સુરત: કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળની આયુષ્માન યોજના તથા ગુજરાત સરકાર હસ્તકની અમૃતમ યોજના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે વિકટ આરોગ્ય સંબંધી રોગના નિદાન માટે આશીર્વાદરૂપ યોજના છે પરંતુ ખાનગી હોસ્પિટલો તેનો દૂરુપયોગ કરી સરકારની તિજોરીને નુકસાન કરવા સાથે જન આરોગ્ય તથા સ્વાસ્થય સાથે ચેડાં કરી રહ્યાં હોવાના મામલા સામે આવ્યાં છે.
હૃદયરોગની સારવારનાં ગોટાળાઓ પછી હવે તમાકું, પાન-માવાનું સેવન કરતાં લોકોના મોઢાનાં કેન્સરની સારવારમાં પણ મોટા ગોટાળા સામે આવવાની શકયતા છે.અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ્સ દ્વારા બિનજરૂરી હ્દયના ઓપરેશન કરી સ્ટેન્ડ બેસાડ્યા એવી જ રીતે પાન-માવા કે તમાકું ખાતા લોકોના મોઢાના કેન્સરનાં બિનજરૂરી ઓપરેશન થયા હોવાની શંકા આરટીઆઈ કર્યા હોઈ એવું સતત વધી રહેલા આંકડાઓ ઉપરથી લાગી રહ્યું છે.
- મોઢાના કેન્સરની સર્જરીમાં હોસ્પિટલોનું અબજોનું કૌભાંડ
- આરટીઆઈમાં ભેદ ખૂલ્યો, એક જ વર્ષમાં અમદાવાદ, સુરત, રાજકોટની 291 હોસ્પિટલને ‘આયુષ્યમાન કાર્ડ’ હેઠળ મોઢાની સર્જરી માટે 1,005 કરોડ રૂપિયા ચૂકવાયા
- એક જ વર્ષમાં મોઢાના કેન્સર સહિતની સર્જરી માટે 3,01,382 ક્લેઈમ થયા, સરકાર દ્વારા તપાસ કરવામાં આવે તે જરૂરી
સામાજિક કાર્યકર રણમલ દેવદાનભાઈ જીલરિયાએ આરટીઆઇ અરજી કરી રાજયના આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગ ગાંધીનગર સ્થિત કમિશનર પાસે પોલીસી 5/6/7 હેઠળ હોસ્પિટલનાં નામો સહિત લાભ લેનારા દર્દીઓ અને થયેલા ખર્ચની વિગત માંગવામાં આવી હતી. જેમાં ઉત્તર પાઠવવામાં આવ્યો છે કે, વર્ષ 2021/22 ના એક વર્ષમાં અમદાવાદ, સુરત, રાજકોટની 291 હોસ્પિટલને 3,01,382 ક્લેઈમના 1,005 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. તથા વર્ષ 2022/23 ના એક વર્ષમાં અમદાવાદ, સુરત, રાજકોટની 428 હોસ્પિટલને 3,84,987 ક્લેઈમના 1,202 કરોડ રૂપિયા અંદાજે ચૂકવ્યા છે.
ગુજરાતમાં વર્ષ 2020માં 1.12 લાખ તથા વર્ષ 2021માં 26.96 લાખ, વર્ષ 2022માં 53.40 લાખ આયુષ્માન કાર્ડ નોંધાયેલા છે ગુજરાતમાં વર્ષ 2020માં 10 લાખ તથા વર્ષ 2021માં 5.26 લાખ તથા વર્ષ 2022માં 8.12 લાખ લાભાર્થીઓના કલેઇમ આયુષ્માન કાર્ડ હેઠળ નોંધાયેલા છે. ગુજરાત રાજયમાં આયુષ્માન યોજના હેઠળ વર્ષ 2020માં 1,079 કરોડ તથા વર્ષ 2021માં 1,444 કરોડ તથા વર્ષ 2022માં 2,378 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.
સુરત, અમદાવાદ અને રાજકોટની હોસ્પિટલ્સને કેટલા કેટલા ચુકવાયા?
એક વર્ષ દરમિયાન અમદાવાદ શહે૨ની ૧૫૯ હોસ્પિટલને ૧,૪૨,૩૫૧ ક્લેઈમના રૂ.૪૪૮.૮૮ કરોડ, રાજકોટ શહેરની ૬૬ હોસ્પિટલને ૮૭,૦૨૩ ક્લેઈમના રૂ.૨૫૧.૩૯ કરોડ અને સુ૨ત શહે૨ની ૬૬ હોસ્પિટલને ૭૨,૦૦૮ ક્લેઈમના રૂ.૨૬૬.૫૧ કરોડ ચુકવાયા. પોલીસી ૭ (તા.૧૧/૦૭/૨૨ થી ૧૦/૦૭/૨૩) દરમિયાન અમદાવાદ શહેરની ૧૯૧ હોસ્પિટલને ૧,૮૯, ૨૫૬ કલેઈમના રૂ.૫૬૭.૪૬ કરોડ, રાજકોટ શહે૨ની ૧૦૪ હોરિપટલને ૧,૧૦,૩૯૩ ક્લેઈમના રૂ.૩૧૩.૪૬ કરોડ અને સુરત શહે૨ની ૧૩૩ હોસ્પિટલને ૮૫,૩૩૮ ક્લેઈમના રૂ.૩૨૨.૫૬ કરોડ ચૂકવાયા છે.
આરટીઆઈમાં કઈ હોસ્પિટલમાં કેટલા ઓપરેશન તેની વિગતો છુપાવાઈ
સુરત, અમદાવાદ અને રાજકોટની હોસ્પિટલનાં નામોની યાદીમાં સરકારની આયુષ્માન યોજના તથા અમૃતમ યોજના હેઠળ મોટા પ્રમાણમા એવા લોકોએ પણ નોંધણી કરાવી છે કે જે પૈસે ટકે સુખી છે અને આ યોજના હેઠળ લાભાર્થી બનવાની પાત્રતા ધરાવતા નથી એવા લોકોની પણ તપાસ થવી જોઈએ.
ઘણા લોકો તો આલીશાન ઘર, મકાન, લકઝુરિયસ ગાડીઓ ધરાવે છે. સરકારે છેલ્લા ચાર વર્ષ દરમિયાન જે નવા કાર્ડ બન્યા તથા છેલ્લા ચાર વર્ષ દરમિયાન જે ઓપરેશન થયા તે તમામની ઉચ્ચ કક્ષાની નિષ્પક્ષ તપાસ થાય તો મોટું કૌભાંડ બહાર આવે એવી શક્યતા છે. કંઈ હોસ્પીટલને કેટલા રૂપિયા ચૂકવાયા છે તેની માહિતી આપવામાં આવી હોત તો આખા કૌભાંડ ઉપરથી પડદો હટી જાત.