશ ગણાવવામાં આવ્યો હતો.

Most Popular

To Top