દિલ્હીમાં વધતું પ્રદૂષણ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. સ્થિતિ એવી છે કે વધતા પ્રદૂષણને કારણે દિલ્હી ફરી એક વાર ગેસ ચેમ્બરમાં ફેરવાઈ ગયું છે. સતત બીજા દિવસે હવાની ગુણવત્તા સૂચકાંક ૪૦૦ની ઉપર રહ્યો હતો. દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) ગઈ કાલે ૪૧૮ પર નોંધાયો હતો, જે આજે છ પોઈન્ટ વધીને ૪૨૪ થઈ ગયો છે. નવેમ્બર મહિનામાં એક પણ દિવસ એવો નથી ગયો જ્યારે હવાની ગુણવત્તા સ્વાસ્થ્યની દૃષ્ટિએ સુરક્ષિત હોય. દિવાળી બાદથી પરિસ્થિતિ દિનપ્રતિદિન વણસી રહી છે. એવું નથી કે દેશમાં વધતું પ્રદૂષણ માત્ર રાજધાની દિલ્હી પૂરતું જ સીમિત છે. દિલ્હીની જેમ, ચંદીગઢમાં પણ પ્રદૂષણનું સ્તર કટોકટીના સ્તરે પહોંચી ગયું છે, જ્યાં AQI ૪૧૨ નોંધવામાં આવ્યો છે. જ્યારે ગઈ કાલે ઈન્ડેક્સ ૩૭૨ નોંધાયો હતો.
દર વર્ષે દિવાળી આવે ત્યારે રાજધાની દિલ્હીમાં પ્રદૂષણ ચિંતાજનક સ્તરે વધી ગયું હોવાના હેવાલો આવે છે અને તેના દોષનો ટોપલો પંજાબ અને હરિયાણાના કિસાનો પર ઢોળવાના પ્રયાસો થાય છે. હકીકતમાં દિલ્હીના પ્રદૂષણ માટે કિસાનો દ્વારા બાળવામાં આવતી પરાળ કરતાં પણ વધુ જવાબદાર દિલ્હીનાં વાહનો અને કારખાનાંઓમાંથી નીકળતો ઝેરી ધુમાડો છે. દિલ્હીમાં વાયુ પ્રદૂષણ વર્ષાઋતુ સિવાય આખું વર્ષ ચાલુ રહે છે.
તેની ચર્ચા સરકાર અને સામાન્ય જનતા વચ્ચે ભાગ્યે જ થાય છે, પરંતુ દર વર્ષે ઑક્ટોબર મહિનામાં ઉત્તર-પશ્ચિમ ભારતમાંથી ચોમાસું પાછું ખેંચવાની સાથે દીપોત્સવ જેવા તહેવારો રાષ્ટ્રીય રાજધાની પ્રદેશમાં વાયુ પ્રદૂષણની સમસ્યાને વધુ ગંભીર બનાવે છે. આ વર્ષે દીપોત્સવ પર ફટાકડા ફોડવાને કારણે મેદાનોથી પર્વતો સુધી હવા ઝેરી બની ગઈ હતી અને દહેરાદૂન જેવા પર્વતીય વિસ્તારોમાં પણ એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) સ્તર ૫૬ થી પાંચ ગણો વધીને ૨૮૮ થઈ ગયો હતો. રાષ્ટ્રીય રાજધાની પ્રદેશમાં ગીચ વસ્તી, બિનઆયોજિત શહેરીકરણ, કારખાનાંઓ અને પાવર હાઉસોની ચીમની, રસ્તાઓ પર દોડતાં લાખો વાહનોને કારણે મોટા ભાગના વિસ્તારો આખા વર્ષ દરમિયાન પ્રદૂષિત રહે છે.
આ વૈજ્ઞાનિક તથ્યોથી વિપરીત મિડિયા અને દિલ્હી સરકાર રાષ્ટ્રીય રાજધાની પ્રદેશમાં વાયુ પ્રદૂષણ માટે પરાળ બાળવાની પ્રવૃત્તિને દોષિત ઠેરવે છે તે ખેડૂતો વિરુદ્ધનું ઊંડું કાવતરું છે અને વાયુ પ્રદૂષણ ફેલાવનારાઓને બચાવવાનો નિંદનીય પ્રયાસ છે. આ વાયુ પ્રદૂષણના ઉકેલો તરફ પીઠ ફેરવવા સમાન છે. ઑક્ટોબર મહિનામાં અમૃતસર (પંજાબ) અને અન્ય ભાગોમાં સરેરાશ ૪ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો હોય છે. આ પવન ૫૦૦ કિલોમીટર દૂર દિલ્હી સુધી પરાળ સળગવાનો ધુમાડો લઈ જાય તે એક હાસ્યાસ્પદ કલ્પના છે. પરાળ સળગાવવાથી સ્થાનિક વિસ્તારમાં ગંભીર પ્રદૂષણ થાય છે, તેને રોકવા માટે દરેક શક્ય પ્રયાસો કરવા જોઈએ.
