બાંગ્લાદેશ ઈસ્કોન સાથે સંકળાયેલા ધાર્મિક નેતા ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુની સોમવારે બપોરે ધરપકડ કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમની વિરુદ્ધ દેશદ્રોહ અને સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાનો કેસ છે. ચિન્મય પ્રભુના સહાયક આદિ પ્રભુએ જણાવ્યું હતું કે તેમને ઢાકાના મિન્ટુ રોડ સ્થિત ડીબી ઓફિસમાં લઈ જવામાં આવ્યા હતા. બાંગ્લાદેશ મીડિયા અનુસાર ચિન્મય પ્રભુ ઢાકાથી ચટગાંવ જતા હઝરત શાહજલાલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પહોંચ્યા હતા અહીંથી ડિટેક્ટીવ પોલીસે તેમની ધરપકડ કરી હતી.
ઇસ્કોન બાંગ્લાદેશના સેક્રેટરી ચિન્મય દાસ બ્રહ્મચારીની બાંગ્લાદેશ ડિટેક્ટીવ વિભાગે ઢાકા એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચિન્મય દાસની ઢાકાથી ચટગાંવ જતા સમયે ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ તેમને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે. ચિન્મય પ્રભુને ચિન્મય કૃષ્ણદાસ બ્રહ્મચારી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલાઓ સામે બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું હતું.
રાજદ્રોહનો કેસ નોંધાયો
બાંગ્લાદેશમાં ઇસ્કોન જૂથના અગ્રણી સભ્યોમાંના એક ચિન્મય દાસ બ્રહ્મચારી સામે દેશદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસ 20 ઓક્ટોબરે ચિન્મય દાસ અને ચટગાંવ જિલ્લામાં હિંદુ સંગઠનોના અન્ય 19 નેતાઓ અને કાર્યકરો વિરુદ્ધ નોંધવામાં આવ્યો હતો. આરોપ છે કે 25 ઓક્ટોબરે ચટગાંવમાં યોજાયેલી રેલી દરમિયાન બાંગ્લાદેશના રાષ્ટ્રધ્વજનું અપમાન કરવામાં આવ્યું હતું, જ્યાં બાંગ્લાદેશના ધ્વજની ઉપર ઈસ્કોનનો ભગવો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.
બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓના આંદોલનને કારણે શેખ હસીનાની સરકારના પતન પછી ત્યાં રહેતા લઘુમતી હિન્દુઓ નિશાના હેઠળ છે. વિદ્યાર્થીઓના આંદોલન દરમિયાન હિન્દુઓ અને તેમના ધાર્મિક સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા. બાંગ્લાદેશના મહેરપુરના ખુલનામાં સ્થિત ઈસ્કોન મંદિરને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું. આ હુમલાને લઈને ચિન્મય પ્રભુએ હિંદુ મંદિરોની સુરક્ષાને લઈને ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી.