Charchapatra

પ્રવાસની પ્રસ્તુતતા

પૃથ્વી પર વિકસેલી માનવસંસ્કૃતિઓ જે તે સ્થળોનાં ભૂપૃષ્ઠ, વાતાવરણ, ધાર્મિક અને સામાજિક પરિપ્રેક્ષ્યને આગળ ધરીને ઊભરી છે. ઇતિહાસ અને માનવસંસ્કૃતિઓની આવી અનેક વિરાસતો દેશના ખૂણાખૂણામાં કાળક્રમે આવી અને સ્થિત થઇ. આપણા મનમાં આવી અનેક સંસ્કૃતિઓ જાણવાની અને માણવાની અભિલાષાઓ જાગે છે તેને આપણે પ્રવાસો દ્વારા પૂરી કરવાનો પ્રયાસ કરીએ છીએ. એક સહેલો ઉપાય એ છે કે આપણે ટ્રાવેલ્સ એજન્સીઓના પેકેજ ટૂરમાં જઇ પ્રવાસ કરી આવીએ.

બીજો સસ્તો અને સારો ખ્યાલ એ છે કે પ્રવાસન સ્થળોની પૂરતી માહિતી મેળવી સ્વયં આપણે ટૂર ઓર્ગેનાઇઝ કરીએ. ખર્ચ અને સુવિધાની દૃષ્ટિએ બીજો વિકલ્પ અપનાવી આપણે લગભગ પચાસ ટકા ખર્ચ બચાવી સારી સુવિધાઓ મેળવી શકીએ છીએ. આપણી પાસે હવે માહિતીઓનો ઘણો સારો સ્રોત છે. થોડી અનિશ્ચિતતાઓને સ્વીકારી સરખી વિચારસરણી ધરાવતું ગ્રુપ તૈયાર કરી શકાય તો પ્રવાસખર્ચ સીમિત રાખી અમુક ચોક્કસ થીમ પર આધારિત પ્રવાસો કરી શકાય. પ્રવાસો આપણને માનસિક રીતે સમૃધ્ધ બનાવે છે. અનેક અલગ અલગ સંસ્કૃતિઓનો પરિચય કરાવે છે. કૌટુંબિક ભાવનાઓ ખીલવી સામુહિક સાહચર્ય ખીલવવાની તક આપે છે.

બીબાંઢાળ પ્રકારના જીવનમાં નવું ઓજસ પાથરી જીવન જીવવાના અન્ય વિકલ્પો આપે છે. જીવન કેવળ આસપાસના પરિસર પર જ આધારિત નહીં પરંતુ વિશાળ દૃષ્ટિકોણ સાથે જીવવાનું સામર્થ્ય શીખવે છે. વળી પ્રવાસન સ્થળોએ આવેલા અનેક દેશપ્રદેશની વ્યક્તિઓએ સાથે મળવાની, તેમને સમજવાની અને સાંસ્કૃતિક આદાનપ્રદાનની તક આપે છે. આર્થિક અને અન્ય અનુકૂળતા હોય તેમણે પ્રવાસ અવશ્ય કરવા જોઈએ.
વલસાડ – કિરણ પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

જીવનશૈલીનો બદલાવ
વર્તમાનકાળમાં અનેક ગતિવિધિઓ જોવા મળે છે. સામાન્ય રીતે મનુષ્ય દ્વારા માનવીય મૂલ્યોને સમજી વિચારીને વર્તન કરવું જોઈએ પણ આજે સ્પર્ધાત્મક જીવનશૈલી બનવાથી ભૌતિક સમૃદ્ધિ તરફ ધ્યાન વધારે કેન્દ્રિત કરાય છે અને તે કારણે મૌલિક મૂલ્યો ગણો કે માનવીય ગુણોને અવગણીને લોકો રાહ પસંદ કરે છે. સંપત્તિ આખરે સંપત્તિ છે કે જે વર્તમાન તથા ભાવિ માટે અગત્યની છે. પરંતુ તે માટે ભૌતિક સમૃદ્ધિ તરફનો ઝુકાવ કેટલી હદે વ્યાજબી છે તે કોઈ ન કહી શકે. આપણી સંપત્તિ આપણું પોતાનું જીવન ઉચ્ચ કક્ષા તરફ લઈ જવાની તાલાવેલી હોવી જોઈએ અને આખરે તમે જે મેળવો છો કે તેમાં વૃદ્ધિ કરો છો તે તો ભાવિને સુખ શાંતિની પ્રાપ્તિ થશે.

આપણા જીવનમાં આખરે તો સંતોષ અને આનંદની સાથે સાથે હળવાશ હોવી જોઈએ અને તે હર પળ માટે જરૂરી છે. તમે જે કોઈ સમય વિતાવો છો કે જે કોઈ પણ સ્થળે કે પરિસ્થિતિમાં હો પણ તમારે હર એક ઘડી ને સંતોષ, આનંદ તથા ભવ્યતા ને મહેસૂસ કરવી જોઈએ તે આપણે કરતા નથી. આપણે તો બસ ભૌતિક સમૃદ્ધિ વિશે જ ખ્યાલ રાખીએ છીએ. બેંકના ખાતામાં, ખીસામાં, ઘરમાં કે સંપત્તિમાં કેટલો વધારો થઈ રહ્યો છે તેની નોંધ જ લેવામાં સુખ, શાંતિ અને આનંદ ખોળી શક્યાં નથી.
મુંબઈ    – શિવદત્ત પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top