ઑક્ટોબર-નવેમ્બર મહિનામાં મોસમી ફેરફારો, પવનની ગતિમાં સ્થિરતા અને હિમાલયમાંથી આવતી ઠંડી હવાના પ્રવાહ વગેરેને કારણે આ પ્રદૂષણ વધુ ગંભીર બની જાય છે, કારણ કે તે પછી ધુમાડો વાતાવરણની ઉપરની સપાટી પર જતો નથી પણ ઘટ્ટ થાય છે. શિયાળામાં ઓછી ઝડપે ફૂંકાતો પવન આ પ્રદૂષકોને અસરકારક રીતે દૂર લઈ જવામાં અસમર્થ હોય છે. હકીકતમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હી પ્રદેશના વાયુ પ્રદૂષણમાં પરાળનું સરેરાશ વાર્ષિક યોગદાન લગભગ નહિવત્ છે. ભારતીય ઉષ્ણ કટિબંધીય હવામાનશાસ્ત્ર સંસ્થાના ગ્રાફ અનુસાર ઓક્ટોબર ૨૦૨૪ માં દિલ્હીના વાયુ પ્રદૂષણમાં કિસાનો દ્વારા બળાતી પરાળનો હિસ્સો માત્ર ૨૬ દિવસ માટે પાંચ ટકાથી ઓછો અને બાકીના પાંચ દિવસ માટે ૧૫ ટકાથી ઓછો હતો. તેના પરથી સાબિત થાય છે કે દિલ્હીમાં ૯૫ ટકા વાયુ પ્રદૂષણ માટે સ્થાનિક કારણો જવાબદાર છે.
સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટ (CSE) દ્વારા તાજેતરમાં કરવામાં આવેલું વિશ્લેષણ દર્શાવે છે કે દિલ્હીની નબળી હવાની ગુણવત્તા માટે PM ૨.૫ સ્તરના ૯૫ ટકા માટે સ્થાનિક પ્રદૂષણ સ્રોતો જવાબદાર છે. આ માટે મુખ્યત્વે પેટ્રોલ અને ડિઝલથી ચાલતાં વાહનોમાંથી થતું કાર્બન ડાયોક્સાઈડ વાયુનું ઉત્સર્જન જવાબદાર છે. CSEના વિશ્લેષણ મુજબ ખાસ કરીને પરિવહન ક્ષેત્રનાં વાહનો અડધાથી વધુ પ્રદૂષણ માટે જવાબદાર છે. ત્યાર બાદ રહેણાંક વિસ્તારોમાં બાળવામાં આવતાં બળતણને કારણે પેદા થતો ધુમાડો (૧૩ ટકા), ઉદ્યોગો દ્વારા કરવામાં આવતું ઝેરી વાયુનું ઉત્સર્જન (૧૧ ટકા) અને બાંધકામ પ્રવૃત્તિઓ દ્વારા પેદા થતું પ્રદૂષણ (૭ ટકા) જવાબદાર હોય છે. આ આંકડાઓ પરથી સ્પષ્ટ ખ્યાલ આવે છે કે વાહનો, ઉદ્યોગો અને અન્ય સ્થાનિક સ્રોતોમાંથી પેદા થતાં ઉત્સર્જનનો સામનો કરવા માટે અસરકારક પગલાં અમલમાં મૂક્યા વિના દિલ્હીના NCTને વાયુ પ્રદૂષણથી મુક્ત બનાવવું લગભગ અશક્ય છે.
