પાલિકાની દબાણ શાખાએ નાગરવાડા- મચ્છીપીઠના રસ્તા પરના દબાણોનો સફાયો કર્યો, તાંદલજામાં પણ કાર્યવાહી
.
વડોદરા મહાનગર પાલિકાની દબાણ શાખાએ છેલ્લા ઘણા દિવસથી દબાણો દૂર કરવાનું બંધ કર્યું હતું, ત્યારે ગતરોજ ભાજપના પૂર્વ કોર્પોરેટરના એક ના એક પુત્ર તપનની બાબરે હત્યા કરી નાખી હતી. લુખ્ખા અને સામાજિક તત્વો દ્વારા બેફામ બની વિસ્તારમાં દહેશત ફેલાવવાનું કામ કરવામાં આવ્યું હતું. ત્યારે પાલિકા તંત્રે પોલીસ ને સાથે રાખી મંગળવારે સાંજે ડમપ્પર , JCB સહિતના સાધનો લઈ નાગરવાડા મચ્છીપીઠ વિસ્તાર અને તાંદલજામાં કાર્યવાહી કરી હતી . મુખ્યમાર્ગ પરના દબાણો.દુર કરવામાં આવ્યા હતા. સંવેદનશીલ વિસ્તારમાં દબાણો દુર કરવાની કામગીરીમાં કારેલીબાગ પોલીસે બંદોબસ્ત પૂરો પડ્યો હતો.
શહેરના કારેલીબાગ પોલીસ મથકથી નાગરવાડા થઈને મચ્છીપીઠ અને ત્યાંથી સલાટવાડા તરફના રસ્તા રેસા પરના દબાણો દૂર કરવાની તજવીજ આજે દબાણ શાખા દ્વારા હાથ ધરવામાં આવી હતી. નાગારવાડા ચાર રસ્તાથી રોડ રસ્તાના અડીને આવેલી ખુલ્લી જગ્યામાં ગેરેજ તેમજ જંપર રીપેરીંગના નામે દુકાનો ખોલીને દબાણો કરવામાં આવ્યા હતા. આ સાથે રોડ પર ખાણી પીણીની લારીઓ અને દુકાનો દ્વારા વધુ પડતા શેડના બંધકામ પણ કરી દેવામાં આવ્યા હતા. આ તમામ દબાણો દૂર કરવા આજે પાલિકાની દબાણ શાખાની ટિમ પહોંચી ગઈ હતી.
જ્યારે લગભગ 5 થી 7 જેટલી ટ્રક ભરીને દબાણોનો સફાયો કરવામાં આવ્યો હતો. સંવેદનશીલ વિસ્તારમાં દબાણની કામગીરી માટે કારેલીબાગ પોલીસે ખડેપગે બંદોબસ્ત પૂરો પાડ્યો હતો. આ સાથે વહીવટી વોર્ડ 7ના અધિકરીઓ પણ હાજર રહ્યાં હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, વારંવાર આ રોડ પર પાલીકા દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવે છે. તેમ છતાંય આડેધડ દબાણો ફરી વાર ગોઠવાઈ જાય છે. આજે દબાણો દૂર કર્યા બાદ ફરી વાર જ્યારે દબાણો ઉભા થશે ત્યારે પાલિકા દ્વારા વહીવટી શુલ્ક ના નામે પાવતી ફાડીને દંડ કરવામાં આવશે અને ફરી વાર દબાણોને મોકળું મેદાન મળી જશે. કારણ કે કોઈ મોટી દુર્ઘટના જેમાં કોઈ જાનહાની થાય કોઈ અનહોની થાય ત્યાર પછી જ વડોદરા પોલીસ અને વડોદરા પાલિકા તંત્ર કુંભકરણ નિંદ્રામાંથી જાગે છે.