Comments

ક્રીપ્ટોકરન્સી સ્કેમ : રાજકારણમાં આરોપ બીલો ધી બેલ્ટ

આખા વિશ્વમાં રાજકારણ એટલી નીચલી કક્ષાએ પહોંચી ગયું છે કે, વાત ના પૂછો. અમેરિકામાં હમણાં જ ચૂંટણી થઇ અને એમાં ડોનાલ્ડ ટ્રમ્પ ભારે બહુમતીથી જીત્યા પણ એમણે ચૂંટણી પ્રચારમાં જે ભાષાનો ઉપયોગ કર્યો અને પ્રતિસ્પર્ધી કમલા હેરીસ માટે જે શબ્દો વાપર્યા એ જરા ય શોભાસ્પદ નહોતા. પણ આ વાસ્તવિકતા છે. ભારતમાં તો રાજનેતાઓ એકબીજા સામે આરોપ મૂકતા જ રહે છે. બીલો ધી બેલ્ટ.આરોપ અને ભાષા વાપરવામાં આવે છે અને એમાં કોઈને કોઈની શરમ પણ નડતી નથી.

મહારાષ્ટ્રની ચૂંટણી પૂરી થઇ અને બહુ કલુષિત વાતાવરણમાં એ પૂરી થઇ. તા. ૨૩ના એટલે કે આ લેખ વાંચતાં હશો ત્યારે પરિણામો આવવા લાગ્યાં હશે. પણ પ્રચાર પૂરો થયો અને મતદાનના આગલા દિવસે ભાજપે પ્રેસ કોન્ફરન્સ યોજી કોંગ્રેસના પ્રમુખ નાના પટોળે અને શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે સામે જે આક્ષેપો કર્યા એ બહુ ગંભીર છે. આ આક્ષેપોમાં બીટ કોઈન થકી નાણાંકીય વ્યવહારો છે અને એનો ઉપયોગ ચૂંટણીમાં કરાયો છે. કુલ રૂ. ૩૨૫ કરોડનો મામલો છે એવો આરોપ મુકાયો છે. આ માટે ભાજપ દ્વારા ચાર ઓડિયો કલીપ રીલીઝ કરવામાં આવી છે.

ભાજપે એના એક્સ એકાઉન્ટ પર આ ઓડિયો કલીપ મૂકી છે અને એમાં પટોળે અને સુપ્રિયા બીટકોઈન મુદે્ અમિતાભ ગુપ્તા ને ગૌરવ મહેતા સાથે વાત કરતા જણાય છે અને બીટ કોઈનના બદલે રૂપિયામાં કરન્સી આપવાની વાત છે અને આરોપ એક પૂર્વ આઈપીએસ રવીન્દ્રનાથ પાટીલ દ્વારા આક્ષેપ કરાયો છે કે આ નાણાં દ્વારા લોકસભા અને હવે વિધાનસભાની ચૂંટણીમાં વ્યવહારો થયા છે. આ આક્ષેપ બહુ જ ગંભીર છે અને ભાજપે ઓડિયો કલીપના પુરાવા આપી કર્યા છે એટલે સમજી વિચારીને કર્યા હોય એવું સામાન્ય રીતે માનવું પડે.

પણ ઇન્ડિયા ટુ ડે અને બૂમ ફેક્ટ ચેક દ્વારા ચારેય ઓડિયો કલીપને જુદા જુદા ફેકટ ચેક ટૂલમાં ચકાસ્યા તો ખ્યાલ આવ્યો કે , આ તો એઆઈ જનરેટેડ કલીપ છે. એક કલીપ બહુ નાની છે એટલે એ સાચી છે કે ખોટી એ નક્કી કરવું મુશ્કેલ છે. પણ એમાંય ૭૦ ટકા બોગસ હોય એમ જણાયું છે. સુપ્રિયા સુલેએ પણ એને ચેક કરાવી અને તુરંત કહ્યું કે, આ ભાજપનું કાવતરું છે. અમારો અવાજ એમાં નથી અને એ ગૌરવ મહેતાને ઓળખતી જ નથી. પટોળે અને સુલે બંનેએ ચૂંટણી પંચ અને સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરી છે અને ભાજપ પ્રવક્તા સુધાંશુ ત્રિવેદી કે જેણે પત્રકાર પરિષદમાં આરોપ મૂકેલા એમને માનહાનિની નોટીસ આપવાના છે.

