ગામમાં અતિ મહત્ત્વના વ્યક્તિ નગરશેઠ હતા. તેમની પાસે ગરીબ માણસ આવ્યો અને કહ્યું, ‘મારી પાસે કમાવાનું કોઈ સાધન નથી. મને કોઈ માર્ગ દેખાડો.’દયાળુ નગરશેઠે કહ્યું, ‘ગામના પાદરે મારું એક નાનકડું ખેતર છે. તે ખેતર હું તને એક વર્ષ માટે આપું છું. મને કોઈ જ ભાડું જોઈતું નથી અને તેમાં તું ખેતી કરજે. કમાણી કરજે. પછી ધીરે ધીરે તારું જીવન પાટા પર ચડી જશે અને હા, સાથે સાથે હું તને પાંચ સહાયક મજૂર પણ આપું છું જે તને ખેતી કરવામાં મદદ કરશે.’ ગરીબ માણસ તો નગરશેઠની આ દયા જોઈને ખૂબ રાજી રાજી થઈ ગયો.
ઉધારમાં ખેતર અને કામ કરવા માટે સહાયક ખેડૂતો પણ મળી ગયા એટલે ગરીબ માણસ કિસ્મત મહેરબાન થઈ હવે સારી કમાણી થશે, સારો પાક ઊતરશે, તેને મોંઘા ભાવે વેચીશ એવા ખ્યાલોમાં ખોવાઈ ગયો. પાંચ ખેડૂતો પોતાના મરજી મુજબ કામ કરતા કે ન કરતા અને ગરીબ માણસ તો શેખચલ્લીના વિચારોમાં જ ખોવાયેલો હતો. તેણે કોઈ ધ્યાન આપ્યું નહીં.વર્ષ વીતવા લાગ્યું.પાકની કાપણીનો સમય થયો ત્યારે તેણે જઈને જોયું કે પાક તો ખૂબ જ ખરાબ થયો હતો. તેણે જે સપનાં જોયાં હતાં તેમાંનું કંઈ જ થયું ન હતું. પાંચ મજૂર ખેડૂતોએ ખેતરનો ઉપયોગ બરાબર કર્યો ન હતો.
બરાબર કામ કર્યું ન હતું. ન સારાં બીજ વાપર્યાં, ન ખાતર વાપર્યું, પાક બરાબર થયો જ નહીં. નગરશેઠે પોતાનું ખેતર પાછું માંગતાં કહ્યું, ‘એક વર્ષ થઈ ગયું. હવે તને જે કમાણી થઈ હોય તે કમાણીમાંથી તું નવું કામ શરૂ કરજે.’ગરીબ માણસ રડવા લાગ્યો. બોલવા લાગ્યો, ‘હું તો તારાજ થઈ ગયો. તમે બહુ મહેરબાની કરી હતી અને હવે ઘણો પાક થશે અને કમાણી થશે એવા ખ્યાલોમાં હું ખોવાયેલો રહ્યો અને મેં કોઈ ધ્યાન આપ્યું નહીં. આ પાંચ ખેડૂતોએ પોતાની મરજી મુજબ કામ કર્યું અને બરાબર કામ કર્યું નહીં અને તેમની સાથે મેં કામ કર્યું નહીં.
તેમને નિયંત્રણમાં રાખ્યા નહીં અને હું સારી ખેતી કરાવી શક્યો નહીં એટલે મને નુકસાન થયું છે.’ આ વાતમાં ઊંડાણથી ધ્યાન આપીએ. ગામના દયાળુ નગરશેઠ છે ‘ભગવાન’ગરીબ માણસ એટલે ‘આપણે’ અને ખેતર એટલે ‘આપણું જીવન’કે ‘આપણું શરીર’અને ‘પાંચે ઈન્દ્રિયો’એ પાંચ સહાયક ખેડૂત ‘આંખ, કાન, નાક, જીભ અને મન’. ઈશ્વરે આપણને પ્રેમથી આ શરીરરૂપી ખેતર આપ્યું છે જેથી આપણે સારાં કર્મોનો પાક ઊગાડી શકીએ અને સારાં કર્મોમાં મદદરૂપ થવા માટે આપણને ઈશ્વરે પાંચ ઇન્દ્રિયો પણ આપી છે.
પાંચ ઇન્દ્રિયોની મદદથી તેને નિયંત્રણમાં રાખીને સારાં કર્મ કરવાં જોઈએ. મન વચન અને કર્મથી વાણી અને દૃષ્ટિથી હંમેશાં સારાં કામ કરો. હાથ વડે અન્યને મદદરૂપ થાવ. હંમેશા જીવનમાં મસ્તીમાં ખોવાયેલા ન રહો, જાગૃત બની કર્મનું ભાથું બાંધો કે જ્યારે દયાળુ પ્રભુ તેણે આપેલું શરીર પાછું માંગી લે ત્યારે પાપ પુણ્યનો હિસાબ થાય. કર્મનો હિસાબ થાય ત્યારે આપણે રડવું ન પડે. કર્મના લેખાંજોખાંમાં આપણું જમા પાસું હોય માટે સતત સારાં કર્મ કરતાં રહો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે