નાના બાળકો સૌને પ્રિય હોય. એમની નિર્દોષતા સહુને આનંદિત કરતી રહે છે. ખાસ કરીને માતા પિતા તથા દાદા દાદીને અત્યંત પ્રિય હોય છે. કહેવાય છે કે મૂડી કરતા વ્યાજ વધુ વહાલુ લાગે.! બાળકોનો ઉછેર અતિ શ્રીમંત પરિવારમાં વધુ પડતા લાડકોડથી થયો હોય તો કયારેક એ બાળક વધુ પડતુ જીદ્દી અને ઉધ્ધત બની જવાની શકયતા રહેલી હોય છે. કયારેક રડીને જીદ કરીને સ્વયંની માંગણી પૂર્ણ કરવાની અયોગ્ય જીદ પણ કરતુ હોય છે. કોઇકને ત્યાં અતિથિ થઇને જવાનું બને તો ત્યાં ધમાલ મચાવી નુકસાન કરી બેસે છે! અમુક માતા પિતા એ સમયે આંખ આડા કાન કરી બાળકને રોકતા પણ નથી! આ બાબત સંપૂર્ણપણે અયોગ્ય લેખાય. નિર્દોષ તોફાન અને શિશુસહજ ચેષ્ટા સહ્ય થઇ શકે પણ નુકસાન કોઇ અન્ય વ્યકિત કઇ રીતે સહન કરી શકે?
બાળકને માર મારવાની બિલકુલ આવશ્યકતા નથી પણ શૈશવકાળથી જ અમુક ગેરવર્તણૂક પર ક્રોધિત આંખ દ્વારા અવશ્ય રોકી શકાય. શ્રેષ્ઠ સંસ્કાર સિંચન એને શ્રેષ્ઠ નાગરિક અવશ્ય બનાવી શકે. કારણ કે શૈશવકાળના સંસ્કાર સિંચનની છાપ બાળમાનસ પર આજીવન રહે જ છે. અર્થાત બાળકના જીવનમાં શિસ્ત અનિવાર્ય હોવું જરૂરી. વડીલોનો આદર, નમ્રતા, સાહસિકતા, સંજોગો સામે સંઘર્ષ, વાંચન, સહનશીલતા, નિષ્ફળતાનો સ્વીકાર વિ. અનેક સંસ્કાર સિંચન બાલ્ય અવસ્થાથી થાય તો બાળક જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરી પ્રગતિશીલ અવશ્ય બની શકે. પ્રેમથી સમજાવટ અને બિનહાનિકારક શિક્ષા જરૂર અમલમાં મૂકી શકાય.
સુરત – નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.