Columns

અદાણીના કેસમાં ભાજપ ઉપરાંત વિપક્ષોનો ભ્રષ્ટ ચહેરો જનતાની સામે આવી ગયો છે

ભારતના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર જ્યારે જ્યારે હુમલો કરવામાં આવે ત્યારે તેનો અર્થ એવો થાય છે કે આ હુમલો ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર કરવામાં આવ્યો છે. આ વખતનો હુમલો હિન્ડનબર્ગ જેવી ખાનગી કંપની દ્વારા નહીં પણ અમેરિકાની અદાલત દ્વારા કરવામાં આવ્યો છે. યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC) એ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના સ્થાપક ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી પર કરોડો ડોલરની લાંચ આપવાનો આરોપ મૂક્યો છે.

હવે આરોપ મૂકનારી SEC અમેરિકન સરકારની એક શાખા છે, માટે આ આરોપ જો બિડેનની અમેરિકી સરકારે મૂક્યો છે, તેમ કહેવામાં હરકત નથી. અમેરિકામાં જ્યારે રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ ગઈ છે અને નવા રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાઈ ગયા છે, ત્યારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પરના હુમલાને ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચેના સંબંધોના સંદર્ભમાં પણ જોવો જોઈએ. ડોનાલ્ડ ટ્રમ્પ મોદીના મિત્ર ગણાય છે. તેઓ સત્તાનાં સૂત્રો સંભાળે તે પહેલાં તેમને જેટલું નુકસાન થઈ શકતું હોય તેટલું કરી લેવાના ઇરાદાથી જો બિડેનની સરકાર દ્વારા જતાં જતાં મોદી પર હુમલો કરવામાં આવ્યો હોઈ શકે છે.

જો બિડેન સરકારે અદાણી જૂથ પર હુમલો કર્યો તેનો અર્થ જરાય એવો નથી થતો કે ગૌતમ અદાણી દૂધે ધોયેલા છે. ભારતમાં સૌર ઊર્જા પ્રોજેક્ટ માટે કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને અંદાજે રૂ. ૨,૨૫૦ કરોડની લાંચ આપવાનો આરોપ ગૌતમ અદાણીની કંપની પર છે. કોઈને સવાલ થશે કે અદાણી દ્વારા લાંચ આપવામાં આવી હોય તો તે ભારતના સરકારી અધિકારીઓને આપવામાં આવી હતી, તો તેમની સામે અમેરિકાની અદાલતમાં કેસ કેમ કરવામાં આવ્યો છે? તેનો જવાબ એ છે કે અદાણી ગ્રૂપે આ પ્રોજેક્ટ માટે અમેરિકન રોકાણકારો પાસેથી ભંડોળ એકત્ર કર્યું હતું, જેના કારણે અમેરિકન કોર્ટમાં તેમની સામે આ કેસ કરવામાં આવ્યો છે. અદાણી જૂથ અમેરિકાનાં રોકાણકારો પાસેથી કરોડો ડોલર ઉઘરાવીને તેનો ઉપયોગ ભારતના અધિકારીઓને લાંચ આપવા માટે કરે તેમાં અમેરિકાની સરકારને બેઈમાની દેખાય છે.

ભારતના તેમ જ અમેરિકાના કાયદાઓ મુજબ લાંચ લેવી જેમ ગુનો બને છે, તેમ લાંચ આપવી પણ ગુનો બને છે. જો કે ભારતીય સમાજમાં લાંચ આપવી તેને ગુનો નહીં પણ મજબૂરી ગણવામાં આવે છે. ભારતના દરેક નાગરિકને તેના જીવનના કોઈ ને કોઈ તબક્કે કોઈ સરકારી અધિકારીને લાંચ આપવાની ફરજ પડી હશે. જો લાંચ આપનારને જેલની સજા કરવામાં આવતી હોય તો ભારતના દરેક નાગરિકને જેલના સળિયા પાછળ ધકેલી દેવા પડે.

આ કારણે ભારતમાં લાંચ આપવી તેને નહીં પણ લાંચ લેવી તેને સામાજિક અપરાધ માનવામાં આવે છે. જો કે લાંચ લેવામાં પણ ભેદ કરવાની જરૂર છે. સરકારી કચેરીના કોઈ પ્યુને કે ક્લાર્કે કોઈ નાગરિક પાસેથી ૨૦૦ કે ૫૦૦ રૂપિયાની લાંચ લીધી હોય તે એક બાબત છે અને સરકાર પર ટોચમાં બેઠેલા અધિકારીએ કોઈ ઉદ્યોગપતિ પાસેથી ૧૦૦ કે ૨૦૦ કરોડ રૂપિયાની લાંચ લીધી હોય તે બીજી બાબત છે. ભારતમાં કાયદાનું તંત્ર એવી રીતે કામ કરે છે કે ૨૦૦ કે ૫૦૦ રૂપિયાની લાંચ લેનારો નાનો માણસ જેલમાં જાય છે અને કરોડો રૂપિયાની લાંચ લેનારાઓ જલસા કરે છે.

ભારતનો કોઈ નાગરિક મજબૂરીવશ કોઈ સરકારી અધિકારીને કે પોલિસને ૨૦૦ કે ૫૦૦ રૂપિયાની લાંચ આપે તેમાં અને અંબાણી કે અદાણી જેવા ઉદ્યોગપતિઓ કોઈ નેતાને ૧૦૦ કે ૨૦૦ કરોડ રૂપિયાની લાંચ આપે તેમાં પણ આભ-ગાભ જેટલું અંતર છે. સામાન્ય નાગરિક જે ૨૦૦ કે ૫૦૦ રૂપિયાની લાંચ આપતો હોય છે તે સરકારી તંત્રની હેરાનગતિથી છૂટવા માટે આપતો હોય છે, જ્યારે મોટો ઉદ્યોગપતિ નેતાને ૧૦૦ કે ૨૦૦ કરોડ રૂપિયાની લાંચ આપતો હોય છે તે સરકારી તિજોરી અને દેશનાં સંસાધનો પર બાદશાહી લૂંટ ચલાવવા માટે આપતો હોય છે. વર્તમાન કેસમાં જો અદાણી જૂથ દ્વારા ભારતના સરકારી અધિકારીઓ કે નેતાઓને ૨,૨૫૦ કરોડ રૂપિયાની લાંચ આપવામાં આવી હોય તો તે સરકારી તિજોરીને તેનાથી ૧૦૦ ગણું નુકસાન પહોંચાડવા માટે જ આપવામાં આવી હશે. આવા કિસ્સામાં લાંચ આપનારો પણ બેઈમાન પુરવાર થાય છે.

અમેરિકાના આરોપ મુજબ અદાણી ગ્રૂપ અને અમેરિકન ઈશ્યુઅરે ભારત સરકારની માલિકીની સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SECI) ને ૧૨ ગીગાવોટ સોલાર પાવર આપવાનો કોન્ટ્રાક્ટ જીત્યો હતો, પરંતુ SECI ભારતમાં સોલાર પાવર ખરીદવા માટે ખરીદદારો શોધી શક્યું ન હતું. આ કારણે બંને કંપનીઓને ભારે નુકસાન થવાનું જોખમ હતું. તેથી અદાણી ગ્રુપ અને એઝ્યુર પાવરે ભારત સરકારના અધિકારીઓને લાંચની ઓફર કરી હતી. ભારતમાં અદાણી જૂથ આ રીતે લાંચ આપીને જ કોન્ટ્રેક્ટો જીતતું આવ્યું છે, પણ તેના પર સરકારના ચાર હાથ હોવાથી તેને ઊની આંચ આવતી નથી, પણ અમેરિકી સરકારે તેમની છેતરપિંડી પકડી પાડી જણાય છે.

અમેરિકામાં અદાણી જૂથ સામે છેતરપિંડીનો કેસ થયો તે પછી ભારતના વિપક્ષો તાનમાં આવી ગયા છે અને ભારતમાં પણ અદાણી જૂથ સામે તપાસની માગણી કરી રહ્યા છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તો તત્કાળ પ્રેસ કોન્ફરન્સ બોલાવીને ગૌતમ અદાણીની ધરપકડ કરવાની માગણી પણ કરી છે, પણ તેમને ખબર નથી કે રેલો તેમના પગ નીચે પણ આવી શકે છે. અદાણી જૂથે ભારત સરકારની કંપની SECI સાથે ૧૨ ગીગાવોટ સોલર પાવર ખરીદવાનો કરાર કર્યો, પણ તેનો ભાવ એટલો ઊંચો હતો કે SECI પાસેથી ઊંચા ભાવની વીજળી ખરીદવા કોઈ રાજ્ય સરકાર તૈયાર થતી નહોતી. તેવી કેટલીક રાજ્ય સરકારોને અદાણી જૂથ દ્વારા કુલ ૨,૨૫૦ કરોડ રૂપિયાની લાંચ આપીને મોંઘી વીજળી ખરીદવા તૈયાર કરવામાં આવી હતી, જેમાં કોંગ્રેસશાસિત છત્તીસગઢની સરકાર પણ સામેલ હતી.

એવો આરોપ છે કે ઓડિશા રાજ્યના અધિકારીઓને ૫૦૦ મેગાવોટ (MW) ઊર્જા ખરીદવા માટે લાખો ડોલરની લાંચની ઓફર કરવામાં આવી હતી. ત્યારે ઓડિશા રાજ્યમાં નવીન પટનાઈકની સરકાર હતી. તેવી જ રીતે આંધ્ર પ્રદેશની ડિસ્કોમ પાસેથી ૭,૦૦૦ મેગાવોટ ઊર્જા ખરીદવા માટે ૨૦ કરોડ ડોલરની લાંચની ઓફર કરવામાં આવી હતી. તે વખતે આંધ્ર પ્રદેશમાં જગન મોહન રેડ્ડીની સરકાર હતી. તેવી જ રીતે તામિલનાડુમાં એમ.કે. સ્ટાલિનની સરકારને પણ લાખો ડોલરની લાંચની ઓફર કરવામાં આવી હતી.

જો કે તેમાં ભાજપે હરખાવાની જરૂર નથી; કારણ કે જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્રનું શાસન હતું ત્યારે તેના રાજ્યપાલને પણ અદાણી જૂથની ઊર્જા ખરીદવા માટે લાંચની ઓફર કરવામાં આવી હતી. જો અદાણી પાસેથી લાંચ લેવાનો આરોપ પુરવાર થાય તો કોંગ્રેસ તથા અન્ય વિપક્ષો સહિત ભાજપના ટોચના નેતાઓ પણ જેલમાં જાય, પણ ભારતમાં ન્યાય તંત્ર મોટા માંધાતાઓને કાયમ સજા કરતું નથી. હા, જો કોઈ નેતા ભાજપની સામે હોય તો તેને જરૂર જેલમાં મોકલવામાં આવે છે. અમેરિકામાં અદાણી જૂથનું જે લાંચ પ્રકરણ બહાર આવ્યું છે તેમાં ભાજપ ઉપરાંત વિપક્ષોનો ભ્રષ્ટ ચહેરો પણ બહાર આવી ગયો છે.

જો ભાજપ ઉપરાંત કોંગ્રેસ, ડીએમકે, વાયએસઆર કોંગ્રેસ, બીજુ જનતા દળ વગેરેના નેતાઓ દ્વારા અદાણી જૂથ પાસેથી ૨૨૫૦ કરોડ રૂપિયાની લાંચ લેવામાં આવી હોય તો તેઓ ક્યા મોઢે અદાણી સામે પગલાં ભરવાની માગણી કરી શકશે? જો લાંચ આપવાના કેસમાં અદાણી જેલમાં જાય તો લાંચ લેવાના કેસમાં ભારતના તમામ રાજકીય પક્ષોના નેતાઓને પણ જેલમાં મોકલવા જોઈએ. ભારતનો કોઈ નેતા પોતાના પગ પર કુહાડો મારવા તૈયાર નહીં થાય. ભારતના રાજકારણીઓ અને અંબાણી તથા અદાણી જેવા ઉદ્યોગપતિઓ મળીને હકીકતમાં ભારતની ગરીબ જનતાના અબજો રૂપિયા લૂંટી રહ્યા છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top