દેશમાં વધતા પ્રદૂષણની પ્રક્રિયા અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. બિહારના હાજીપુરમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ ઈમરજન્સીના લેવલે વધી ગયો છે. હાજીપુરમાં AQI ૪૨૭ નોંધવામાં આવ્યો છે. આ પછી પ્રદૂષણની બાબતમાં ચંદીગઢ (૩૪૩) બીજા ક્રમે જ્યારે પટના (૩૪૦) ત્રીજા ક્રમે છે. નવેમ્બર ૨૦૨૩ ના બીજા સપ્તાહમાં માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા દિલ્હી રાજધાની ક્ષેત્રમાં વાયુ પ્રદૂષણ પર સુનાવણી દરમિયાન ટિપ્પણી કરવામાં આવી હતી કે સરકારે અન્નદાતા ખેડૂતને વિલન ન બનાવવો જોઈએ, જે રાષ્ટ્રીય નીતિ નિર્માતાઓ માટે ગંભીર ચેતવણી છે, કારણ કે સરકાર પોતાની બંધારણીય ફરજ ભૂલીને અન્નદાતા ખેડૂતોને બિનજરૂરી રીતે પરેશાન કરી રહી છે, જેઓ દેશની ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરે છે.
પરાળ બાળવાથી થતા વાયુ પ્રદૂષણને રોકવા માટેના સરકારી પ્રયાસો અત્યાર સુધી બિનઅસરકારક અને અવ્યવહારુ અને માત્ર જનતાના પૈસાનો બગાડ સાબિત થયા છે, કારણ કે ડાંગરની કાપણીના માત્ર ૧૫ દિવસમાં જ ભારે મશીનો દ્વારા અબજો ટન પરાળ સળગાવી દેવામાં આવે છે. આ પરાળનો ઉપયોગ કરવો અને સંગ્રહ કરવો એ એક પડકારજનક મિશન છે. જૂના જમાનામાં ખેડૂતોને પરાળ બાળવાની જરૂર પડતી નહોતી, કારણ કે તે પશુઓનો ખોરાક બનતો હતો. હવે કિસાનો પાસે પશુઓ જ રહ્યાં નથી.
હવે કિસાનો હળ અને બળદને બદલે ટ્રેક્ટર વાપરતાં થયાં હોવાથી ખેડૂતોને તેમનાં ખેતરો સાફ કરવા માટે પરાળ સળગાવવાનો આશરો લેવાની ફરજ પડી છે. જો હજુ પણ ખેડૂતોને યોગ્ય પ્રશિક્ષણ આપવામાં આવે તો પરાળમાંથી સોના જેવું ખાતર તૈયાર થઈ શકે છે. આ માટે જમીનમાં પરાળને દાટી રાખીને તેના પર પાણીનો છંટકાવ કરતાં રહેવું જોઈએ. જો તેમ કરવામાં આવે તો કિસાનોને મફત ખાતર મળે અને રાસાયણિક ખાતર પાછળ થતો કરોડો રૂપિયાનો ખર્ચ પણ બચી જાય તેમ છે. એ પર્યાવરણને અનુકૂળ કાયમી ઉકેલ છે, જેમાં પાકના અવશેષોને ઊંડી ખેડાણ દ્વારા જમીનમાં ભેળવી દેવામાં આવે છે અને ખેતરને તૈયાર કર્યા પછી આગામી પાકની વાવણી કરવામાં આવે છે. સરકાર જો આ દિશામાં ધ્યાન આપે તો પર્યાવરણની રક્ષા પણ થઈ શકે છે.
કોઈ પણ રીતે, હરિયાણા અને પંજાબમાં ડાંગરની ૯૦ ટકાથી વધુ કાપણી અને છટણી કમ્બાઈન હાર્વેસ્ટર્સ દ્વારા કરવામાં આવે છે. જમીનમાં પરાળને દાટી દેવાની જવાબદારી કમ્બાઈન હાર્વેસ્ટર્સના માલિકોની હોવી જોઈએ. જેના માટે સરકારે તમામ કમ્બાઈન હાર્વેસ્ટર માલિકોની નોંધણી અને કમ્બાઈન હાર્વેસ્ટર્સ પર સ્ટ્રો મેનેજમેન્ટ સિસ્ટમ ફરજિયાત બનાવવી જોઈએ અને સ્ટ્રોને જમીનમાં સમાવિષ્ટ કરવાની જવાબદારી માટે તેમને પ્રતિ એકર રૂ. ૧,૦૦૦ નું પ્રોત્સાહન આપવું જોઈએ. આ પગલાં વાયુ પ્રદૂષણથી રાહત આપશે અને જમીનની ફળદ્રુપતા વધારશે.