Charchapatra

મેડિકલ કેમ્પ યોજી દર્દીઓ મેળવવાની સાજિશ

આજકાલ દરેક નાનાં મોટાં નગરોમાં, દર્દીઓને રાહત દરે તપાસી, રાહત દરે રોગનું નિદાન કરી આપવામાં આવશે, એવાં ચોપાનિયાં છાપી, જનતામાં પ્રચાર અને પ્રસાર કરીને મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આમાં નાના દાકતરોથી માંડીને કોઈ રોગના નિષ્ણાત દાક્તર સુધીનાી વ્યક્તિઓનો સમાવેશ થયેલો હોય છે. બીજું આવા મેડિકલ કેમ્પનું આયોજન શનિવાર તથા રવિવારના રોજ રાખવામાં આવે છે એથી વધારે દર્દીઓ હાજર રહી શકે. આવા મેડિકલ કેમ્પનું આયોજન કરવાનો મુખ્ય હેતુ દર્દીઓ મેળવવાનો જ હોય છે. સૌ પ્રથમ મેડિકલ કેમ્પમાં જનાર દર્દીની તમામ વિગતો તથા મોબાઈલ નંબર મેળવવામાં આવે છે. પછી રાહત દરના નામે ફી જમા કરાવવામાં આવે છે. પછી દર્દીની બિમારી વિશે જાણીને દાક્તરો દર્દીને ભય બતાવીને ભોળવવાની પ્રક્રિયા શરૂ કરે છે. તમને બહુ ગંભીર બિમારી છે અને આ મેડિકલ કેમ્પમાં ઉપચારમાં ટાંચાં સાધનો હોવાથી તમારે ઈલાજ કરવા માટે અમારા ક્લિનિક ઉપર આવવું પડશે એવું કહીને પોતાની હોસ્પિટલનું કાર્ડ પકડાવી દે છે.

ત્યાર બાદ જો દર્દી હોસ્પિટલમાં ના જાય તો ફોન કરીને એને ઉપચાર કરવાના નામે બહેકાવવામાં આવે છે. આમ આવા દાક્તરોની હાટડીઓ ચાલતી રહે છે. મેડિકલ કેમ્પમાં જે મેડિસીન આપવામાં આવે છે તે પણ ફ્રી સેમ્પલ આવ્યાં હોય એમાંથી જ આપવામાં આવે છે. આવા મેડિકલ કેમ્પનું આયોજન સ્થાનિક રાજકીય પીઠબળ હેઠળ ચાલે છે. આ ઉપરાંત જે દાક્તરોનાં ક્લિનિક ચાલતાં ન હોય એ લોકો પોતાનાં દવાખાનામાં જગાની વ્યવસ્થા કરીને ઈએનટી સ્પેશ્યાલિસ્ટ, કિડની સ્પેશ્યાલિસ્ટ, ઓર્થોપેડીક જેવા નિષ્ણાત દાક્તરોના બોર્ડ મારે છે અને આ દાક્તર અઠવાડિયામાં એક દિવસ જ મળશે એવો પ્રચાર કરે છે અને એ સ્પેશ્યાલિસ્ટ દાકતરો પાસેથી કમિશન મેળવે છે. આમ આખો એક ગેમ પ્લાન રચાય છે અને એમાં ભોળાં દર્દીઓ ભોળવાય છે.
હાલોલ – યોગેશભાઈ આર. જોશી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

માઉન્ટ આબુના તાપમાન બાબતે ચાલતી અફવા
બે દિવસ પહેલાં હું માઉન્ટ આબુના પ્રવાસે ત્રણ દિવસ માટે રોકાયો હતો. આ દિવસોમાં ગુજરાતનાં મુખ્ય શહેરોનાં પ્રિન્ટ મિડિયામાં માઉન્ટ આબુના તાપમાન માટે 0 ડીગ્રી તાપમાન પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું, જ્યારે સ્થળ પર ત્યાં 9 થી 17 ડીગ્રી તાપમાન હતું. ગત વર્ષોમાં માઉન્ટ આબુમાં નખી લેક બરફથી થીજી ગયાના સમાચાર પ્રિન્ટ મિડિયામાં પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા, જ્યારે સ્થળ પર એવું કશું હતું નહીં.

પર્યટકો મોજથી નખી લેકમાં બોટિંગ કરતાં હતાં. આમ, માઉન્ટ આબુના તાપમાન માટે કોઈ કારણોથી વર્ષોવર્ષ આવું મિડિયા દ્વારા ચલાવાય છે તેનું કોઈ ચોક્કસ કારણ હશે? પણ માઉન્ટ આબુ પર્યટકોનું હમેશાંથી એટલું લોકપ્રિય સ્થળ છે કે તેના માટે આવું ચલાવવાની જરા પણ જરૂર નથી. ત્યાં 365 દિવસ પર્યટકો જાય જ છે. વળી ગૂગલ બાબા સચોટ વાતાવરણ અગાઉથી જણાવી દેતું હોય ત્યારે પ્રિન્ટ મિડિયા ઘર બેસી આ કે આવા સમાચારો આપવાનું બંધ કરે તેમાં જ તેમની સફળતા રહેલી છે.
સુરત     – પરેશ ભાટિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top