Editorial

મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામે સાબિત કરી આપ્યું કે જીત વ્યક્તિ, પાર્ટી કે સિમ્બોલની નથી થતી વિચારધારાની જ થાય છે

મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામોમાં મહાયુતિએ એકતરફી લીડ મેળવી છે. 288 વિધાનસભા બેઠકોમાંથી, ભાજપ ગઠબંધન 230 પર વિજય મેળવ્યો છે. તે જ સમયે, કોંગ્રેસની આગેવાની હેઠળની મહાવિકાસ આઘાડી (MVA) 50નો આંકડો પણ પાર કરી શકી નથી. રાજ્યમાં ભાજપના ગઠબંધનની સરકાર બનશે તે નિશ્ચિત છે. મુખ્યમંત્રી શિંદે અને દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ત્રણેય પક્ષો સાથે મળીને નક્કી કરશે કે રાજ્યના આગામી મુખ્યમંત્રી કોણ હશે. આ પહેલા ફડણવીસે સોશિયલ મીડિયા પર લખ્યું હતું – એક હૈ તો સેફ હૈ. મહાયુતિમાં ભાજપ, શિવસેના (એકનાથ શિંદે) અને NCP (અજિત પવાર)નો સમાવેશ થાય છે, જ્યારે મહાવિકાસ અઘાડીમાં કોંગ્રેસ, શિવસેના (ઉદ્ધવ ઠાકરે) અને NCP (શરદ પવાર)નો સમાવેશ થાય છે.

મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો પર 20 નવેમ્બરે મતદાન થયું હતું. 2019ની સરખામણીએ આ વખતે 4% વધુ મતદાન થયું હતું. 2019માં 61.4% વોટ પડ્યા હતા. આ વખતે 65.11% મતદાન થયું હતું. આ વાતથી સાબિત થાય છે કે, જીત હંમેશા કોઇ વ્યક્તિ કે પક્ષની થતી નથી વિચારધારાની જ થાય છે. તેનું કારણ એ છે કે, શિવસેના શિંદેએ મહારાષ્ટ્રમાં 55થી વધુ બેઠક પર વિજય મેળવ્યો છે. જે મહા વિકાસ અઘાડી એટલે કે એમવીએએ કુલ બેઠક જીતી તેના કરતાં પણ વધારે છે.

મહારાષ્ટ્રની ચૂંટણીમાં ભાજપ ભલે સૌથી વધુ બેઠક મેળવીને વિજય બન્યો છે. પરંતુ મહારાષ્ટ્રની આ ચૂંટણી શિવસેના માટે ખૂબ જ મહત્વની હતી અને તેના ઉપર સૌની નજર પણ હતી. જેમાં શિવસેના ઉદ્ધવ એટલે કે બાલાસાહેબ ઠાકરેના પુત્રની પાર્ટી અને શિવસેના શિંદે એટલે કે બાલાસાહેબના ચેલા એકનાથ શિંદે વચ્ચેનો જંગ ખૂબ જ મહત્વનો હતો તેનાથી એ નક્કી થાય છે કે, વ્યક્તિ, પાર્ટી કે સિમ્બોલ કરતાં વિચારધારા ખૂબ જ મહત્વની છે.

શિવસેનાના સ્થાપક બાલાસાહેબ ઠાકરેના વ્યક્તિત્વ ઉપર એક નજર કરીએ તો લગભગ 46 વર્ષ સુધી જાહેર જીવનમાં રહી ચૂકેલા શિવસેના પ્રમુખ બાલ ઠાકરેએ ક્યારેય કોઈ ચૂંટણી લડી ન હતી કે કોઈ રાજકીય પદ સ્વીકાર્યું ન હતું. તેમને તો વિધિપૂર્વક શિવસેનાના અધ્યક્ષ તરીકે પણ ચૂંટવામાં આવ્યા ન હતા. છતાં મહારાષ્ટ્રના રાજકારણમાં અને ખાસ કરીને રાજધાની મુંબઈમાં તેમનો ખાસ પ્રભાવ હતો. તેમની રાજકીય યાત્રા પણ અનોખી હતી. બાલ ઠાકરેએ વર્ષ 1966માં શિવસેનાનું નિર્માણ કર્યું હતું અને ‘મરાઠી માણૂસ’નો મુદ્દો ઉઠાવ્યો હતો. તે સમયે નોકરીઓની અછત હતી અને બાલ ઠાકરેનો દાવો હતો કે દક્ષિણ ભારતીય લોકો મરાઠીઓની નોકરીઓ છીનવી રહ્યા છે.

તેમણે મરાઠી બોલનારા સ્થાનિક લોકોને નોકરીમાં મહત્ત્વ આપવાની માગ સાથે આંદોલનની શરૂઆત કરી હતી. મુંબઈ (તે સમયે મુંબઈ શહેર બૉમ્બે તરીકે ઓળખાતું હતું) સ્થિત કંપનીઓ પર તેમણે નિશાન સાધ્યું હતું, પરંતુ ખરેખર તેમનું આ અભિયાન મુંબઈમાં રહેતા દક્ષિણ ભારતીયો વિરુદ્ધ હતું. બાલ ઠાકરે માનતા હતા કે જે લોકો મહારાષ્ટ્રના છે, તેમને નોકરી મળવી જોઈએ. આ મુદ્દાને મરાઠીઓએ હાથો-હાથ ઉપાડ્યો.પરંતુ બાલ ઠાકરે કહેતા હતા, ‘હું રાજકારણમાં હિંસા અને બળનો ઉપયોગ કરીશ, કેમ કે ડાબેરીઓને એ જ ભાષા ખબર પડે છે. કેટલાક લોકોને હિંસાનો ડર બતાવવો જોઈએ. ત્યારે જ તેઓ પાઠ ભણશે.’

