સુરતઃ શહેરના રેલવે ટ્રેક પરથી કતારગામમાં રહેતા કર્મકાંડી બ્રાહ્મણ યુવકનું ટ્રેન અડફેટે મોત થયું છે. યુવકના શરીરના ટ્રેન નીચે કપાઈ બે કટકા થઈ ગયા છે. છેલ્લે યુવક રેલવે ટ્રેક તરફ બે મિત્રો સાથે જતો દેખાયો હતો. આશંકા છે કે યુવકે નશો કર્યો હોઈ શકે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કતારગામના ધનમોરા ખાતે રહેતા 22 વર્ષીય અજય હરીશચંદ્ર જોશીનું ટ્રેન નીચે કપાઈ મોત થયું છે. તે માતા સાથે રહેતો હતો. કર્મકાંડ કરી ગુજરાન ચલાવતો હતો. તેના પિતાનું થોડા વર્ષો પહેલાં અવસાન થયું હતું. અજયને એક બહને છે, જે લંડનમાં રહે છે.
દિવાળી પર્વે માતા-પુત્ર બંને પોતાના વતન ગયા હતા. બાદમાં લાભ પાંચમના દિવસે અજય જોશી પરત સુરત ઘરે આવી ગયો હતો. મોડી રાત્રે મૃતક હાથમાં કાળી થેલી સાથે બે મિત્રને લઈને બાઈક પર જતા દેખાયા હતા.
રેલવે પોલીસને સુમુલ ડેરી રોડ પર આવેલા પાર્સલ ઓફિસ નજીક વોશિંગ યાર્ડ પાસેથી અજયનો મૃતદેહ મળ્યો હતો. યુવકના શરીરના કટકા થઈ ગયા હતા. રેલવે પોલીસને મૃતક અજય પાસેથી આધારકાર્ડ મળી આવ્યું હતું. જેના આધારે પોલીસે પરિવારનો સંપર્ક કર્યો હતો.
રસોઇ બનાવતી વખતે મગદલ્લાની મહિલા અચાનક જ ઢળી પડી
સુરત : મગદલ્લા ખાતે આવેલા રણછોરનગરમાં રહેતી મહિલા ગઈકાલે જમવાનું બનાવતી વખતે જ ઢળી પડી હતી. જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અહીં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. તેનું હાર્ટએટેકથી મોત થયું હતું.
નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશની વતની અને હાલ મગદલ્લાના ખાતે આવેલી રણછોડનગર સોસાયટીમાં રહેતી 35 વર્ષીય હીરામતીદેવી સોનલાલ દાસનો પતિ ટ્રક ડ્રાઈવિંગ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે રાત્રિના સમયે તેઓ તેમના પતિ માટે જમવાનું આપતા હતા એ વેળા અચાનક જમીન પર ઢળી પડ્યા હતા.
તેમનો પતિ તેમને 108 દ્વારા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. હોસ્પિટલમાં હાજર તબીબોએ હીરામતીદેવીને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. હીરામતીદેવીનું મોત હાર્ટ એટેક થઈ હોવાની શક્યતા તબીબોએ દર્શાવી હતી.