હાથશાળ પર કપડું વણાતુ ન હતું, એ પહેલાં પણ માનવી પોતાના અંગઉપાંગો ઢાંકવા વૃક્ષોની છાલ, વૃક્ષોનાં પાન, કે પશુઓના ચામડાનો ઉપયોગ કરાતો, માનવી એ હાથશાળ પર કપડું બનાવવાની શરૂઆત કરી ને આજે આધુનિક પાવર લૂમ્સ, રેપિયર, વોટરજેટ, એરજેટ સુધીની વિકાસ યાત્રા કેળવી ને જોઈએ એવી ગુણવત્તાનું મજબૂત અને ટકાઉ કપડું બનાવી રહ્યો છે, પરંતુ શરીર પરથી કપડાં એટલા જ પ્રમાણમાં ઓછા થતાં જાય છે, જાણે ઓછાં કપડાં પહેરી શરીરને ઓછું ઢાંકી વધારે ઉઘાડું રાખવાની ફેશનનો થઈ ગઈ છે!
અહીં મને જાણીતા સાહિત્યકાર, હાસ્યકાર દાસ બહાદુર વાઇવાળાની પંક્તિઓનું સ્મરણ થઈ આવે છે, પશ્રિમ નો પવન વાવંટોળ ને વિજળીમાં, એમાં કૈક યુવકો ને યુવતી ઓ તણાઈ છે, મીની સ્કટ અને બેલ બોટન પાટલૂન એ આજનાં યુગની ફેશન ગણાય છે, અંગે ઉપાંગોના આકર્ષણ જોઈ જાણે, ધડી એક સ્વર્ગનો વૈભવ જણાય છે, કહે દાસ બહાદુર એકવીસમી સદી યુગમાં, ગંગાનો પ્રવાહ કોહલી ખાડી તરફ તણાઈ છે.
સુરત – દિવ્યેશ કુમાર ફૈજાભગત – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
SIP નમ:
ગુજરાતમિત્રના ૧૨મી નવેમ્બરના અંકમાં બિઝનેસમિત્ર અંતર્ગત પ્રસિદ્ધ થયેલી માહિતી અને વિશ્લેષણો પર નજર કરતા બે અલગ અલગ બાબતોની સ્વાભાવિક તુલના થઈ ગઈ. એક વાત એવી છે કે ભારતમાં SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણમાં ખૂબ વધારો થયો છે. ઓકટોબર ૨૦૨૪ માં દેશમાં પ્રથમ વખત મ્યુચ્યુઅલ ફંડનું રોકાણ ૨૫,૦૦૦ કરોડ રૂપિયાને પાર કરી ગયું છે.મ્યુચ્યુઅલ ફંડમાંનું આ રોકાણ અત્યાર સુધીનું સર્વોચ્ય સ્તર છે. મંદીના વલણ વચ્ચે પણ મ્યુચ્યુઅલ ફંડમાંનું રોકાણ ખૂબ વધ્યું છે એ નોંધનીય છે. જ્યારે બીજી તરફ એવા સમાચાર છે કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણને બદલે બેન્ક કર્મચારીઓને ડિપોઝિટ લાવવા પર ભાર મૂકવા તાકીદ કરવામાં આવી છે.
ડિપોઝિટમાં વધારો કરનાર કર્મચારીઓને બેન્કના ચેરમેન કે અન્ય વરિષ્ઠ અધિકારીઓ તરફથી પ્રશંસાપત્ર કે અન્ય પ્રોત્સાહન આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. પાંચ સાત વર્ષો પહેલાં સરકારી બેન્કના કર્મચારીઓ પર ગ્રાહકોને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે આકર્ષવાનું દબાણ હતું. આ પરિસ્થિતિમાં હવે પરિવર્તન આવ્યું છે. આ બંને વિરોધાભાસી પરિસ્થિતિ સમજવા જેવી છે. ખાસ તો હવે રોકાણકારો નાની નાની એસ.આઇ.પી. દ્વારા બચત કરીને પોતાના રોકાણનું વળતર મળે એ માટે જોખમ લેતાં થયાં છે એ સ્પષ્ટ થાય છે. નવસારીના એક જાણીતા અને લોકપ્રિય ફંડ મેનેજરે નવસારીમાં અલગ અલગ સ્થળોએ મોટાં મોટાં હોર્ડિંગ્સ લગાવ્યા છે અને એમાં એક સરસ મજાનું સૂત્ર આપ્યું છે, “SIP નમ:” જે ગુજરાતમિત્રના વિશ્લેષણ સાથે ખૂબ સુસંગત જણાય છે.
નવસારી – ઇન્તેખાબ અનસારી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.