મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી વચ્ચે શિવસેના પ્રમુખ અને મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે હું મહારાષ્ટ્રના સીએમ પદની રેસમાં નથી. શિંદેએ કહ્યું કે મહાયુતિમાં સીએમ પદ માટે કોઈ રેસ નથી. તેમણે કહ્યું કે અમારી રેસ મહારાષ્ટ્રમાં મહાયુતિને બહુમતી સાથે સરકાર લાવવાની છે. મહારાષ્ટ્રનો વિકાસ કરવાનો અર્થ છે લોકોના જીવનમાં સુધારો કરવો અને તેમના જીવનમાં પરિવર્તન લાવવું.
કોણ બનશે સીએમના પ્રશ્ન પર તેમણે કહ્યું કે સમય આવ્યે તે ખબર પડશે. હું મહારાષ્ટ્રની સુખાકારી ઈચ્છું છું. તેમણે કહ્યું, મને શું મળશે? તેના કરતાં વધું હું એ વિચારું છું કે મહારાષ્ટ્રના લોકોને આનાથી શું મળશે, આપણા લોકોને આનાથી શું મળશે?, તેમણે એમ પણ કહ્યું કે એ પણ નિશ્ચિત છે કે સીએમ મહાયુતિના જ હશે.
આ પહેલા પણ સીએમ પદના સવાલ પર શિંદેએ કહ્યું હતું કે અમારો મુખ્ય ઉદ્દેશ્ય મહાયુતિ સરકારને સત્તામાં લાવવાનો છે. અમારું ધ્યાન વિકાસ પ્રક્રિયાને વેગ આપવા પર પણ છે. જ્યારે મહારાષ્ટ્ર વિરોધી અને વિકાસ વિરોધી મહા વિકાસ આઘાડીએ રાજ્યમાં અઢી વર્ષ શાસન કર્યું ત્યારે રાજ્ય એક દાયકા પાછળ ગયું હતું. જો MVA ફરી સત્તામાં આવશે તો રાજ્ય અને લોકોને ભારે નુકસાન થશે.
અમને કોઈ ઉતાવળ નથીઃ એકનાથ શિંદે
તેમણે કહ્યું હતું કે, મુખ્યમંત્રી કોણ બનશે તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. અમને કોઈ ઉતાવળ નથી. ચૂંટણી પછી ભાજપ, શિવસેના અને એનસીપીના નેતાઓ અને ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ સાથે બેસીને ચર્ચા કરીશું અને ત્યાર બાદ જ સીએમ પદ અંગે નિર્ણય લઈશું. અમે કોઈ પદ માટે નહીં પરંતુ મહારાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે સાથે આવ્યા છીએ.
આ સાથે શિંદેએ દાવો કર્યો હતો કે વિપક્ષી નેતાઓની કડવી ટીકા છતાં પણ મહાયુતિ ગઠબંધન ફરી એકવાર વિધાનસભા ચૂંટણીમાં જંગી બહુમતી મેળવીને સરકાર બનાવશે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં સત્તારૂઢ મહાયુતિ ગઠબંધનમાં શિંદેની આગેવાની હેઠળની શિવસેનાની સાથે ભાજપ અને અજિત પવારની આગેવાનીવાળી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનો સમાવેશ થાય છે.