મોટેભાગે દરેક મકાનમાં છતની નીચે દીવાલમાં કરવામાં આવતી પાટિયાંની કે પાકી છાજલી જે સરસામાન મૂકવા માટેની વ્યવસ્થા એટલે અભરાઈ. નવાં બંધાતા મકાનોમાં આ વ્યવસ્થા જોવા મળતી નથી. અભરાઈ હોય અને તેમાં પાટિયાના દરવાજા બનાવી દેવામાં આવે તો સરસામાન કોઈની નજરમાં આવતો નથી. દિવાળીના તહેવારો પહેલાં અભરાઈની સફાઈ અઘરી પડી જાય! અભરાઈએ ચડાવેલી દીધેલી ચીજ-વસ્તુઓમાં કામની અને નકામી વસ્તુઓ પણ જોવા મળે. બીજી પણ એક અભરાઈ છે.
જેમકે દરેક વ્યકિતની કામ કરવાની અને વિચારવાની રીત પણ અલગ હોય. કોઈક વળી જે કામ હાથમાં કે તે પૂર્ણ કરીને જંપે, તો વળી કેટલાક કામને અને વિચારને અભરાઈએ ચડાવી દે. આમ કામ કે વિચારને અભરાઈ પર ચડાવનાર કામને એક ચોક્કસ સમયમર્યાદામાં સમાપ્ત કરી શકતા નથી અને તણાવમાં આવી જાય છે. છેલ્લા દિવસોમાં કામ કરવાની ટેવવાળા બીજાને પણ તકલીફ આપે છે. કોઈ કામને કોરે મૂકવું કે મન પર ન લેવું ક્યારેક ગેરફાયદાકારક બની જાય એવું બને. કેટલીક વાર આદર્શોનું અમલીકરણથી ફાયદા મળે પણ કોઈ શીખ, ઉપદેશ અને માનવીય આદર્શોને અભરાઈ પર ચડાવી દેવાથી તકલીફ વધી જાય છે. ખોટી વાતો, ખોટા વિચારોને અભરાઈએ ચડાવીએ અને માનવીય મૂલ્યો અને આદર્શોનું પાલન કરવામાં જ સમજદારી છે.
નવસારી – કિશોર આર. ટંડેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ક્રૂર આનંદની કોઈ સીમા હોય ખરી કે નહી?
હમણાં અત્યંત નજીકના ભૂતકાળમાં બનેલી પાટણની ધારપુર મેડીકલ કોલેજમાં રેગિંગની ઘટનાએ ઉપરોક્ત શીર્ષક યાદ કરાવ્યું. રેગિંગ આજકાલની વાત નથી, વર્ષોથી ચાલતી આવતી બાબત છે પણ તે જેનું રેગિંગ કરવામાં આવ્યું હોય તે આત્મહત્યા કરે ત્યાં સુધી રેગિંગ કર્યા જ કરે તો એ ચોક્કસ જ ક્રૂર આનંદ લેવાની હદ વટાવી જાય છે. આવા કિસ્સાઓમાં લાગતી વળગતી કોલેજના સત્તાધીશોએ રેગિંગ કરનારા વિદ્યાર્થીઓ સામે કડક અને અત્યંત સખ્તાઇ ભરેલા દાખલારૂપ પગલા લેવા જ જોઈએ જેથી ભવિષ્યમાં કોઈપણ આવો ક્રૂર આનંદ લેતા પહેલા બે વાર વિચાર કરે. તા.૧૮ નવેમ્બર ૨૦૨૪ના ગુજરાતમિત્રના તંત્રીલેખમાં સાચું જ લખ્યું છે કે કોલેજોમાં બનતી રેગિંગની ઘટનાઓ અટકાવવી જરૂરી છે.
સુરત – સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.