બાલ ઠાકરેએ પોતાની પાર્ટીનું નામ શિવસેના 17મી શતાબ્દીમાં એક પ્રખ્યાત મરાઠા રાજા શિવાજીના નામ પર રાખ્યું હતું. શિવાજી મુગલો વિરુદ્ધ લડાઈ લડી રહ્યા હતા. બાલ ઠાકરેએ જમીની સ્તર પર પોતાની પાર્ટીનું સંગઠન બનાવવા માટે હિંસાનો સહારો લેવાનું શરૂ કર્યું. રાજકીય પ્રતિદ્વંદ્વીઓ, અપ્રવાસીઓ અને મીડિયાકર્મીઓ સુધીના લોકો પર શિવસૈનિકોના હુમલા સામાન્ય વાત બનવા લાગી. ધીરે-ધીરે મુંબઈના દરેક વિસ્તારમાં સ્થાનિક માથાભારે યુવા શિવસેનામાં સામેલ થવા લાગ્યા હતા. 80ના દાયકા દરમિયાન શિવસેના એક મોટી રાજકીય શક્તિ બની ગઈ હતી. તે રાજ્યમાં સત્તા પ્રાપ્ત કરવા માટે પોતાની દાવેદારી રજૂ કરી રહી હતી.

આ દરમિયાન બાલ ઠાકરેએ દક્ષિણપંથી મતદારોને લલચાવવા માટે હિંદુત્વનો હાથ પકડી લીધો હતો. 1992માં ઉત્તર પ્રદેશમાં અયોધ્યામાં બાબરી મસ્જિદ તૂટ્યા બાદ મુંબઈમાં હિંદુ અને મુસ્લિમો વચ્ચે સાંપ્રદાયિક હિંસા ફેલાઈ હતી, જે ઘણાં અઠવાડિયા સુધી ચાલી હતી.આ હિંસામાં શિવસેના અને બાલ ઠાકરેનું નામ વારંવાર લેવામાં આવ્યું હતું. હિંસામાં કુલ 900 લોકોનાં મૃત્યુ થયાં હતાં. મોટી સંખ્યામાં લોકો મુંબઈ છોડીને ભાગી ગયા હતા અને તેઓ ક્યારેય પરત ન ફર્યા.

વર્ષ 1992માં જ્યારે અયોધ્યાનો વિવાદીત ઢાંચો ધ્વસ્ત કરવામાં આવ્યો હતો ત્યારે ભારતીય જનતા પાર્ટી કે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે તો જવાબદારી સ્વીકારી નહીં. લોકોએ તો ત્યાં સુધી કહી દીધું કે રાષ્ટ્રીય સ્વયંસેવકોને આ ઘટના સાથે કોઈ લેવા દેવા જ નથી. પરંતુ બાલ ઠાકરે સમક્ષ જ્યારે આ સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું, ‘અમારા લોકોએ આ કામ કર્યું છે અને તેના પર મને ગર્વ છે. ’તેમણે તો એક સમયે એમ પણ કહી દીધું હતું, ‘હિંદુ હવે માર ખાશે નહીં, અમે તેમને અમારી ભાષામાં જવાબ આપીશું.’

આ હતું બાલાસાહેબનું વ્યક્તિત્વ અને વિચારધારા. હવે તેમના પુત્ર પાસે શિવસેનાનો વારસો હતો પરંતુ વિચારધારામાં તેઓ માર ખાઇ ગયા હતાં. બાલાસાહેબની વિચારધારા એવી હતી કે, કોંગ્રેસની ચોગઠ પર ક્યારેય પગ નહીં મૂકવો. તેનાથી વિપરીત ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ સાથે જ ગઠબંધન કર્યું અને આ વાત બાલાસાહેબની વિચારધારાને જરાપણ અનુરૂપ નથી. એકનાથ શિંદે ભલે ઠાકરે પરિવારમાંથી નથી આવતા પરંતુ તેમણે બાલાસાહેબની વિચાધારાને અકબંદ રાખી છે અને તેના કારણે જ તેમણે શિવસેના છોડીને તેના ઉપર દાવો કરી તેનો કબજો મેળવી લીધો હતો.

તેઓ હંમેશા પ્રચાર દરમિયાન કહેતા રહ્યાં હતા કે ઉદ્ધવ ઠાકરે ભલે બાલાસાહેબના પુત્ર હોય તેનાથી શિવસેનાના તેઓ વારસદાર નહીં થઇ જતાં. બાલા સાહેબની વિચારધારાને જે અમલમાં રાખશે અસલી વારસદાર તે જ છે. અને ચૂંટણીના પરિણામે સાબિત કરી આપ્યું છે કે, જીત વિચારધારાની જ થાય છે વ્યક્તિની નહીં. તેઓ ભલે ઉદ્ધવ ઠાકરેના વિરોધી હોય પરંતુ બાલાસાહેબની વિચારધારાને વળગી રહ્યાં હતાં અને મરાઠી માણુસને જેટલી લાગણી બાલાસાહેબ ઠાકરે માટે હતી તેટલી જ શિંદે માટે છે તેનું આ જ કારણ છે કે તેઓ બાલાસાહેબની વિચારધારાને વળગી રહ્યાં છે.

Most Popular

To Top