સીતા હરણ બાદ, હનુમાનજીએ સીતાજીની શોધ કરી, સીતાજી રાવણની લંકામાં અશોકવાટિકામાં છે. તે જાણ્યા બાદ ભગવાન રામે વાનર અને રીંછોની સેના સાથે લંકા તરફ કુચ કરી રામ નામના પથ્થરથી રામસેતુ બાંધી લંકા પહોંચ્યા. અંગદ દ્વારા શાંતિ સંદેશ મોકલ્યો વિભિષણએ પણ લંકાપતિ રાવણને સમજાવ્યો કે ભગવાન રામ સાથે યુદ્ધ ન કરે પરંતુ અભિમાની રાવણ ન માન્યો. રામ અને રાવણની સેના વચ્ચે ભીષણયુદ્ધ થયું મેઘનાદ હણાયો, કુંભકર્ણ મર્યો, વિભીષણએ રામનું શરણું સ્વીકાર્યું, રાવણ યુદ્ધે ચડ્યો અંતે ભગવાન રામે રાવણની નાભિમાં બાણ મારી તેનો અંત કર્યો. પુષ્પક વિમાનમાં બેસી ૧૪ વર્ષનો વનવાસ પૂરો કરી ભગવાન રામ, સીતા, લક્ષ્મણ, હનુમાન, સુગ્રીવ સાથે અયોધ્યા પહોંચ્યા. અયોધ્યામાં ચોતરફ દીવા સજાવી વિજયી રામસેનાનું અને રામ લક્ષ્મણ જાનકીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સ્વાગત સમારોહ બાદ ભગવાન રામ માતા કૌશલ્યાને મળવા ગયા. માતાને વંદન કર્યા અને કહ્યું, ‘મા, ૧૪ વર્ષના વનવાસથી થાક્યો છું. તારા ખોળાની સુગંધ માણી નથી આજે તમારા ખોળામાં માથું ઢાળી વર્ષોનો થાક ઉતારવો છે.’
આટલું બોલી ભગવાન રામ માતા કૌશલ્યા ન ખોળામાં માથું મૂકી સુતા માતા કૌશલ્યા થોડીવાર વ્હાલથી પુત્ર રામના વાળમાં હાથ પરસાવતા રહ્યા પછી ધીમેથી પૂછ્યું, ‘પુત્ર આટલા બળશાળી મહામાયાવી દાનવરાજ રાવણને તે માર્યો મને તારા પર ગર્વ છે પરંતુ તું કઈ રીતે જીત્યો?’ ભગવાન શ્રી રામે બહુ જ સુંદર જવાબ આપતા કહ્યું, ‘માતા, મહાજ્ઞાની મહામાયાવી મહાપ્રતાપી મહાબલશાળી પ્રકાંડ પંડિત મહાન શિવભક્ત ચાર વેદોના જ્ઞાની શિવ તાંડવ સ્તોત્રના રચયિતા કૈલાસને ઊંચકી લેનારા મહાન લંકેશ રાવણને મેં નથી માર્યો પરંતુ રાવણને તેના પોતાના ‘મેં’ એટલે કે પોતાના ‘હું પણા’ એ તેના પોતાના અભિમાને માર્યો છે.’ રાવણ તેના અભિમાનને લીધે મર્યો; માટે ક્યારેય અભિમાન ન કરો, અભિમાન સર્વનાશ નોતરે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.