Charchapatra

સંબંધોમાં વાણીની મધુરતાનું મહત્ત્વ

કહેવાય છે કે માનવી પોતાના ‘‘સંબંધોની કબર જીભ દ્વારા ખોદે છે!’’ કોઈ પણ સંબંધનું આયુષ્ય બંને પક્ષનાં વાણી વર્તન પર હોય છે. સત્ય સર્વસ્વીકાર્ય પણ એ સત્ય પણ મધુરતા દ્વારા વ્યક્ત થયેલું હોવું જરૂરી. ઘણી વ્યક્તિ સ્વયંને નિખાલસ અને આખાબોલી ગણાવતી હોય છે અને વાણીમાં કડવાશ આણી સામેવાળી વ્યક્તિનું સ્વમાન હણતી હોય છે! અને સંબંધમાં ઓટ આવતી હોય છે. સંત કબીરે પણ કહ્યું છે કે વાણી એવી વદો કે સ્વયં તો શીતળતા પ્રાપ્ત કરીએ અને અન્ય વ્યક્તિને પણ શીતળતા પ્રાપ્ત થાય. આપણી વાણી, આપણું માનસ અને આપણી પરવરિશનું દર્પણ છે.

સંસ્કારસિંચન વાણી-વર્તન પરથી નક્કી થઈ શકે છે. ‘‘હમારા હી વ્યવહાર હી હમારા પરિચય હૈ’’ શબ્દ તથા વાણીનો ઉપયોગ અતિ સાવચેતીપૂર્વક કરી શકાય. જેથી અન્ય વ્યક્તિ દુ:ખી ન થાય. આપણાં વાણી-વર્તન ભવિષ્યમાં આપણને જ પ્રાપ્ત થાય છે! કારણકે ‘‘સદા સત્યં વદ પ્રિયં વદ’’ એ ભારતીય પ્રાચીન ગ્રંથો દ્વારા રચાયેલી ઉક્તિ છે. કડવી દવા પણ ‘‘સુગર કોટેડ’’ જ હોય!! વાણી ચંદન સમી હોવી જરૂરી, જે સૌને શીતળતા બક્ષી સંબંધોનું વટવૃક્ષ વધુ વિશાળ બનાવે. પછી એ કોઈ પણ સંબંધ કેમ ન હોય? પતિ-પત્ની, મિત્ર, વડીલો, સંતાનો કે કર્મચારીગણ સૌને સ્વમાન પ્રિય હોય.
સુરત     – નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

નિર્દોષ નાગરિકોને અન્યાય
હમણાં સુપ્રિમ કોર્ટે પોલીસના ચોપડે અસંખ્ય અપરાધો નોંધાયેલા હોય એવા અપરાધીઓની મિલકત પર બુલડોઝર ફેરવવાના પગલાને અયોગ્ય ઠેરવ્યું. આ વિષયે સુપ્રિમ કોર્ટને સામાન્ય પ્રજા કહેવા માંગે છે કે, આપની અદાલતોમાં કરોડો કેસો પેન્ડિંગ છે. અપરાધ કરનારાઓ ખુલ્લા માથે કાયદાની છટકબારીનો લાભ લઈને સામાન્ય પ્રજાને રંજાડતા હોય છે. યુપીમાં છેલ્લા કેટલાય દાયકાથી માફિયાઓ બેફામ બની ગયા હતા. આવા સંજોગોમાં યોગી કે બીજા કોઈ પણ મુખ્યમંત્રી પોતાના વ્યક્તિગત કે અંગત કારણોસર માફિયાઓને સજા નથી કરતાં. તેઓ માત્ર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે બુલડોઝર જેવાં પગલાંઓ ભરે છે.

ખરેખર તો સુપ્રીમ કોર્ટે દેશભરની અદાલતોને એવો આદેશ આપવાની જરૂર છે કે માફિયાઓના કેસો ઝડપથી ચલાવવા. જેથી સામાન્ય પ્રજાનો ન્યાયતંત્ર પરનો બચેલો ભરોસો જળવાઈ રહે. આ ચુકાદાનું બીજું એક પાસું એ છે કે, માથાભારે માફિયાઓના અત્યાચારનો ભોગ બનેલાં લોકોને મળવા જોઈએ તે વળતરનું શું? એની સ્પષ્ટતા સુપ્રીમના ચુકાદામાં નથી. દરેકને માથા પર એક છાપરું હોવાનો અધિકારની સુપ્રીમ કોર્ટની વાત બરાબર છે તો જે લોકોનાં ઘરો માફિયાઓએ બળજબરીથી પડાવી લીધા હોય તેમના માથા પર છાપરાનું શું?
બારડોલી          – કેદાર રાજપૂત– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top