નાનપણથી એક પ્લેયીંગ કાર્ડ જોતા આવેલા. વર્ષો જતાં ક્રમશ: સરકારી કાર્ડની ભરમાર શરૂ થઇ. રેશન કાર્ડ, પાન કાર્ડ, ઇલેકશન કાર્ડ, આધાર કાર્ડ, આભા કાર્ડ, આયુષ્યમાન કાર્ડ વિગેરે. કોઇકમાં નામ પહેલા લખવાનું તો વળી કોઇકમાં અટક પહેલા લખવાની. દરેકની પધ્ધતિ અલગ અલગ પરિણામે શરૂ થઇ વિગતોની વિષમતા (મીસમેચ)ની ફરિયાદ. પાન કાર્ડ-આધાર કાર્ડ લિંક ન થાય. વરિષ્ઠ નાગરિકોના પેન્શનની રકમમાં કપાત શરૂ થઇ જાય. અસરકર્તાની પરેશાનીનો કોઇ પાર નહિ. અલગ અલગ કાર્ડ બનાવી અને પછી તેને લિંક કરવાને બદલે ‘વન નેશન વન ઇલેકશન’ વિચારતી સરકાર ‘વન નેશન વન કાર્ડ’ વિશે પણ વિચારે અને અમલમાં મૂકે એવી વિનંતી જેથી કરી ભવિષ્યમાં પ્રજાને આવી અનેક પરેશાનીમાંથી રાહત મળે.
સુરત – પ્રવીણચંદ્ર એમ. ટેલર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ઘડી બે ઘડી
કીમતી ઘડિયાળને ધારણ કરતા માનવીને સમયની કિંમત કેટલી? હાલના યુગની સૌથી કિંમતી મૂડી સમયને ગણીએ તો તેમાં અતિશયોકિત નથી, કારણ કે આાજના માનવી પાસે તમામ ભૌતિક સુવિધાઓ હોવા છતાં સમય નથી. સાચો અમીર તો એ જ વ્યકિત છે જેની પાસે પોતાની પ્રત્યેક ચીજો, સંબંધો, પ્રકૃતિને માણવા માટેનો સમય છે. નહિતર પૈસા કમાણીનો શો અર્થ? એક ચીજ યાદ રાખવા યોગ્ય છે કે જે પૈસા આજે સુખ આપી શકતો નથી તે ભવિષ્યમાં કયારેય આપી શકે નહી. એટલે જ તો ફાળવો સ્વયંને ઘડી બે ઘડી.
સુરત – દિપ્તી ટેલર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.