રિફાઈનરી પાસેથી ટેન્કો તેમજ કેમિકલ ને લગતી ટેકનીકલ માહિતી મેળવી :
( પ્રતિનિધિ )વડોદરા,તા.17
વડોદરા નજીક કોયલી ગામ પાસે આવેલી ગુજરાત રિફાઈનરીમાં બ્લાસ્ટ બાદ લાગેલી આગનું ચોક્કસ કારણ જાણવા એફએસએલની ટીમ દ્વારા બ્લાસ્ટ થયેલ બંને ટેન્કમાંથી સેમ્પલ લઇ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વડોદરામાં ગુજરાત રિફાઇનરી કંપનીમાં થયેલા બ્લાસ્ટ બાદ લાગેલી આગમાં બે કર્મચારીઓના મોત થયા હતા.જે બાદ તંત્ર દ્વારા તપાસનો ધમધમા શરૂ થયો છે.ત્યારે આગનું ચોક્કસ કારણ જાણવા માટે ફોરેન્સિક ટીમ દ્વારા રિફાઇનરી કંપનીમાં બેન્ઝીન ટેંકોમાંથી પાંચ પાંચ સેમ્પલ લઇ પોલીસે પંચનામુ કર્યું છે અને આ રિપોર્ટ પોલીસને આપવામાં આવશે. આ ઉપરાંત ફોરેન્સિકની ટીમે રિફાઇનરીમાં લાગેલી આગનું ચોક્કસ કારણ જાણવા માટે તેમજ ભવિષ્યમાં સલામતીના અગાઉથી પગલાં લઈ શકાય તે માટે ફોરેન્સિક નિષ્ણાંતોની પણ મદદ લીધી છે. રિફાઇનરી પાસેથી ટેન્કો તેમજ કેમિકલને લગતી ટેકનીકલ માહિતી મેળવી હતી. ફોરેન્સિક નિષ્ણાતો દ્વારા ટૂંક સમયમાં પોલીસને રિપોર્ટ કરાશે. ત્યારબાદ આગનું સાચું કારણ જાણી શકાશે. રિફાઇનરીમાં બેન્ઝીનની ટેન્કમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ લાગતા આશરે દોઢ બે કિલોમીટર સુધીનો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો અને બાજુની બીજી ટેન્કમાં બ્લાસ્ટ થતા આગને કાબુમાં લેવા માટે સ્થાનિક તેમજ જિલ્લા બહારથી મળી કુલ 49 જેટલા ફાયર ટેન્ડરો કામે લાગ્યા હતા. જ્યારે આ દુર્ઘટનામાં આણંદના તારાપુર અને કોઈલી ગામના બે કામદારોના મોત પણ થયા હતા. હાલ આ ઘટના બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ત્યારે આ બ્લાસ્ટ કેવી રીતે થયો અને આગ લાગી તેનું ચોક્કસ કારણ બહાર આવશે.