નવી દિલ્હીઃ શુક્રવારે મણિપુર-આસામ બોર્ડર (Manipur Aasam Border) પાસે ત્રણ મહિલાઓના મૃતદેહ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. થોડા દિવસ પહેલા જ જીરીબામમાં આતંકવાદીઓએ એક પરિવારના છ સભ્યોનું અપહરણ કર્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ લાશ ગુમ થયેલી મહિલાઓના છે.
મણિપુરના જીરીબામમાંથી સોમવારથી ગુમ થયેલા (અપહરણ) છ લોકોમાંથી ત્રણના મૃતદેહ શુક્રવારે સાંજે આસામ-મણિપુર બોર્ડર પર આવેલા જીરીમુખમાંથી મળી આવ્યા હતા. આ લોકોનું થોડા દિવસો પહેલા જીરીબામના કેમ્પમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિલચર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તેમના મૃતદેહો જીરી નદીમાં તરતા જોવા મળ્યા હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર પોલીસને માહિતી મળી હતી કે જીરી નદીમાં એક લાશ તરતી જોવા મળી હતી. આ પછી આસામ રાઈફલ્સના જવાનોએ તે લાશને બહાર કાઢી હતી. પરિવારના સભ્યોએ હજુ સુધી મૃતદેહોની ઓળખ કરી નથી પરંતુ તેમના વર્ણન 6 માંથી 3 ગુમ થયેલા લોકો સાથે મેળ ખાય છે.
થોડા દિવસો પહેલા મણિપુરમાં સુરક્ષા દળોએ ઓછામાં ઓછા 11 સશસ્ત્ર કુકી આતંકવાદીઓને ઠાર માર્યા હતા, જેઓ 11 નવેમ્બરે બપોરે 3:30 વાગ્યે જીરીબામ જિલ્લાના બોરોબેકરામાં એક પોલીસ સ્ટેશન પર હુમલો કરવા આવ્યા હતા. કુકી આતંકવાદીઓએ જીરીબામમાં બોરોબેકરા ખાતે સીઆરપીએફ કેમ્પ પર હુમલો કર્યો. સીઆરપીએફ (CRPF) એ પણ જવાબી કાર્યવાહી કરી અને એન્કાઉન્ટરમાં ઓછામાં ઓછા 11 કુકી આતંકવાદીઓ માર્યા ગયા હતા હતા.
આ હુમલા બાદ ત્રણ મહિલાઓ અને ત્રણ બાળકો ગુમ થયા હતા. એવું કહેવાય છે કે આ 6 સભ્યોનું કુકી આતંકવાદીઓ દ્વારા જીરીબામમાં અપહરણ કરવામાં આવ્યું હતું. હવે આ અપહરણ કરાયેલા ત્રણ લોકોના મૃતદેહ જીરીમુખમાંથી મળી આવ્યા છે.
મણિપુરમાં હિંસા કેવી રીતે શરૂ થઈ?
મણિપુરમાં હિંસા ગયા વર્ષે 3 મેના રોજ શરૂ થઈ હતી, જ્યારે મણિપુર હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ કુકી-જો આદિવાસી સમુદાય દ્વારા પ્રદર્શન દરમિયાન આગચંપી અને તોડફોડ કરવામાં આવી હતી. મેતૈઈ સમુદાયે મણિપુર હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને માંગ કરી હતી કે તેમને જનજાતિનો દરજ્જો આપવામાં આવે.
મેતૈઈ સમુદાયે દલીલ કરી હતી કે 1949માં મણિપુરનું ભારતમાં વિલીનીકરણ થયું હતું. તે પહેલા તેમને આદિજાતિનો દરજ્જો હતો. અરજી પર સુનાવણી પૂર્ણ થયા બાદ મણિપુર હાઈકોર્ટે રાજ્ય સરકારને ભલામણ કરી હતી કે મેતૈઈ સમુદાયને અનુસૂચિત જનજાતિ (ST)માં સામેલ કરવા માટે વિચારણા કરવામાં આવે.