શિક્ષકના વ્યવસાયમાં શિક્ષક ઘણું બધું કરી શકે છે.જો વિઝન હોય, ક્ષમતા હોય અને બાળકો પ્રત્યે લાગણી હોય તો એક સ્વપ્નશીલ શિક્ષક વર્ગને સ્વર્ગ બનાવી શકે! શિક્ષક જીવંત સાથે જોડાણ ધરાવે છે.નિર્દોષ,નિ:સ્વાર્થ અને નિષ્કપટ બાળકોના ચહેરા સાથેનું જોડાણ છે.સાચો શિક્ષક નિત્ય બાળકોના ચહેરા વાંચી સ્વસ્થ અને અસ્વસ્થ થાય છે.ચહેરો વાંચતાં જ મનમાં, હ્રદયમાં જે વિચારો પ્રગટે છે તે પ્રમાણે ઊર્જા પેદા થાય છે.આ ઊર્જા સકારાત્મક કે નકારાત્મક હોય છે અને તે પ્રમાણે આઉટ પુટ મળે છે. કાયમ આનંદમય રહેતા બાળકનો ચહેરો મુરઝાયેલો કે મુંઝાયેલો દેખાય અને તેના પ્રત્યે ઉદાસીનતા દાખવવામાં આવે તો બાળક વધુ હતાશ થઈ જાય છે.
મહદ્ અંશે શિક્ષકો આવી બાબત પ્રત્યે દુર્લક્ષ સેવે છે.આટલા પગારમાં આ બધી ઝંઝટમાં કોણ પડે! શિક્ષકો અભ્યાસક્રમ પૂર્ણ કરવાની રેસમાં હોય! કેટલાક એવું વિચારે કે વર્ગમાં આવા થોડાક નંગ તો હોય જ! મા બાપને જ પડી નથી તો આપણે કેટલું કરી શકીએ? શિક્ષક મિત્રો,આ વિચાર માત્ર જ નકારાત્મક ઊર્જા પેદા કરે છે. વર્ગમાં આ ઊર્જા પ્રસરે છે.આ ઇનપુટ તમારી સકારાત્મકતાને તોડે છે. તમારા હ્રદયના અને મનના એક પોલાદી ભાગને સ્પર્શે છે અને ન ઈચ્છો છતાં બાળકને સજા કરવા તમે અંદરથી પ્રેરિત થાવ છો. તમે આવાં બાળકોને હંમેશા વર્ગ બહાર કે છેલ્લી બેંચનો રસ્તો બતાવો છો,વર્ગમાં કે વર્ગ બહાર ઊભા રાખો છો. જે બાળકને શિક્ષણથી વિમુખ બનાવે છે.
જાણ્યે-અજાણ્યે શિક્ષક નિમિત્ત બને છે. જે શિક્ષકની ગરિમાને લજવે છે. જો શિક્ષક ઉદાસ બાળકને જોઈ વિચારે કે કાયમ ખુશ રહેતા બાળકના ચહેરા પર આજે નૂર કેમ નથી? શું કારણ હશે? મારે તપાસ કરવી જોઈએ. શિક્ષક તરીકે મારે જાણવું જોઈએ કે હું શું કરું તો બાળકના ચહેરા પર સ્મિત આવે. અભ્યાસમાં નબળાં પણ સમસ્યાયુકત બાળક માટે હ્રદયમાં સહાનુભૂતિ, કરુણા, સ્નેહનો ભાવ જન્મે એટલે હકારાત્મક ઊર્જા વહેતી થાય છે.શિક્ષક નજીક જાય,ખભે હાથ મૂકે અને એક સ્મિત કરે એટલે જાદુઈ અસર થાય જ. કરુણાના ભાવમાં શકિત છે.બાળક નાનું હોય કે મોટું હોય(વ્યકિત હોય તો પણ)પ્રતિભાવમાં સ્મિત મળે જ.કેમ મળે? કારણ કરુણાની ઊર્જાનો ચેપ લાગે છે. માટે આલોચક ન બનતાં પ્રશંસક બનીએ.
સુરત – અરુણ પંડયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.