Entertainment

‘ધ સાબરમતી રિપોર્ટ’ ગુજરાતમાં પણ ટેક્સ ફ્રી બની, ફિલ્મ જોયા બાદ મુખ્યમંત્રીએ લીધો નિર્ણય

વિક્રાંત મેસીની ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ 15 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી અમિત શાહે વખાણી છે. દરમિયાન હવે ગુજરાત સરકારે 2002ની ગોધરા ટ્રેન આગની ઘટના પર આધારિત આ ફિલ્મને રાજ્યમાં ટેક્સ ફ્રી જાહેર કરી છે. અધિકારીઓએ ગુરુવારે આ નિર્ણયની જાણકારી આપી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફિલ્મ જોયા બાદ આ નિર્ણય લીધો હતો.

બુધવારે રાત્રે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે તેના નિર્માતા એકતા કપૂર, બોલિવૂડ અભિનેતા જિતેન્દ્ર, અભિનેત્રી રિદ્ધિ ડોગરા અને ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી સાથે એક થિયેટરમાં ફિલ્મ જોઈ હતી. મુખ્યમંત્રીએ ફિલ્મની પ્રશંસા કરી અને તેને ગુજરાતમાં કરમુક્ત બનાવવાનો નિર્ણય કર્યો તેવું એક સત્તાવાર રિલીઝમાં જણાવાયું છે. આ સિવાય આ અઠવાડિયાની શરૂઆતમાં રાજસ્થાન, હરિયાણા, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશે પણ આ ફિલ્મને ટેક્સ ફ્રી જાહેર કરી હતી. ફિલ્મ ટેક્સ ફ્રી થવાથી તેની ટિકિટના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે જેનાથી વધુ દર્શકો તેને જોઈ શકશે.

આ ફિલ્મ ગોધરા આગની ઘટના પર બની છે
ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ 27 ફેબ્રુઆરી, 2002ના રોજ ગોધરા સ્ટેશન નજીક સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના એક ડબ્બામાં લાગેલી આગની ઘટના પર આધારિત છે જેમાં 59 લોકોના મોત થયા હતા. મૃતકોમાં મોટાભાગના કાર સેવકો હતા. આ ઘટનાને પગલે ગુજરાતમાં વ્યાપક રમખાણો ફાટી નીકળ્યા હતા જે રાજ્ય અને દેશના ઈતિહાસમાં એક સંવેદનશીલ મુદ્દો બની ગયો હતો.

જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ આજે ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ જોવા માટે આવ્યા હતા. આ દરમિયાન તેમની સાથે ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક અને અન્ય નેતાઓ હાજર હતા. આ પછી આ ફિલ્મને ઉત્તર પ્રદેશમાં પણ ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરવામાં આવી છે.

Most Popular

To Top