ફેક્ટ ચેકના ખુલાસા બાદ ભાજપની કોઈ પ્રતિક્રિયા આવી નથી અને બીજી બાજુ , આ કેસમાં ઈડી અને સીબીઆઇ સક્રિય થઇ ગઈ છે. મહત્ત્વની વાત જે સમયે ભાજપે પ્રેસ કરી આરોપ મૂક્યા એ છે. મતદાનના આગલા દિવસે આવા આરોપ મુકાય એ શંકા ઉપજાવે એવા ગણી શકાય. બીજું કે, રવીન્દ્રનાથ પાટીલ ખુદ ગેરરીતિના આરોપમાં જેલમાં જઈ આવ્યા છે અને એમણે આરોપ મૂક્યા છે. ત્રીજું કે, આ ઓડિયો કલીપ ભાજપ પાસે આવી ક્યાંથી? ભાજપ સાચો છે કે ખોટો? આ પ્રશ્નનો જવાબ મળશે ત્યાં તો મહારાષ્ટ્રનાં પરિણામો આવી ગયાં હશે અને માની લો કે ભાજપના આક્ષેપો ખોટા પુરવાર થાય તો પણ શું? આવા આરોપોથી શરદ પવાર કે કોંગ્રેસની પાર્ટીને નુક્સાન થયું હોય તો એની ભરપાઈ તો નહિ થઈ શકે.

એના કરતાં ય સવાલ મહત્ત્વનો એ છે કે, રાજકીય પક્ષો એક બીજા સામે જે રીતે કાદવ ઉછાળે છે એ ભારતના રાજકારણની કક્ષા કેટલી હદે નીચે ગઈ છે એ દર્શાવે છે. કારણ કે, હવે કોઈ પાર્ટી ભ્રષ્ટાચારથી પર છે એવું કોઈ પણ હિસાબે કહી શકાય એવી સ્થિતિ રહી નથી. મહારાષ્ટ્ર ભાજપના જ મહાસચિવ સાવંત એક હોટેલમાં પ્રચાર પૂરા થયાના બીજા દિવસે રોકડ રકમ સાથે ન પકડાયા એની ફરિયાદ થઇ છે. જો કે, એમણે બચાવ કર્યો છે કે, જે હોટેલમાં એ ઊતર્યા એ વિપક્ષી નેતાની હતી અને એ એટલો મૂર્ખ તો નથી જ કે વિપક્ષી નેતાની હોટેલમાં પૈસા લઇને જાય.

ભાજપમાં અન્ય પક્ષના દાગદાર નેતાઓ આવ્યા અને એમની સામેના કેસ ઢીલા પડી ગયા છે અથવા તો બંધ થયા છે. અજીત પવારે કહ્યું કે, ઓડિયો કલીપમાં સુપ્રિયા સુલેનો અવાજ છે. પણ એમની સામે વડા પ્રધાને જ જાહેરમાં આક્ષેપો કરેલા અને પાછળથી એ ભાજપમાં આવી ગયા. આવી તો લાંબી યાદી બની શકે એમ છે. આજે મોટા ભાગના રાજકીય પક્ષો એકબીજા સામે જે રીતે આક્ષેપબાજી કરે છે એ શરમજનક છે. પણ એની કોઈને શરમ રહી નથી.

વિરોધ વિના ચૂંટાઈ જવું!
આજના રાજકારણમાં વિરોધ વિના ચૂંટાવું અસંભવ છે. અલબત્ત કેટલાક કિસ્સામાં મજબૂત પક્ષ સામેના પક્ષને ફોડી કોઈ જુગાડ કરી લે તો ના બનવાનું બની શકે છે. જેમ ગઈ લોકસભાની ચૂંટણીમાં સુરત બેઠકમાં બન્યું હતું. આવું અન્યત્ર પણ બન્યાના બે ત્રણ કિસ્સા હતા. પણ એકલદોકલ કિસ્સા બની શકે પણ ૧૩,૦૦૦ પદાધિકારીઓની ચૂંટણી હોય અને એમાંથી ૩૦૦૦ લોકો વિના વિરોધે ચૂંટાઈ આવે તો શંકા જવી જોઈએ અને સુપ્રીમ કોર્ટને ગઈ છે.

ઘટના પંજાબની છે. પંજાબમાં હમણાં સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી યોજાઈ અને એમાં ૧૩૦૦૦ પંચાયત પદાધિકારીઓની ચૂંટણીથી અને એમાં ૩૦૦૦ પદાધિકારીઓ વિના વિરોધે ચૂંટાયા છે. ન્યાયાધીશ સંજીવ ખન્ના અને સંજયકુમારની બેન્ચે કહ્યું કે, આટલી મોટી સંખ્યામાં પદાધિકારીઓ વિના વિરોધે ચૂંટાય એવું ક્યારેય જોયું નથી. કોઈએ આ મુદે ફરિયાદ કરી છે અને એવો આરોપ છે કે, ચૂંટણી દરમિયાન એક ઉમેદવારનું ચૂંટણી ચિહ્ન હટાવી દેવાયું હતું. કોર્ટે આ મુદે્ ઈલેકશન ટ્રિબ્યુનલ અને હાઈકોર્ટમાં અરજ કરી શકાય છે. આપણે ત્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શું બને છે એ બધા જાણે છે. એવું જ કદાચ પંજાબમાં બન્યું છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારતમાં આવું બની રહ્યું છે એ ચિંતાજનક છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top