બીલીમોરા : બીલીમોરાના આંતલિયામાં રહેતા 25 વર્ષના બેરોજગાર યુવાને તેના જ ઘરે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી હતી. મરતા પહેલા યુવાને પોતે પોતાનું જીવન ટૂંકાવી રહ્યાની પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકી હતી, જે જોઈને તેના મિત્રોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ તેના સુધી પહોંચે તે પહેલા તેનું મોત થઈ ગયું હતું.
- ‘મારો આ ધરતી પરનો સમય સમાપ્ત થઈ ગયો છે, હું મારી જિંદગી પૂરી કરું છું’
- બીલીમોરાના આંતલિયાના યુવાને આત્મહત્યા કરતા પહેલા સોશિયલ મીડિયામાં પોતે મરી રહ્યાની પોસ્ટ મૂકી
આંતલિયાના વાત્સલ્ય બંગલોઝ ઘર નંબર 32 માં રહેતો રોનક જીતેન્દ્રભાઈ લાડ એકલો રહેતો હતો. માતા કલ્પનાબેન તેની પુત્રીને ત્યાં કેનેડા ગયા હતા. મૃતક રોનકના પિતાનું આઠ વર્ષ પહેલાં અવસાન થતા તે એકલો જ હતો. રોનક બેરોજગાર હતો. સોમવારે બપોરે રોનકે કોઈક અગમ્ય કારણસર તેના જ ઘરના માળ ઉપર જવાની સીડીની બાજુની લોખંડની રેલિંગ સાથે ચાદરની મદદથી ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. રોનકના નાના બીલીમોરા સોમનાથ મંદિર પાછળની શિવચરણ સોસાયટીમાં રહે છે. બનાવની જાણ તેમને થતાં તેઓ તરત આતલિયા વાત્સલ્ય બંગ્લોઝ પહોચતા દીકરીના દીકરા રોનકને ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોતા હેબતાઈ ગયા હતા. બનાવની જાણ પોલીસને કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મરતા પહેલા રોનક લાડે સોશિયલ મીડિયામાં મુકેલી પોસ્ટ
બધા મને માફ કરજો જો ભૂલથી પણ મારાથી તમને દુઃખ પહોચ્યું હોય તો. મારો આ ધરતી પરનો સમય સમાપ્ત થઈ ગયો છે હું એટલા માટે આ પગલું ભરું છું કેમ કે હું હતાશ અને આઘાતમાં છું. એટલે હું મારી અહીં જિંદગી પૂરી કરું છું.