દાક્તરી ,ઇજનેરી અને વકીલ તથા વાણિજ્ય વિષયક વગેરે જેવા કોઈ પણ અભ્યાસક્રમોમાં સાહિત્યિક અભિગમ હોવો જોઈએ. અભ્યાસના તમામ સ્તરે અને તમામ ક્ષેત્રોમાં માનવીય મૂલ્યો, આદર્શો અને સિદ્ધાંતોના સર્જન અને સંવર્ધન માટે શિક્ષણ શાસ્ત્રીઓએ સાહિત્યિક જ્ઞાનનું આદાનપ્રદાન ફક્ત વિધાર્થીઓને જ નહીં, માતાપિતા અને વાલીશ્રીઓને પણ સમયાંતરે કરાવતા રહેવાની અતિ આવશ્યકતા જણાય છે. ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન જેવા વિષયોમાં સંશોધકોની શોધ અને સિદ્ધાંતો વિશે વિગતવાર માહિતી હોય છે અને નામનો માત્ર ઉલ્લેખ હોય છે પણ અભ્યાસક્રમમાં કેવી રીતે, કયા કયા મૂલ્યનાં પરિણામ સ્વરૂપે એમણે સફળ સંઘર્ષ કર્યો તેમના જીવન પ્રસંગોનું ભાવનાત્મક વર્ણન ખરેખર પ્રેરક બની શકે.
કોલેજનો જે અભ્યાસક્રમ છે તેમાં પણ ફક્ત વિનયન પ્રવાહના વિદ્યાર્થી સિવાયના અભ્યાસમાં સાહિત્યનો અભ્યાસક્રમ નહીંવત જ હોય છે એટલે સમસ્યા એવી સર્જાય છે કે વિદ્યાર્થી ડોક્ટર, એન્જિનિયર, વકીલ કે સી.એ કે સંશોધક તો બની જાય છે પણ એક સારો સંવેદનશીલ માનવી, એક સહદયી સમજું અને નીતિનિયમનું સાચું પાલન કરનાર સાચો નાગરિક ભાગ્ય જ મેળવી શકાય છે. સશકત સમાજ સર્જન માટે સાહિત્ય રસ વિકસાવવાની તાતી જરૂરિયાત છે. માતૃભાષા અને મૂલ્યો પ્રતિ કાયમી લગાવ રહે તે પણ આ નવલ ‘ભાષા સાહિત્ય વિષય’ શિક્ષણની ઉપલબ્ધિ છે.
સુરત – વિજયકુમાર બારોટ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે